પોરબંદર
પોરબંદર ના બોખીરા તુંબડા માં રહેતા શખ્શે ભાણવડના યુવાન સહિત ચૌદ લોકો સાથે સિંગાપુર હોટેલમાં નોકરી અપાવવાના બહાને સાડા સતર લાખ રૂ ની રકમ પડાવીને અસલ પાસપોર્ટ પણ સાથે લઇ નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભાણવડ ગામે રણજીતપરામાં શિવનગરમાં રહેતા અને મોબાઈલ રીપેરીંગનો ધંધો કરતા ભરત નાગાભાઈ પીપરોતર નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તે ભાણવડ ના સુભાષ ચોક માં આવેલ દિલીપ મોબાઈલ નામની દુકાને બેસીને મોબાઇલ રીપેરીંગનું કામ કરે છે.અને થોડા મહિનાઓ પહેલા ઓમ ઝેરોક્ષ એન્ડ ટ્રાવેલ્સ સર્વિસ નામના વોટસએપ ગૃપમાં કેયુરભાઈ જોશીએ એક મેસેજ શેર કર્યો હતો.જેમાં સિંગાપુરમાં હોટેલ માટે રીક્રુમેન્ટ હોવાનું જણાવાયું હતું.તેથી જાહેરાતમાં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર ફોન કરતા એ વ્યક્તિએ એવું જણાવ્યું હતું કે પોરબંદર ના કમલાબાગ પાસે આવેલ ઓમ એકેડેમી અને ઝેરોક્ષ નામની અમારી ઓફિસે આવજો.
આથી આ ભરત ઉપરાંત ભાણવડના અન્ય યુવાનો તેજસ તુલસીદાસ વેગડ તથા ભરત મેહુલભાઈ મેથાણીયા વગેરે ત્રણે જણા ઓમ એકેડમીની ઓફિસે ગયા હતા.તે વખતે બે વ્યકિતઓ હાજર હતા. તેમાં એક કેયુર ભાનુપ્રતાપ જોશી અને બીજો દેવ પરમાર હતો.કેયુરે દેવને એવું જણાવ્યું હતું કે ” આ મારા ઓળખીતા છે અને જેને સિંગાપુર મોકલવાનું ફાઈનલ છે ને? તેમ કહેતા દેવ પરમારે ‘ ૧૦૦ ટકા ફાઈનલ છે’ તેમ જણાવ્યું હતું. તા. ૩૦/૯/૨૧ના સિંગાપુર જવાનું ફાઈનલ છે.તેમ જણાવીને દેવ પરમારે આ ત્રણે યુવાનોના પાસપોર્ટ લઇ લીધા હતા.અને જોબ લેટર આવે ત્યારે દરેકે એક લાખ ત્રીસ હજાર જમા કરાવવા જોશે તેમ જણાવ્યું હતું.
ત્યારબાદ તા. ૧૨/૮ના દેવ પરમારે સિંગાપુરની હોટેલ પૈઈન પેસેફિકના નામ વાળો અંગ્રેજી ભાષામાં લખાયેલો જોબ લેટર મોકલ્યો હતો.તેથી તા. ૨૬/૯ ના ભરતે યશ મકવાણાને ફોન કર્યો હતો,આથી યશે દેવ સાથે વાત કરી તેને પૈસા આપવા જણાવ્યું હતું.તેથી દેવ ને સુદામા મંદિરના ગેટ પાસે ૭૫,૦૦૦ હજાર રૂપિયા આપ્યા હતા અને બાકીના ૬૫,૦૦૦ હજાર વિઝા અને ટીકીટ આવે ત્યારે આપવાનું નકકી થયું હતું. તેથી બંધન બેંકના એકાઉન્ટનો બ્લેન્ક ચેક આપ્યો હતો.
ત્યારબાદ તા. ૨૭/૯ના દેવને ફોન કર્યો પણ ઉપાડયો ન હતો.આથી તા. ૩૦/૯ના બોખીરાના તુંબડામાં તેના ઘરે ગયો હતો. ત્યારે તેના મમ્મીએ દેવ દિલ્લી ગયો હોવાનું જણાવ્યું હતું. અને ૧૮/૧૦ના પોરબંદરમાં તેમની ઓફિસનું ઓપનીંગ
ત્યારે આવશે તેમ ઉમેર્યું હતું.ત્યાર બાદ આ ભરત કેયુર જોશીની ઓમ એકેડેમી અને ઝેરોક્ષ નામની દુકાને ગયો હતો અને હકીકત જણાવી હતી.આથી ત્યાં અન્ય લોકો પણ હાજર હતા.અને તેઓએ પણ સિંગાપુર જવા માટે અસલ પાસપોર્ટ અને રોકડ આપ્યાનું જણાવ્યું હતુ.અને રૂપિયા અને અસલ પાસપોર્ટ લઇને દેવશી ઉર્ફે દેવ કનૈયાલાલ પરમાર ગામ છોડીને જતો રહ્યો હોવાનું જણાતા આ તમામ છેતરપીંડીનો ભોગ બનેલા ચૌદ લોકોએ કીર્તિમંદિર પોલીસ સ્ટેશને આવીને અરજી કરી હતી.
ત્યાર બાદ અરજી ની તપાસ ના અંતે ભાણવડના ભરત પીપરોતર ઉપરાંત તેજસ વેગડ, ભરત મેથાણીયા, પોરબંદર છાયા એસ.બી.એસ. કોલોનીના રોહન રાજેશ દાઉદીયા, કડિયા પ્લોટના રમેશ ડાયાલાલ સોલંકી, નરસંગ ટેકરીના કૌશિક દેવશી સાદીચા, આકાશ લાખા શીંગરખીયા, ભાણવડના જયેશ પરબત કારાવદરા, આદિત્યાણાના રમેશ કેશુ પરમાર, ભરત લીલા ઓડેદર, ઓડદર વિજય અરભમ ઓડેદરા, છાયાના રાણા પ્રતાપ મોઢવાડીયા, રોકડીયા હનુમાન પાસે રહેતા વિજય મનસુખલાલ જોશી, આદિત્યાણાના અરજણ વીસા ઓડેદરા, રમેશ અરજન સુંડાવદરા વગેરે તમામના એડવાન્સ ફી પેટે એક લાખ ત્રીસ હજાર રૂપિયા અને ભરતના પંચોતેર હજાર સહિત કુલ સતર લાખ પાંસઠ હજારની છેતરપીંડી કરી ગામ છોડી કયાંક ચાલ્યો ગયો હોવા અંગે પોલીસે છેતરપીંડીનો ગુન્હો નોંધ્યો છે.
ચાલીસ થી વધુ યુવાનો ભોગ બન્યા ની ચર્ચા
આ છેતરપિંડી અંગે ના બનાવ માં ચાલીસ થી વધુ લોકો છેતરાયા હોવાની સમગ્ર પંથક માં ચર્ચા ચાલી રહી છે અને અડધા કરોડ થી વધુ રકમ ની છેતરપિંડી થઇ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
પોલીસ ની ઢીલી નીતિ
છેતરપિંડી નો ભોગ બનેલા આ યુવાનો એ અગાઉ પોલીસ નો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી ત્યારે પોલીસે આ મામલે ઊંડી તપાસ કરવાના બદલે માત્ર ફરિયાદ અરજી લઇ સંતોષ માની લીધો હતો.ત્યાર બાદ અત્યાર સુધી માં વીસ થી વધુ ધક્કા ખાધા બાદ અને લાંબી લડત બાદ અંતે પોલીસે ફરિયાદ નોંધી છે.જો તે વખતે જ ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી હોત તો અન્ય યુવાનો છેતરપિંડી થી બચી જાત તેવું પણ ભોગ બનેલા યુવાનો જણાવી રહ્યા છે.
દેવ જ નહી અન્ય કેટલાક ની પણ સંડોવણી
અડધા કરોડ થી વધુ ના આ કૌભાંડ માં માત્ર દેવ જ નહી તેની પાછળ અન્ય કેટલાક શખ્સો નો પણ દોરીસંચાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે આથી આ મામલા ની તપાસ કિર્તીમંદિર પોલીસ ના બદલે એસઓજી કે એલસીબી ને સોપવામાં આવે તો હજુ પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવું મનાઈ રહ્યું છે.