પોરબંદર માં બિલ્ડર નો વારંવાર પીછો કરી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હોવાની છાયા પાલિકા ના પૂર્વ પ્રમુખ ના પુત્ર સહીત ૨ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં બ્રહમસમાજ પાછળ રહેતા અને પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને અમદાવાદ શહેરમાં બિલ્ડર તરીકે જમીનની લે-વેચનો ધંધો કરતા રમેશ ભુરાભાઈ મોઢવાડીયા(ઉવ ૪૨)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ તથા તેમના મોટભાઈ આવડાભાઇ રોકડીયા હનુમાન વિસ્તારમાં જી.આઈ.ડી.સી.ના પ્લોટમાં બાજુ બાજુમાં રહેતા હતા અને ભરત જીવાભાઈ ભુતીયા પણ ત્યાંજ રહેતો હતો. પાંચ મહિના પહેલા ફરીયાદી રમેશભાઈના મોટાભાઈ આવડાભાઈની દીકરીએ ઘરના સભ્યની જાણ બહાર ભરત ભુતીયાના ડ્રાઇવર દિનેશ રામ કેશવાલા સાથે રજીસ્ટ્રેશન લગ્ન કરી લીધા હતા અને ઘરના સભ્યને જાણ થતા બન્નેની સગાઇ પણ કરાવી દીધી હતી.
ત્યાર પછી દિનેશ કેશવાલા ફરીયાદીના પરિવારનો જમાઇ થતો હોવાથી તેને એક બે વખત સમજાવ્યો હતો કે ભરત ભુતીયાની ગાડીનું ડ્રાઈવીંગ કરવાનું છોડી દે કારણકે બિલ્ડર તરીકેના ઘણા બધા કામ છે તે સંભાળી લેવા જણાવ્યુ હતુ. આ વાત દિનેશે ભરતભાઈને કરી હતી તેથી તેનું મનદુઃખ રાખીને ફરીયાદી રમેશ મોઢવાડીયાની પાછળ ભરત જીવાભાઈ ભુતીયા અને તેનો ભત્રીજો ભાવેશ ભુતીયા બન્ને ગાડી દોડાવીને પીછો કરી ખોટી રીતે હેરાન કરવા લાગ્યા હતા. દશ દિવસ પહેલા ખીજડીપ્લોટના ગાર્ડન પાસે રમેશ હતો ત્યારે ભરત અને તેનો ભત્રીજો ભાવેશ અચાનક ભેગા થઇ જતા ફરીયાદીએ તેઓને ‘તમે કેમ મને ખોટી રીતે હેરાન કરો છો? મારી કોઈ ભુલ થઇ હોય તો મને કહો’ તેમ કહેતા એ બન્ને ઇસમો ઉશ્કેરાઈ ગયા હતા અને હત્યાની ધમકી આપી હતી અને ‘હવે તને જોઇ લેવો છે તું કેમ ગામમાં નીકળે?’ તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા.
આથી ફરીયાદી ત્યાંથી જતો રહ્યો હતો. ત્રણ દિવસ પહેલા ફરીયાદીની જમીનમાં બ્લોકનું કામ કરતા કપીલભાઈ મદલાણીને ભરત ભુતીયાએ ફોન કરીને ‘તું રમેશનું કામ બંધ કરી દેજે અને મને રૂબરૂ મળી જજે’ તેમ કહ્યુ હતુ. આથી અંતે રમેશ મોઢવાડીયાએ ભરત ભુતીયા અને તેના ભત્રીજા ભાવેશ ભુતીયા સામે ગુન્હો નોંધાવ્યો છે. ભરત એ છાયા પાલિકા ના પૂર્વ પ્રમુખ જીવાભાઈ ભૂતિયા નો પુત્ર હોવાનું જાણવા મળે છે