Thursday, September 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં પ્રિમોન્સૂન કામગીરીના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ:બચાવ રાહતના સાધનો,પાવર બેકઅપ, સંદેશા વ્યવહારના સાધનોની સમીક્ષા કરાઇ

પોરબંદર માં તંત્ર દ્વારા પ્રી મોન્સુન કામગીરી ના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વર્ષાઋતુ-૨૦૨૪ પ્રિ-મોનસુન કામગીરીના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે, ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ તકેદારીના પગલા, નાગરિકોને માર્ગદર્શન તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગે કાર્યવાહી વગેરે બાબતોનું સુચારુ આયોજન કરવામાં આવતું હોય છે. જેને ધ્યાનમાં રાખતા સમગ્ર પોરબંદર જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત તમામ તાલુકા સ્તરે લાયઝન અધિકારીશ્રીની નિમણુંક કરવામાં આવી છે.

સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીએ વાવાઝોડા અને અતિવૃષ્ટિ દરમિયાન બચાવ અને રાહત કામગીરી વગેરે મુદ્દે સમીક્ષા કરી હતી. જર્જરિત મકાનો અને મિલ્કતોનું રીપેરીંગ, તળાવોની સફાઈ, વિવિધ વોકળા- નદીપટની સફાઈ, વોર્ડ કે તાલુકા અનુસાર રેસ્ક્યુ ટીમ બનાવવી, અગમચેતીના સંદેશા પહોંચાડવા માટેની નેટવર્કિંગ સિસ્ટમ, કંટ્રોલ રૂમમાં ફરજ સોંપણીના હુકમ તૈયાર કરવા, દરિયાકાંઠા અને નીચાણવાળા વિસ્તારો આઇડેન્ટીફાય કરવા, અગરિયા, તરવૈયા, આપદામિત્રોની યાદી, શ્રમિકો, માછીમારોની યાદી, સ્થળાંતર માટેના વાહનો અને આશ્રય સ્થાનો ખાતે પીવાનું પાણી, લાઇટ જેવી પ્રાથમિક સુવિઘાઓ, દવાની વ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, પશુઓ માટે રસીકરણ અને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા, જુના રોડ-રસ્તાનું રીપેરીંગ વગેરે અગત્યના મુદ્દાઓ પર કલેક્ટરએ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃતપણે ચર્ચા કરી હતી.

ઉપરાંત ડેમ-કેનાલના દરવાજાની ચકાસણી અને સફાઈ, જરૂરી સ્થળો પર વાયરલેસ નેટવર્ક ગોઠવવા, તા.૦૧/૦૬/૨૦૨૪ થી તાલુકા મથકે ૨૪*૭ કંટ્રોલ યુનિટ સેટઅપ, કોઝ-વે પર સાઈન માર્ક કરવા, વૈકલ્પિક રસ્તાઓની યાદી, વીજળીના તૂટેલા તાર, જોખમી વીજ પોલ નિકાલની કામગીરી, અનાજ પુરવઠાની જાળવણી, આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલોમાં સાધનો, દવાઓ, રસીનો પૂરતો સ્ટોક પહોંચાડવા, સગર્ભા, વૃદ્ધોને તાત્કાલિક સારવાર અપાવવી, પીવાના પાણીનું નિયમિત કલોરિનેશન, રોગચાળો ફેલાતો અટકાવવા જંતુનાશક દવાઓના જથ્થા, જંતુનાશક દવાનો છંટકાવ કરવો, જિલ્લા કંટ્રોલ રૂમ સાથે તમામ વિભાગોનું સંકલન બની રહે, વીજશોક ટાળવા માટેની કામગીરી, જનરેટર ઈન્વર્ટરની વ્યવસ્થા, અસરગ્રસ્તોને ખસેડવા માટે વાહનની વ્યવસ્થા, વાવઝોડા અને અતિવૃષ્ટિ દરમિયાન સાવચેતીના સંદેશાની બહોળા પ્રમાણમાં પ્રચાર-પ્રસાર અને ખેડૂતોને સમયસર માહિતી મળી રહે તેવા તમામ મુદ્દાઓ પર જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીએ ચર્ચા કરી હતી. પ્રિ મોન્સૂન અને પોસ્ટ મોનસૂન કામગીરીમાં કોઈપણ રીતે કચાસ ન રહે, કોઈ જાનહાનિ ન થાય તે માટે સર્વે કર્મયોગીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  
         
સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠકકર, નિવાસી અધિક કલેક્ટર, રાજેન્દ્રસિંહ એમ. રાયજાદા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી પારસ વાંદા, એસ. એ. જાદવ સહિત તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ચોમાસા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓની નિયુક્તિ કરાઇ

પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસુ-૨૦૨૪ અન્વયે ભારે વરસાદ, પુર, વાવાઝોડાની પરિસ્થિતિમાં દુર્ઘટના/કુદરતી આપત્તિનો ભોગ બનેલ લોકો સુધી શક્ય તેટલી ઝડપથી મદદ પહોંચાડી શકાય અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીનું સુચારુ સંચાલન થઈ શકે તેવા આશયથી તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી દ્વારા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓની નિમણૂક કરી ચોમાસા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવાની જવાબદારી સોંપાઇ છે. પોરબંદર જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાયઝન અધિકારીઓ નિયુક્ત કરાયા છે. પોરબંદર તાલુકાની જવાબદારી પ્રાંત અધિકારી એસ. એ. જાદવને સોંપવામાં આવી છે, તેવી જ રીતે કુતિયાણા તાલુકાની જવાબદારી પ્રાંત અધિકારી પારસ વાંદાને સોંપવામાં આવી છે, અને રાણાવાવ તાલુકા માટેની જવાબદારી જિલ્લા પુરવઠા અધિકારી હેતલબેન જોશીને સોંપાઇ હોવાનું જણાવવામાં આવ્યું છે. આમ પોરબંદર જિલ્લાના ત્રણેય તાલુકામાં ચોમાસા દરમિયાન કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીઓની નિમણૂક કરાઇ છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે