પોરબંદરની વેપારી બજારમાં ટ્રાફીકને અડચણરૂપ દબાણ કરવા બદલ ૧૬ પાથરણા, રેકડી ધારકો, દુકાનદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદર ટ્રાફિક પોલીસ તથા કિર્તિ મંદિર પોલીસ સ્ટાફ દ્રારા ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદે દબાણ કરનાર રેકડી ધારકો, પાથરણાવાળા અને દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આવા ધંધાર્થી ઓ શહેરના મુખ્ય માર્ગ જેવા કે એમ.જી.રોડ રાણીબાગ, સુદામા ચોક, ડ્રિમલેન્ડ રોડ, બંગડી બજાર, લીબર્ટી રોડ, કેદારેશ્વર રોડ, શિતલા ચોકથી ભાવના ડેરી, હનુમાન ગુફા, લીમડા ચોક શાકમાર્કેટ જેવા વિસ્તારોમાં ગેરકાયદે દબાણ કરી ધંધો કરતા હતા. અને દુકાનની બહાર લોખંડની જાળીઓ, જાહેરાતના બોર્ડ, લાકડાના ટેબલો નાખી દુકાન સામે માલનું વેચાણ કરતા હતા. જેથી ખરીદી કરવા આવતા જતા લોકોને ખુબ મુશ્કેલી પડતી હતી.
આથી પોલીસે આવા અડચણરૂપ થાય તે રીતે રાખેલ સામાન દુર કરાવ્યો હતો અને ૧૬ ધંધાર્થીઓ સામે કેસ કરી સમાધાન શુલ્ક પેટે દંડ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ જાહેરનામા મુજબ એકીબેકી સંખ્યામાં વાહનો પાર્કિંગ કરવા અને ટ્રાફિકને અડચણરૂપ ન થાય તે અંગે સુચના આપવામાં આવી હતી. તેમજ ગણેશ ચતુર્થીનો તહેવાર સબબ શહેર વિસ્તારમાંથી અને આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા આવતા જતા હોવાથી તેમને સુરક્ષા,તકેદારી માટે અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ આ કામગીરી કરવામાં આવી હતી.
કાર્યવાહી થઇ તેવા ધંધાર્થી ના નામ
બોખીરાના સાજણ ભીમા વદરે કેદારેશ્વર મંદિર સામે શ્રીફળની લારી પાર્ક કરી હતી,જયુબેલીમાં કુંભાર જ્ઞાતિની વાડી પાસે રહેતા હીતેશ ભીખાલાલ પાઉંએ અને ચુના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા મહમદ સુફીયાન રહીમ નીગામણા, વીરડી પ્લોટના યુસુફ સુલેમાન માજોઠીએ, ઠક્કર પ્લોટના રીઝવાન અલીમહમદ સમાએ શીતલા ચોકમાં તેની દુકાન બહાર માલસામન રાખ્યો હતો. ગાયવાડીમાં દેના બેંક સામે રહેતા એહમદ રઝા હારૂન મલંગે શીતલા ચોકમાં પાનની લારી, ઠક્કર પ્લોટના જાહીદ હાસમ લાંગાએ ભાવના ડેરી સામે પાનની લારી, ઠક્કર પ્લોટના વિલાદ હુસેન શકીલ હીંગોરાએ પાનની રેકડી, ઝુંડાળા ના અરશી રામ બોરચીયાએ પાનની રેકડી, જી.ઈ.બી. ઓફીસ પાટાપાસે રહેતા પ્રકાશ નારણ સોલંકી, ખાપટના હરીશ બેચર મહેતા, મેમણવાડાના મહમદ હનીફ છાયાએ પાનની રેકડીઓ ટ્રાફીકને અડચણરૂપ રાખી હતી,નવા કુંભારવાડાના ખીમા ગીગા બાલસે સુતારવાડાના નાકે ભયજનક રીતે ચાની લારી રાખી હતી,નરસંગ ટેકરીની સિધ્ધીવિનાયક સોસાયટીમાં રહેતા ચીરાગ અશોક પુરોહીત અને અશરફીનગર ઇર્શાદ ગફાર માજોઠીએ શિતલા ચોકમાં દુકાન બહાર સામાન રાખતા તમામ સામે ફરિયાદ નોંધાઈ છે.