પોરબંદર માં નેવીના એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને મહિલા સાથે અડધા લાખ થી વધુ ની છેતરપિંડી થઇ હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
પોરબંદરના નવા કુંભારવાડા શેરી નં-૩ માં હનુમાન મંદિર પાસે રહેતા નીતાબેન મનસુખભાઈ મણિયારી નામના ૪૩ વર્ષના મહિલાએ એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે, તેમની પુત્રી પ્રિયા હાલમાં ડુમિયાણી ખાતે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરે છે, તે બે વર્ષ પહેલાં વિનેશ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી, ત્યારે બિરલા કોલોનીમાં રહેતી અલ્પા સલેટ પણ નર્સ તરીકે કામ કરતી હતી, જેથી બંને બહેનપણીઓ હતી અને પાંચ મહિના પહેલા અલ્પાએ પ્રિયાને એવી વાત કરી હતી કે, નેવીની કેન્ટીનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની નોકરીના ફોર્મ ભરાય છે અને જયમીનભાઈ શિંગડીયા નામનો નરસંગ ટેકરીમાં રહેતો શખ્સ ૨૫૦૦ રૂપિયા ફોર્મ દીઠ લે છે અને તેણે પણ ફોર્મ ભર્યું છે.આથી નીતાબેને તેના પતિ મનસુખભાઈને આ વાત કરી હતી.આથી તેમની પુત્રીઓ અને પરિવારના અન્ય સભ્યોના ફોર્મ ભરવા માટે વાત કરતા જયમીને એવું કહ્યું હતું કે,હું તમારા ઘરે રૂબરૂ આવીને ફોર્મ ભરી જઈશ.
તા.૭/૩ ના જયમીન શિંગડીયા નીતાબેનના ઘરે આવ્યો હતો અને તેણે એવું કહ્યું હતું કે,તે ઇન્ડિયન નેવીના એકાઉન્ટ વિભાગમાં નોકરી કરે છે, તેમ કહીને નેવીનું આઈકાર્ડ પણ બતાવ્યું હતું અને જણાવ્યું હતું કે કેન્ટીનમાં કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી ચાલુ છે અને ફોર્મ ભરવાની આજે ૭/૩ ના છેલ્લી તારીખ છે ૧૨૫૦૦ પગાર અપાશે ફોર્મ ભરવાની ૨૫૦૦ રૂપિયા ફી છે કોનું ફોર્મ ભરવું છે? તેમ કહેતા નીતાબેન જયમીનની વાતોમાં આવી ગયા હતા અને દીકરી પાયલને નોકરીની ખાસ જરૂર હોવાથી પાયલના આધારકાર્ડની ઝેરોક્ષ અને ફોટા આપ્યા હતા અને પાયલનું ફોર્મ ભરીને ૨૫૦૦ રોકડા જયમીને લીધા હતા.
ત્યારબાદ થોડા દિવસો પછી ફરી જયમીન નીતાબેનના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, નેવીમાં હજુ જગ્યાઓ ખાલી છે બીજા કોઈના ફોર્મ ભરવા હોય તો કેજો આથી ફરીયાદી મહિલાએ તેના પતિને હરસિધ્ધિ રોલિંગ શટર નામની વેલ્ડીંગની દુકાનેથી ઘરે બોલાવ્યા હતા અને ત્યારબાદ તેમની બીજી બે દીકરીઓ પ્રિયા અને ભુમિના ફોર્મ ભર્યા હતા અને તે માટે ફરીયાદીએ સગા સંબંધી તરીકે સહી કરીને ૫૦૦૦ રૂપિયા રોકડા ચુકવ્યા હતા.
થોડા દિવસો પછી ફરી જયમીન નીતાબેનના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે હવે કોઈ બાકી રહી જતા હોય તો કહો આથી નીતાબેને તેની નાની બહેન શીતલ અને ભાઈ સુનિલનું ફોર્મ ભરવા માટે કહ્યું હતું અને તેના ૫૦૦૦ રૂપિયા ભરવા માટે જણાવતા ફરીયાદી પાસે નહી હોવાથી તેની દુકાનની બાજુમાં આવેલ નુરી ચિકનવાળા અશરફભાઈ પાસેથી ૫૦૦૦ હાથ ઉછીના લઈને ચુકવ્યા હતા.ત્યારબાદ દસ દિવસ પછી જયમીન ફરીથી નીતાબેનના ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે,તમે ભરેલ પાંચે ફોર્મવાળા ઉમેદવારોને તાલીમ આપવાની છે, જેના તમારે ૨૦,૦૦૦ રૂપિયા આપવા પડશે આથી ફરીયાદી એ કહ્યું હતું કે, મારી પાસે હવે રૂપિયા નથી તેથી એ જયમીને એવું જણાવ્યું હતું કે, તો તમારા ફોર્મ રદ થઈ જશે, આથી ફરીયાદીએ કહ્યું હતું કે, બપોર પછી આવો તો હું પૈસાની વ્યવસ્થા કરી આપું,
ત્યારબાદ તેમણે તેમના પતિને વાત કરતા એવું જણાવ્યું હતું કે, સોનાનો ચેન મુથુટ ફાઈનાન્સમાં મુકીને ફી ભરી દેજે આથી ફરીયાદી મહિલા સુદામાચોકમાં આવેલ મુથુટ ફાઇનાન્સની ઓફિસે ગયા હતા અને સોનાનો ચેન ગીર્વે મુકીને ૨૦.૦૦૦ ની લોન લીધી હતી અને એ ૨૦,૦૦૦ રૂપિયા સાંજે જયમીનને આપી દીધા હતા અને તેની ગોલ્ડ લોન હજુ પણ ચાલુ છે. ત્યારબાદ થોડા દિવસ પછી ફરી જયમીન આવ્યો હતો અને કહ્યું હતું કે નેવીમાં કાયમી નોકરી કરવી હોય તો પાંચેય ઉમેદવારના ૫૫૦૦ લેખે ૨૭,૫૦૦ આપવાના થાય છે નેવીનો કોન્ટ્રાકટ મોટો છે અને તમારે નોકરીની કાયમી જરૂરીયાત છે એટલે મે કહ્યું તે પ્રમાણે ફી ભરી દો એટલે ભવિષ્યમાં કોઈ નોકરીમાંથી કાઢી શકે નહી મે ૩૦ થી ૩૫ છોકરાઓને આ રીતે નોકરી ઉપર રખાવ્યા છે અને થોડા દિવસોમાં ટ્રેનિંગ પણ ચાલુ થવાની છે, તેમ સમજાવતા ફરીયાદી તેની વાતમાં આવી ગયા હતા
પરંતુ ત્યારબાદ થોડા દિવસ પછી ફરી જયમીન આવ્યો હતો અને કહ્યું હતું કે નેવીમાં કાયમી નોકરી કરવી હોય તો પાંચેય ઉમેદવારના ૫૫૦૦ લેખે ૨૭,૫૦૦ આપવાના થાય છે નેવીનો કોન્ટ્રાક્ટ મોટો છે અને તમારે નોકરીની કાયમી જરૂરીયાત છે એટલે મે કહ્યું તે પ્રમાણે ફી ભરી દો એટલે ભવિષ્યમાં કોઈ નોકરીમાંથી કાઢી શકે નહી મે ૩૦ થી ૩૫ છોકરાઓને આ રીતે નોકરી ઉપર રખાવ્યા છે અને થોડા દિવસોમાં ટ્રેનિંગ પણ ચાલુ થવાની છે, તેમ સમજાવતા ફરીયાદી તેની વાતમાં આવી ગયા હતા, પરંતુ રૂપીયા નહી હોવાથી ફરીથી નુરી ચિકનવાળા અશરફભાઈ પાસેથી હાથ ઉછીના રૂપિયા લઈને જયમીનને કાયમી નોકરી માટે ૨૭૫૦૦ ચુકવ્યા હતા,આમ કુલ કટકે કટકે તેને ૬૦ હજાર રૂપિયા ચુકવવામાં આવ્યા હતા.ત્યારબાદ ૧૫ દિવસ પછી નીતાબેને તેને ફોન કર્યો હતો અને ટ્રેનિંગમાં ક્યારે જવાનું છે? તેવું કહેતા એવું જણાવ્યું હતું કે બસ થોડા દિવસોમાં ટ્રેનિંગમાં જવાનું થશે.
થોડા દિવસો પછી ફરીયાદી નિતાબેને તેની દીકરી પાયલની બહેનપણી અલ્પાને ફોન કરીને પુછ્યું હતું કે,તારી નોકરીનું શું થયું? તો તેણે એવું કહ્યું હતું કે એ બધું ખોટું છે,તેઓ નેવીની ઓફિસે રૂબરૂ જઈને આવ્યા છે અને જયમીને ૩૦ થી ૩૫ જેટલા છોકરાઓના ખોટા ફોર્મ ભરીને રૂપિયા લઈ લીધા છે તેવી વાત કરી હતી, આથી ફરીથી નેવીની ઓફિસે જવાનું નક્કી કર્યું હતું અને બીજા દિવસે બોખીરાના ત્રણ માઈલ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ નેવલ બેઝની ઓફિસ ખાતે રૂબરૂ જઈને તપાસ કરતા એવું જણાવ્યું હતું કે, નેવીમાં આવી કોઈ ભરતી ચાલુ નથી અને જયમીન નામનો કોઈ માણસ અહીંયા નોકરી કરતો નથી તમે પૈસા આપેલા હોય તો તેમની પાસેથી પાછા લઈ લેજો.આથી આ મહિલાના પગ નીચેથી ધરતી સરકી ગઈ હતી.અને જયમીનને ફોન કરીને એવું જણાવ્યું હતું કે, અમારે હવે | નોકરી કરવી નથી અમારા રૂપિયા પાછા આપી દો.
આથી તેણે એવું કહ્યું હતું કે થોડા દિવસોમાં તમને રૂપિયા પરત મળી જશે ત્યારબાદ વારંવાર ઉઘરાણી કરતા થોડા દિવસોમાં આપી દઈશ તેમ કહીને એક બે મહિના કાઢી નાખ્યા હતા અને ખોટેખોટા કોલ લેટર પણ મોકલતો હતો, ત્યારબાદ વારંવાર માંગણી કરતા જઈને બે હસે ત્રીસ હજાર રૂપિયા ગુગલ પેથી ઓનલાઈન ચુકવ્યા હતા અને બીજા રૂપિયા નથી આપવા તમારાથી થાય તે કરી લો તેમ કહીને રૂપિયા આપવાની ઘસીને ના પાડી દીધી હતી અને અલ્પાબેનના રૂપિયા પણ આપ્યા ન હતા, ત્યારબાદ એ તપાસ કરતા પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં રહેતા કુમારભાઈ રાઠોડ તથા તેના મિત્રો સાથે પણ જયમીને ખોટા ફોર્મ ભરાવીને રૂપિયા પડાવ્યા હતા અને નેવીની ઓફિસે તપાસ કરતા એવી ખબર પડી હતી કે તેમની સાથે પણ છેતરપિંડી થઈ છે.
આથી અંતે નીતાબેને જયમીન શિંગડીયા ઇન્ડિયન નેવીમાં નોકરી કરતો નહી હોવા છતાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતો હોવાનું કહી નેવીનું આઈકાર્ડ બતાવી વિશ્વાસમાં લઈ ૩૦,૦૦૦ ની છેતરપિંડી કરીને તથા સાહેદ અલ્પાબેન પાસેથી ૨૫૦૦ લઈ જઈને તેમજ અન્ય યુવાનો પાસેથી પણ રૂપિયા લઈને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા અંતે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા આગળની તપાસ કીર્તિમંદિર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.