પોરબંદર માં નવરંગ સંસ્થા દ્વારા કવી સંમેલન યોજાયું હતું જેમાં કવિઓ ચાલુ વરસાદે પણ મન મૂકી ને વરસ્યા હતા.
પોરબંદરમાં સાહિત્ય સંગીત વગેરે કલાઓને ઉજાગર કરવા બે વર્ષથી નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન સંસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવરંગ દ્વારા ચોપાટી પાસે આવેલ ગાંધી સ્મૃતિ ભવન ખાતે કવિ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનમાં ચાલુ વરસાદે સાહિત્ય રસિકોએ મન ભરીને કવિતાઓ માણી હતી. એક તરફ આકાશમાંથી ઝરમર વરસતો વરસાદ અને બીજી તરફ કવિઓની કલ્પના રૂપી વરસાદમાં સાહિત્ય રસિકો રસતરબોળ બન્યા હતા. સતત બે કલાક સુધી વરસતા વરસાદમાં પણ શ્રોતાઓએ કાવ્યો અને ગઝલો મન ભરીને માણી હતી.
આ કવિ સંમેલનમાં જામનગરના પ્રખ્યાત કવિ ડો. મનોજ જોશી, બીજા જામનગરના કવિ હિરજી સિંચ, પોરબંદરના જાણીતા કવિઓ લાખણશી આગઠ, જય પંડ્યા, કિશન દાવડા, પરીક્ષિત મહેતા વગેરેએ દિલ ખોલીને પોતાની રચનાઓ રજૂ કરી ઉપસ્થિત સાહિત્ય રસિકોને મોજ કરાવી દીધી હતી. સમગ્ર કવિ સંમેલનને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણિયા, મંત્રી ડો. સ્નેહલ જોશી, સંયોજક કિશન દાવડા, મિલન પાણખાણીયા, શુભમ સામાણી અને નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શુભમ સામાણી અને જય પંડ્યાએ કર્યું હતું.
કવિ સંમેલનમાં પ્રસ્તુત થયેલ કવિતાઓ અંશો👇🏻
સાંજે ટાઢે પ્હોર ઉગે છે,
યાદને ઝીણાં ન્હોર ઉગે છે !
વાણીમાંથી દુર કરું તો,
વર્તનમાં જઈ થોર ઉગે છે.
બહારે બહારે માણસ ઉગતો,
અંદર આદમખોર ઉગે છે.
સંબંધો છે બાગ પરંતુ-
સ્વાર્થ જ ચારેકોર ઉગે છે.
રામ તમારી રાહ જોઈને,
આંખોમાંથી બોર ઉગે છે !
-◆- ડો. મનોજ જોશી ‘મન’
કૃપા એવી કરો કે કાયમી એવી સફર આવે
ઘરેથી નીકળું ને એમનું રસ્તામાં ઘર આવે
ભલે હમણાં વસંતોમાં બધું રળિયામણું લાગે
સબર દેજો મને ત્યારે કે જ્યારે પાનખર આવે
કે જેવા હોઈએ એવી જ લાગે આપણે દુનિયા
અમી હો આંખમાં તો દ્રશ્ય સૌ ઊર્મિસભર આવે
તમે આવો નહીં તો આ ગઝલ મક્તા વિના રહેશે
ભલે ‘લાખણ’ ને સાંભળવા અહીં આખું નગર આવે
-◆- લાખણ’શી આગઠ
સાચી વાતો સઘળી સાચી પાડો
કાચી અફવાઓને હાંકી કાઢો.
એકલ શ્રદ્ધાથી ના પૂગી શકશો
મહેનત રૂપે કોઈ ઘાંચી પાળો.
ઊછીના અજવાળા લેવા શાને?
સૌ કોઈ પોતીકા રવિ સંભાળો.
ખાલી એઠાં બોરે શબરી થાશો?
નિજ હૈયાને શ્રીરામ પણ જમાડો.
-◆- જય યુ. પંડ્યા
એ મને આસપાસ લાગે છે
નામ એનું વિકાસ લાગે છે
બંધ મુઠ્ઠી તમેય રાખો છો ?
વાત સાચે જ ખાસ લાગે છે
શબ્દ કેમેય અર્થ ના આપે
મૌનનો આજ વાસ લાગે છે
એક પણ તક હવે નથી દેવી
તું મને સાવ દાસ લાગે છે
કેમ ખોલું શહેરમાં દિલ આ
માણસો યાર લાશ લાગે છે
-◆- હિરજી સિંચ
દ્વેષથી પીડાઈ રહ્યું છે સતત,
પ્રેમ માટે તરફડે આખું જગત.
દુશ્મનો તકદીરના સરતાજ છે,
એમ કંઈ અમથાં ન પોબારા પડત .
આ નથી શતરંજ કે ચોપાટ પણ…
મોહ, મત્સર લોભની છે આ રમત.
દોસ્ત તું પડતો ન માયાજાળમાં,
જિંદગી છે! છોડવી પડશે મમત.
વ્હેમથી ચાલે નહીં આ જિંદગી
પ્રેમથી ચાલી જશે, લાગી શરત?
◆– કિશન દાવડા
ના હૃદયને જોઈએ કોઈ પણ શરત,
તે કહેલા શબ્દને આપું પરત.
તપ તમારા પ્રેમનું પાકી ગયું,
એમ સીધો હુંય તમને ના મળત.
કાયમી અસ્તિત્વ ક્યાં છે કોઈનું,
સૂર્ય બાકી સાંજ પડતા ના ઢળત.
લાગણી છે દોસ્ત, બાકી પ્રેમમાં,
એમ સીધા કોઈ પાછળ ના મરત.
◆- પરીક્ષિત મહેતા