પોરબંદરના નેશનલ હાઇવે પર ઇન્ટરસેપ્ટર કાર અને હાઇવે પેટ્રોલીંગની કાર સતત ફરી રહી છે અને ઈજાગ્રસ્ત માનવીઓથી માંડીને પશુઓને પણ મદદ કરવામા આવી રહી છે.
હાઈવે પેટ્રોલ કાર પોરબંદર મીંયાણી હાઈવે પર પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બપોરના એક વાગ્યાના અરસામાં રાતડી ગામના પુલ પાસે હાઈવે ઉપર બાઈક ચાલક કેશુભાઈ હાજાભાઈ મોઢવાડિયા ઉ.વ.૬૦ રહે.રીણાવાડા ગામ વાળાને અચાનક ચક્કર આવતા બાઈક પરથી નીચે પડી ગયેલ હતા દરમ્યાન હાઈવે પેટ્રોલ કારનો સ્ટાફ જોઈ જતા તુરત જ વાહન ઉભું રાખી કેશુભાઈ પાસે જઈ તેમને ઉભા કરેલ અને તેમના શરીરે જોતા પગમાં સામાન્ય ઇજા થયેલ હતી, જેથી હાઈવે પેટ્રોલ કારમાં રહેલ ફર્સ્ટ એઈડ બોક્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી તેમના પુત્ર રાજુભાઈ ને બોલાવી તેમના ગામ રીણાવાડા મોકલી આપેલ હતા.
આ ઉપરાંત ઈન્ટરસેપ્ટર કાર તથા હાઈવે પેટ્રોલ કાર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન તથા સૂચના મુજબ પોરબંદર જીલ્લાના હાઈવે પર સતત પેટ્રોલીંગ ફરે છે અને અડચણરૂપ વૃક્ષો તથા વાહનો દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. હાઈવે પર વાહન ખરાબ થયેલ હોય તો તેવા વાહનચાલકોને જરૂરી મદદ કરવામાં આવે છે તેમજ હાઈવે પર અકસ્માતમાં ઈજા પામેલ પશુઓને તાત્કાલિક ગૌ શાળાની એમ્બ્યુલન્સનો સંપર્ક સાધી સારવાર અર્થે મોકલી આપવાની પણ ટ્રાફિક પોલીસ દ્વારા ઉમા અને સેવાકીય કામગીરી કરવામાં આવે છે. હાઈવે પર ભૂલી પડેલી વ્યકિત કે માનસિક રીતે અસક્ત વ્યકિત મળી આવ્યે પૂછપરછ કરી વાલી વારસ સુધી પહોંચાડવામાં આવે છે તેમજ રાત્રીના સમયે દ્વારકા કે હર્ષદ જતા પયાત્રીઓને રિફલેકટીવ જેકેટ પણ આપવામાં આવે છે.
હાઈવે પર અકસ્માતમાં ભોગ બનનાર ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મોકલી આપવા તેમજ જરૂરિયાતમંદ વ્યકિતઓને ત્વરિત મદદરૂપ થવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઈન્સ.કે.બી.ચૌહાણ તથા તેમની ટીમને સૂચના આપવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરી એ.એસ.આઈ. બી.કે.ઝાલા તથા હેડ કોન્સ.હિતેષભાઈ ગોહેલ, કોન્સ.સંજયભાઈ દુર્ગાઈ, ડ્રા. મયુરભાઈ બાલશ તથા ટી.આર.બી. રાહુલભાઈ પાંડાવદરા, કુલદિપભાઈ સરવૈયા દ્વારા કરવામાં આવી રહી છે.


