પોરબંદર ના ઉદ્યોગનગર વિસ્તાર માં વધતી જતી દેશી દારૂ ની બદી સામે એ એસ પી એ દરોડો પડાવી કુખ્યાત દારૂ ના ધંધાર્થી નો દેશી દારૂ નો જથ્થો ઝડપી લીધો હતો. જો કે બુટલેગર ને બાતમી મળી જતા સ્થળ પર થી ન મળી આવતા અનેક ચર્ચાઓ જાગી છે.
પોરબંદર ના ઉદ્યોગનગર વિસ્તાર માં આવેલ ઓરીએન્ટ ફેક્ટરી ના ગેઇટ નં ૨ ની સામે આવેલ સ્ટેન્ડ સામે કુખ્યાત દેશી દારૂ ના ધંધાર્થી રાણો ઉફે લંગડી ચનાભાઈ મોરી વર્ષો થી દેશી દારૂ નું વેચાણ કરે છે. ઉદ્યોગનગર પોલીસ દ્વારા માત્ર કામગીરી બતાવવા અનેક વખત આ શખ્સ ને નજીવી માત્રા માં દારૂ ના જથ્થા સાથે ઝડપી લઇ કેસ દાખલ કરવામાં આવે છે. પરંતુ ત્યાર બાદ દારૂ નું વેચાણ યથાવત હોય છે. ત્યારે આ અંગે નવા નિમાયેલ એ એસ પી સાહીત્યા ને બાતમી મળી હતી કે ઓરીએન્ટ ગેઇટ સામે ખુલ્લેઆમ દારૂ નું વેચાણ શરુ છે..
આથી તેઓએ તુરંત કિર્તીમંદિર પોલીસ મથક ના સ્ટાફ ને તે સ્થળે ક્રોસ રેડ કરવા સુચના આપતા કોન્સ્ટેબલ હોથીભાઇ અરજણભાઈ ,મસરીભાઈ ભૂતિયા,જય ડાભી અને દેવેન્દ્રસિંહ રણજીતસિંહ વગેરે એ ત્યાં દરોડો પાડ્યો હતો. જો કે કોઈ પણ રીતે બુટલેગર રાણા ને આ અંગે માહિતી મળી જતા તે સ્થળ પર થી મળી આવ્યો ન હતો. આથી પોલીસે ૧૫૦૦ રૂ ની કીમત ના ૭૫ લીટર દેશી દારૂ ભરેલ ૩ બાચકા કબ્જે કરી સંતોષ માનવો પડ્યો હતો. પોરબંદર પોલીસ વિભાગ માં પ્રથમ વખત આ રીતે સ્થાનિક પોલીસ ને અંધારા માં રાખી અને ક્રોસ રેડ પડી હોવાનું જાણવા મળે છે. જેના પગલે પોલીસબેડા માં પણ અનેક ચર્ચાઓ જાગી છે. ઉલ્લેખનીય છે કે ઉદ્યોગનગર પોલીસ મથક વિસ્તાર માં અનેક સ્થળો એ દેશી દારૂ ના હાટડા ધમધમી રહ્યા છે. જેની સામે સ્થાનિક પોલીસ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.