પોરબંદરના એક યુવાન પાસેથી ત્રણ શખ્સોએ ૧૦ થી ૩૦% વ્યાજ વસુલી ને ધાકધમકી આપી હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
પોરબંદરના ફાયર બ્રિગેડની સામે શ્રીજી સંકુલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ભાડે રહેતા પ્રકાશ ગોવિંદભાઈ નનેરા નામના ૩૫ વર્ષના યુવાને એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે, દિવસ દરમિયાન તે એક એન્ટરપ્રાઇઝમાં અને રાત્રિના સમયે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં જનરેટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. અને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી જુન-૨૦૨૩ માં રૂપિયાની જરૂર પડતા લીમડાચોકમાં રામેશ્વર સોડા નામની રેકડી ચલાવતા હિતેશ વિનોદ રાય જોગીયા કે જેને પોતે ટિફિન દેવા જતો હોવાથી ઓળખતો હતો, તેણે વ્યાજે રૂપિયા અપાવી દેવાનું જણાવ્યું હતું.
આથી તેણે જનકપુરી સોસાયટી બોખીરામાં રહેતા ભનુ બાપોદરા સાથે મુલાકાત કરાવી હતી અને ભનુ ૧૦% વ્યાજે રૂપિયા આપે છે તેમ જણાવ્યું હતુ,આથી હિતેષ જોગીયાની ભલામણથી ભનુએ એક લાખ રૂપિયા ૧૦% આપ્યા હતા અને તેનું લખાણ કરીને ચેક પણ આપ્યા હતા, ત્યારબાદ દર મહિને ભનુ બાપોદરા અને હિતેશ જોગિયાને વ્યાજ સહિત એક લાખ ચાલીસ હજાર રૂપિયા ચુકવી દીધા હતા,આમ છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી અવારનવાર કરતા હતા. ત્યારબાદ હિતેષ જોગીયાએ એવું કહ્યું હતું કે, હું ભનુ બાપોદરા પાસેથી તારા નામે એક લાખ રૂપિયા વ્યાજે લઈ અને તેનું વ્યાજ ભરીશ તેથી હા પાડતા હિતેશ જોગીયાએ ૧,૦૦,૦૦૦ ભનુ પાસેથી લીધા હતા અને બાદમાં એ જ રીતે ૫૦,૦૦૦ રૂપિયા પણ લીધા હતા અને ફરીયાદી પાસે વ્યાજની અવારનવાર માંગણી કરી હતી કે મે ૧.૫ લાખ રૂપીયાનું એક લાખ ૨૦ હજાર વ્યાજ ચુકવ્યું છે.
તેમ છતાં હજુ માંગણી કરતા હતા તેમ જ પોતે આર.વી. એન્ટરપ્રાઇઝ નામની દુકાને નોકરી કરે છે, ત્યાં પણ આવીને રૂબરૂ તેમજ ફોન ઉપર પણ પઠાણી ઉઘરાણી કરતા હતા અને તું વ્યાજ નહી ચુકવે તો તને છોડશું નહી તારાથી જે થાય તે કરી લેજે અમારા રૂપિયા પાછા નહી મળે તો જીવતો રહેવા દેશું નહી તેમ ધમકી આપતા હતા. એ દરમિયાન ફરીયાદીની આર્થિક પરિસ્થિતિ વધુ ખરાબ થતા હિતેષ જોગીયા મારફતે ભરત કેશવાલા નામના ઈસમ પાસેથી ૬૦,૦૦૦ રૂપિયા ૩૦% વ્યાજે લીધા હતા અને જેના ૨૬,૫૦૦ વ્યાજ ગુગલ પે થી ભરત કેશવાલાને આપેલ હતુ,આમ છતાં ભરત કેશવાલા અને હિતેષ જોગિયા ફરીથી
અવાર-નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા અને ગાળો બોલી ધમકી આપતા હતા. આથી અંતે આ ત્રણેય ઈસમો ભનુ બાપોદરા, ભરત કેશવાલા અને હિતેશ વિનોદભાઈ જોગિયા સામે ફરીયાદી પ્રકાશ નનેરાએ ગુજરાત નાણાધિરદાર અધિનિયમની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે.