પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેકટરીએ તેના તબીબ કર્મચારીના દસ લાખ રૂપિયા હક્ક હિસ્સાના ન ચુકવતા તેઓએ આ મુદે શ્રમ અધિકારી પાસે ફરિયાદ દાખલ કરતા દસ લાખ રૂપિયાનું વળતર ચુકવવાનો હુકમ કરવામા આવ્યો છે.
છેલ્લા ઘણા સમયથી ખાનગી તેમજ જાહેર વહિવટી સંસ્થા પોતાના કર્મચારીઓનું લેબર શોષણ કરતી હોવાની તેમજ કર્મચારી, કામદારની નિવૃત્તિ, અવસાન બાદ તેઓના ફરજીયાતપણે ચુકવી આપવાના થતા હક્ક-હિસ્સા ચુકવવાની જવાબદારીમાંથી હાથ ખંખેરતી હોવાની અસંખ્ય ફરિયાદો ઉઠેલ છે.
ત્યારે તાજેતરમાં આવો જ એક ખાનગી સંસ્થાનો કિસ્સો ધ્યાનમાં આવેલ છે. પોરબંદરની જાણીતી સૌરાષ્ટ્ર કેમિકલ્સ પ્રા.લી. કંપની સામે પણ પ્રતિષ્ઠિત ડો. અનિલભાઈ ડાયાભાઇ દેવાણીએ પોરબંદરની સરકારી શ્રમ અધિકારી સમક્ષ પોતાના ફરજમુક્તિ પછીના બાકી નીકળતા હક્ક હિસ્સાની રકમ સંસ્થાએ નહીં ચુકવતા એડવોકેટ વિજયકુમાર પંડયા મારફત ફરીયાદ દાખલ કરી હતી. જે મુજબ કોઇપણ કર્મચારીને છુટા કર્યા બાદ દિવસ ૩૦માં બાકી નીકળતી હક્ક-હિસ્સાની ગ્રેચ્યુઇટીની રકમ ફરજીયાત ચુકવી આપવાનો નિયમ હોવા છતા ન ચુકવતા ફરીયાદ દાખલ કરેલ હતી. જેમાં સંસ્થાએ પોતાના બચાવમાં ડોકટરની ફરજોને માત્ર પાર્ટટાઈમ તેમજ માત્ર માનદ સેવામાં ખપાવી ઉડાવ બચાવ લીધેલ હતો તેમજ ડોકટરને માત્ર કંપનીની બહારના વ્યક્તિ તરીકે દર્શાવી માત્ર કન્સલ્ટીંગ અને વીઝીટર્સ ડોકટર તરીકે રેકર્ડ ઉપર દર્શાવવાનો પ્રયત્ન કરેલો હતો.
જેની સામે વકીલ વિજયકુમાર પંડયાએ દલીલો રજુ કરી જણાવેલ કે જયારે કર્મચારી ડોકટરને નિમણૂંકનો પત્ર પાઠવેલ હોય તેમજ છુટા કર્યાનો આદેશ મોજુદ હોય ત્યારે તેને કંપનીની બહારના વ્યક્તિ ગણી શકાય નહી અને વળતર ચુકવવાની જવાબદારી આ રીતે સંસ્થા છટકી શકે નહી વળી, કર્મચારી પાર્ટટાઈમ વર્કર હોવાનુ કોઈ ટાઈમ રજીસ્ટર કંપનીએ નીભાવેલ નથી કે માત્ર માનદ સેવા તરીકેનો કોઇ આધાર પુરાવો રજૂ કરેલ ન હોય જે દલીલોને ધ્યાને લઇ પોરબંદરના શ્રમ અધિકારીએ કંપનીને રૂા. ૧૦ લાખ વળતર તરીકે ૩૦ દિવસમાં ૧૦ ટકાના વ્યાજે સાથે ચુકવી આપવાનો આદેશ ફરમાવેલ છે.