પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં અમુક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.જેમાં સમારકામ માટે વીજકર્મીઓ ગોઠણ ડુબ પાણીમાં કામ કર્યું હતુ.
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં અમુક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.જેથી પી.જી.વી.સી.એલ. વિભાગની ટીમ દ્વારા અતિભારે વરસાદની સ્થિતિમાં પુનઃ વીજ પુરવઠો કાર્યરત કરવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.પોરબંદર નજીક આવેલા શ્રીનગર જે.જી.વાય. પી.જી.વી.સી.એલ. ફીડરમાં પાંચ ગામનો પાવર સપ્લાય ગઈકાલ સાંજથી બંધ હતો.જેથી પી.જી.વી.સી.એલ. વિભાગની ટીમો દ્વારા ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં રાબેતા મુજબ વિજ પુરવઠો કાર્યરત કરવા માટે કામગીરી હાથ ધરી હતી.પી.જી.વી.સી.એલ. વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જીનીયરના માર્ગદર્શન હેઠળ ધસમસતા પાણીના પ્રવાહમાં અધિકારીઓ સહિતની ટીમે કલાકોની જહેમત બાદ રાબેતા મુજબ ખોરવાયેલ વિજપુરવઠો પાલખડા, બરડીયા, રાતડી અને કાંટેલા સહિતના ચાર ગામોમાં કર્યો છે તેમજ શ્રીનગર ગામમાં ભારે પાણીના પ્રવાહની વચ્ચે પણ વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું છે.