પોરબંદર જિલ્લાની ૪૨ શાળા ને શિક્ષણ વિભાગ દ્વારા વધુ એક નોટીસ પાઠવી ૩ દિવસ માં ફાયર સેફટી અંગે કાર્યવાઈ કરવા સુચના અપાઈ છે.
પોરબંદરના જિલ્લા શિક્ષણાધિકારી વી.કે. પરમારે જિલ્લાની ૪૨ જેટલી પ્રાથમિક, માધ્યમિક સહિત અને માધ્યમિક શાળાઓને નોટીસ પાઠવીને જણાવ્યુ છે કે રાજય અગ્નિ નિવારણ સેવાઓની કચેરીના ધારા ધોરણ મુજબ ૯ મીટર કે તેથી વધુ ઉંચાઈ ધરાવતી અથવા ૫૦૦ ચો.મી. કે તેથી વધુ કુલ બાંધકામનો વિસ્તાર ધરાવતી શાળાઓએ ફાયર એન.ઓ.સી. મેળવવાનું થાય છે. આથી આવી શાળાઓને ફાયર એન.ઓ.સી. મેળવી લેવા કચેરી દ્વારા વખતો વખત સૂચના આપવામાં આવી છે. તેમજ આવી શાળાઓને તેઓ ફાયર એન.ઓ.સી. મેળવે તે સમયગાળા દરમિયાન સ્થાનીક શાળાકીય પરિસ્થિતિને ધ્યાનમાં લઇ શૈક્ષણિક કાર્ય શરૂ રાખવા અંગે કચેરીના તા. ૨૫-૭-૨૪ના પત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં ૪૨ શાળા દ્વારા ફાયર એન.ઓ.સી. મેળવવા માટે, રિન્યુ કરવા માટે અરજી કરવામાં આવી નથી.
આ શાળાઓ દ્વારા સરકારની વખતોવખતની સૂચનાની અમલવારી કરવામાં આવી નથી. તેમજ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સલામતી માટે જરૂરી પગલા લીધા નથી. જે ખૂબ ગંભીર બાબત છે. જેના અનુસંધાને શાળાને આ કારણદર્શક નોટીસ આપવામાં આવે છે. જે મળ્યે સત્વરે ફાયર એન.ઓ.સી. મેળવવા, રીન્યુ કરાવવા માટે અરજી કરી ફાયર એન.ઓ.સી. મેળવી લેવા જણાવ્યું છે તેમજ આ અંગેની અરજી કર્યાના આધારો કચેરીને ત્રણ દિવસમાં રજુ કરવા જણાવ્યું છે અન્યથા જે તે શાળાના સંચાલકો કશું કહેવા માંગતા નથી તેમ માની નિયમોનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ બાળકોની સલામતી અંગે ભવિષ્યમાં કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી શાળાના આચાર્ય, સંચાલકની અંગત રહેશે તેવું પણ જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે આ પ્રકાર ની નોટીસ અગાઉ પણ શિક્ષણાધિકારી કચેરી દ્વારા અપાઈ છે તેમ છતાં શાળા સંચાલકો તેને ગંભીરતા થી લેતા ન હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
કઈ કઈ શાળા ને અપાઈ નોટીસ
ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવા માટે નોટીસ આપવામાં આવી છે તેમાં સૌથી વધુ પોરબંદર તાલુકા ની ૩૩ ઉપરાંત રાણાવાવની ૬ અને કુતિયાણાની ૩ શાળાને નોટીસ અપાઈ છે આ શાળાઓ માં સરકારી ,ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓ નો સમાવેશ થાય છે જેમાં પોરબંદર તાલુકા ની છાયા વિસ્તારમાં આવેલી કે.બી.જોષી કન્યા વિદ્યાલય, આર્યકન્યા ગુરુકુળ પ્રાથમિક શાળા, આર્યકન્યા ગુરુકુળ અંગ્રેજી માધ્યમ, વી.જે. મદ્રેસા ગર્લ્સ સ્કૂલ, વી.જે વી.જે. મદ્રેસા બોયઝ સ્કૂલ, ઉદ્યોગનગરમાં આવેલી ઓ.એન. મોઢા વિદ્યાલય, છાયાની વિવેકાનંદ માધ્યમિક શાળા, સ્વામિ શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર પ્રાથમિક શાળા, સેન્ટ મેરી ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ, મ્યુનીસીપલ ઇંગ્લીશ સ્કૂલ (હાયર સેકન્ડરી), સરસ્વતી વિદ્યાલય, રત્નાકર પ્રાયમરી સ્કૂલ, સુરૂચી ઇંગ્લીશ સ્કૂલ, સેન્ટ જોસેફ સ્કૂલ, છાયાની કે.બી.જોષી વિદ્યાલય, એમ.ઈ.એમ. સ્કૂલ જેવી પોરબંદર શહેરની વિવિધ શાળાઓનો સમાવેશ થાય છે તે ઉપરાંત માધવપુરની પરિશ્રમ પ્રાથમિક શાળા, લીરીબેન ફોગાભાઈ કેશવાલા હાઇસ્કૂલ, અડવાણા ઉચ્ચતર માધ્યમિક શાળા, શારદા વિદ્યામંદિર હાઇસ્કૂલ, વિસાવાડાની એચ.જે.કે. હાઇસ્કૂલ, બગવદરની ગ્રામ્ય ભારતી વિદ્યાલય,
બખરલાની એમ.આર.કે. હાઇસ્કૂલ, ગોસાની એમ.પી.જે. એલ.એચ. સ્કૂલ, માધવપુરની શેઠ એન.ડી.આર. હાઇસ્કૂલ, ભાવપરાની બી.જે.બી. હાઈસ્કૂલ, ફટાણાની એ.એન. કે. મહેતા ઉચ્ચતર માધ્યમિક શાળા, મોઢવાડાની વી.જી. કારીયા હાઇસ્કૂલ, ગરેજનું શ્રી વિનયમંદિર, ભારવાડાની શ્રીમતી કે.બી. સંસ્કૃત વિદ્યાલય, શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય રાણાવાવ તાલુકાની રાણાખીરસરાની માધ્યમિક શાળા, રાણાકંડોરણાની પરિશ્રમ પ્રાથમિક શાળા, મોકરની એમ.એમ.વી. હાઇસ્કૂલ, રાણાવાવની મદ્રેસા પ્રાથમિક શાળા, રાણાવાવની એમ.વી. મજેઠીયા કન્યાશાળા, રાણાવાવની શ્રી સ્વામિ વિવેકાનંદ હાઇસ્કુલ જયારે કુતિયાણાની પરિશ્રમ વિદ્યાલય, સરસ્વતી કન્યા વિદ્યાલય અને બાલા હનુમાન માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે.