પોરબંદર માં હિટ એન્ડ રનનામાં ગંભીર ઈજામાં ૫૦ હજાર અને મૃત્યુના કિસ્સામાં બે લાખની સહાય મળશે. તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા જાહેર કરાયું છે.
પોરબંદર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હિટ એન્ડ રન મોટર એક્સિડેન્ટ યોજના (કમ્પનસેશન ટુ વિક્ટીમ્સ ઓફ હિટ એન્ડ રન મોટર એક્સિડેન્ટ સ્કીમ-૨૦૨૨) અન્વયે ૧ એપ્રિલ ર૦૨૪ પછી કારણભૂત વાહનોની ઓળખ ન હોય તેવા હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનારના મૃત્યુના કિસ્સામાં તેમના સીધી લીટીના વારસદારને તેમજ ભોગ બનનારને ગંભીર રીતે ઈજા પહોંચે તેવા કિસ્સામાં વળતર મળવા પાત્ર છે. ગંભીર ઈજાગ્રસ્તોને વળતરની રકમ ૫૦,૦૦૦ રૂપીયા અને મૃત્યુના કિસ્સામાં સીધી લીટીના વારસદારને બે લાખ રૂપિયાનું વળતર મળવાપાત્ર છે.
હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનારને દસ્તાવેજો મામલતદારશ્રીની કચેરી ખાતે ફોર્મ-૧ મુજબ વળતર અરજી કરી શકે છે. દાવેદારના બેંક ખાતાની પાસબુકની નકલ, પીડિતની સારવાર કરનાર હોસ્પિટલના કેશલેસ સારવાર બિલની રકમ, પીડિતના આઈ.ડી. અને સરનામા માટેની દસ્તાવેજી નકલ, દાવેદારના આઈ.ડી. અને સરનામાના પુરાવા માટેની દસ્તાવેજની નકલ, પોલીસ એફ.આઈ.આર. ની નકલ, મૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ, ડેથ સર્ટિફીકેટ અથવા ઈજાનો અહેવાલ સહિતના આધાર પુરાવા સાથે વળતર અરજી કરવાની રહેશે. સ્કીમ અંગે કોઈપણ બાબતના માર્ગદર્શનની જરૂર હોય તો પોરબંદર-ખંભાળીયા હાઈવે પર, ચામુંડા માતાજીના મંદિર સામે, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, દેગામનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.