ગુજરાત સ્ટેટ રેડક્રોસ દ્વારા તાજેતરમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ચાલતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પ્રવુતિઓને વેગ મળે અને શાળા કક્ષાએ તથા કોલેજ કક્ષાએ પણ વિદ્યાર્થીઓ માનવસેવા માટે સ્વયમ પ્રેરિત બને તે માટે જુનિયર રેડક્રોસ અને યુથ રેડક્રોસ ચલાવવામાં આવે છે જે અનુસંધાને જે વિદ્યાર્થીઓ જુનિયર કે યુથ રેડક્રોસના સભ્ય હોય તેઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુનિયર રેડક્રોસ માટે ‘ રક્તદાન મહાદાન ‘ તથા યુથ રેડક્રોસ માટે ‘ માનવસેવા ‘ વિષય આપવામાં આવેલા હતા જેમાં 50 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
ઉપરોક્ત ચિત્ર સ્પર્ધા માટે પોરબંદર શહેરના ક્લા ક્ષેત્રના અગ્રણી ચિત્રકાર શ્રી દિનેશ પોરિયા તથા તેમની ટીમ દ્વારા નિર્ણાયક તરીકે સેવા આપવામાં આવી હતી અને તેઓ દ્વારા જુનિયર રેડક્રોસ વિભાગમાં પ્રથમ સ્થાને એમ.એમ.કે હાઇસ્કુલ રાણાવાવના અંકિતા એ. ઓડેદરા, દ્વિતીય સ્થાને નવયુગ વિદ્યાલય પોરબંદરના જય એન.ગોહેલ અને તૃતીય સ્થાને નવયુગ વિદ્યાલય પોરબંદરના હિમાંશુ વી.ગોહેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને યુથ રેડક્રોસ વિભાગમાં પ્રથમ સ્થાને એમ. ડી.સાયન્સ કોલેજના સુનીલ બી.કડછા, દ્વિતીય સ્થાને એમ.ડી.સાયન્સ કોલેજના ઈશિકા ડી. જુંગી અને તૃતીય સ્થાને ગુરુકુલ મહિલા કોલેજના પૂજા ડી.જોશીને વિજેતા જાહેર કરવામાં આવેલા હતા. ઉપરોક્ત સ્પર્ધકો તથા વિજેતાઓને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી પોરબંદર દ્વારા ઇનામો પણ જાહેર કરવામાં આવ્યા હતા.
પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણિયા અને સેક્રેટરી અકબર સોરઠીયા દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા અને નિર્ણાયક તરીકે સેવા આપનાર સર્વ કલાકાર મિત્રોનો આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન જુનિયર રેડક્રોસના કોર્ડીનેટર શ્રી ધવલ ખુંટી તથા યુથ રેડક્રોસના પ્રો.ડૉ.નયન ટાંક અને પ્રો.ડૉ.જયેશ મોઢા દ્વારા સમયસર અને સ્ટેટ રેડક્રોસ બ્રાન્ચની સૂચના મુજબ સુપેરે કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધામાં જરૂરી મદદ રેડક્રોસમાં પી.આર.ઑ જગદીશભાઈ થાનકીએ પૂરી પાડી હતી. આ સાથે પ્રથમ ત્રણ વિજેતાઓના ચિત્રોને સ્ટેટ લેવલ પર મોકલવામાં આવશે.