પોરબંદર માં બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમન અન્વયે શિક્ષણના ભોગે રાશન કાર્ડ ઈ કેવાયસી કામગીરી પ્રાથમિક શિક્ષકો પાસેથી ન કરાવવા ડીડીઓ ને આવેદન પાઠવાયું છે.
પોરબંદર જીલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ લાખાભાઈ ચુંડાવદરા સહીત ના હોદેદારો એ ડીડીઓ ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે કે હાલમાં પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી રાશન કાર્ડ ઈ કેવાયસી કામગીરી લેવામાં આવી રહી છે. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમનની કલમ નં. ૨૭ અન્વયે આવી કામગીરી પ્રાથમિક શાળાના શિક્ષકો પાસેથી લઈ શકાય નહી. આમ છતાં જો લેવામાં આવે તો અદાલતના અનાદરનો પ્રશ્ન ઉદભવે છે.
જિલ્લામાં હાલ શિક્ષકો શિક્ષક તાલીમ, કલા મહોત્સવ, બાળ પ્રતિભા, બી.એલ.ઓ. કામગીરી, અખિલ ભારતીય શાળાકિય રમતો, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, સંત્રાત પરિક્ષાના પેપરો કાઢવા, સતત એકમ કસોટી લેવી, તપાસવી અને ઓન લાઈન કરવી, શિષ્યવૃતિ વગેરે જેવી કામગીરીના ભારણથી બાળકોના ગુણવતાયુકત શિક્ષણ પર પુરતું ધ્યાન આપી શકતા નથી. અધુરામાં પુરુ જો રાશન કાર્ડ ઈ કેવાયસી કામગીરી સોંપવામાં આવે તો બાળકોના શિક્ષણ પર માઠી અસર પડે છે. શિક્ષણ વિભાગ ના પત્ર અન્વયે આવી કામગીરી શિક્ષકો પાસેથી ન લેવા આદેશ થયો છે. આમ છતાં જો લેવામાં આવશે અને ભવિષ્યમાં અદાલતના આદેશના અનાદરનો પ્રશ્ન ઉદભવશે તો તેની જવાબદારી જે તે આદેશ કરનાર અધિકારીની રહેશે.તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે.