પોરબંદર ના બોખીરા વિસ્તારના સર્વિસ સેન્ટર અને કમાન સેન્ટર માંથી 1 ટ્રેકટર અને 5 ટ્રકના ટાયરોની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. જે ચોરી નો ભેદ ઉકેલી પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા હતા. આ તસ્કરો એ અન્ય ૨ ચોરી ની પણ કબુલાત આપી હતી.
પોરબંદરના બોખીરા ખાતે આવેલ ટ્રેલર સર્વિસ સ્ટેશન અને એક કમાન સેન્ટરમાં ખાબકેલા તસ્કરોએ એક આખે આખું ટ્રેક્ટર અને ટ્રકના ટાયરોની ચોરી કરી હતી. આ મામલે ભરતભાઈ વિક્રમભાઈ ઓડેદરા (ઉં.વ.40) રહે. ભોમીયાવદર ગામ સીમ શાળા એક પાસે વાડી વિસ્તાર, એ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અજાણ્યા ત્રણ શખ્સો એ તા ૧૪ ની રાત્રિના સમયે બોખીરા માં આવેલ સિધ્ધિ ટેઈલરના સર્વિસ સ્ટેશનમાં પ્રવેશ કરીને ફરિયાદીનું ટાફે કંપનીનું રજી. નં. જી.જે.14 એપી 0872 કિં.રૂ.૩,25,000નું ટ્રેક્ટર તથા નજીક માં આવેલ ભરતભાઈ બોરીચાના શ્રીરામ કમાન સેન્ટરના ગોડાઉનમાં પ્રવેશ કરીને ઈનોવેટીવ કંપનીના ટ્રકના 5 ટાયરો કિ.રૂ.25,000 મળી કુલ કિ.રૂ 3,50,000ની ચોરી કરી લઈ ગયા હતા.
આ બનાવ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં બાતમીના આધારે ઓરીએન્ટ ફેકટરીની પાછળના ભાગે બાવળની જાડીઓમાં દરોડો પાડીને મીલન મનસુખભાઇ નીમાવત, કરણભાઇ ભરતભાઇ ઓડેદરા અને અભયસિંહ જગદેવસિંહ જેઠવા નામના 3 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી લીધા હતા. આ ત્રણેય શખ્સોએ બોખીરામાંથી 1 ટ્રેકટર, 5 નંગ ટાયર ચોરી ની કબુલાત આપી હતી ઉપરાંત કાટવાણા ગામેથી 1 મોટર સાયકલ અને બોખીરા ગામેથી પણ 2 માસ પહેલા 1 મોટર સાયકલ ચોરીની પણ કબુલાત આપી હતી. આથી ત્રણેય ની પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે