પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ઘર ઘર સુધી પહોંચી મતદાન જાગૃતિનો પીજીવીસીએલ વિભાગના તંત્રનો સરાહનીય પ્રયાસ છે. પોરબંદર સર્કલ હેઠળ સમાવિષ્ટ બાટવા, કુતિયાણા, રાણાવાવ, બગવદર અને રાણા કંડરોણામાં ૧,૧૦,૬૪૫ જેટલા વીજ ગ્રાહકોને મતદાન જાગૃતિનો સંદેશ અપાયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાનને વધુ વેગ આપી વીજ બિલમાં મતદાન જાગૃતિનો સિક્કો લગાવીને આ અભિયાનને સાર્થક કરવામાં આવી રહ્યું છે.
લોકસભા સામાન્ય ચૂંટણીની અન્વયે નાગરિકોને મતદાન માટે જાગૃત કરવા વિવિધ વિભાગો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. આ કામગીરી સ્વીપ હેઠળ થઈ રહી છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન કરવા માટે મતદારોમાં જાગૃતિ આવે તે માટે પોરબંદર પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીઓ દ્વારા એપ્રિલ મહિનાના ૧,૧૦,૬૪૫ જેટલા વીજ બિલોમાં વીજ બિલ પર ‘મતદાન અવશ્ય કરીશ’ નો સિક્કો લગાવીને મતદાન કરવાં અપીલ કરવામાં આવી છે. ચૂંટણીના મહાપર્વમાં વધુમા વધુ લોકો સહભાગી થાય અને પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે તે માટે પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીઓ દ્વારા પોતાના વીજ ગ્રાહકોને લોકસભાની ચૂંટણી અંતર્ગત વીજ બિલોમાં જેમાં “ચૂનાવ કા પર્વ, દેશ કા ગર્વ ” ૭ મી મે ૨૦૨૪ના રોજ ‘હું અવશ્ય મતદાન કરીશ’નો સિક્કો લગાડીને મતદાન કરવા પ્રત્યે વીજ ગ્રાહકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી ઝૂંબેશ સ્વરૂપે વીજબીલમાં વીજ ગ્રાહકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલ વિભાગના અધિક્ષક ઇજનેર એસ.આર. રાડા દ્વારા મતદાન જાગૃતિનો અનેરો પ્રયાસ હાથ ધરાયો છે. પોરબંદર સર્કલ હેઠળ સમાવિષ્ટ પોરબંદર ગ્રામ્ય કચેરી અને તાલુકામાં ૨૨૨૫૧, માણાવદરમાં ૨૦૫૫૯, કુતિયાણામાં ૨૭૪૪૬, રાણાવાવમાં ૩૩૩૫૪, ભાણવડમાં ૨૪૪૧, માંગરોળમાં ૪૨૪૨, કેશોદમાં ૩૫૨ વીજબિલોમાં મતદાન જાગૃતિ અંગેના સિમ્બોલ લગાવી ઘરઘર સુધી અવશ્ય મતદાન કરવાનો સંદેશ પહોંચાડાયો છે.