ભારવાડા ગામની પરિણીતા પર ગામના જ શખ્સે દ્વારકા ખાતે લઇ જઈ મારી નાખવાની ધમકી આપી બે વખત દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભારવાડા ગામે રહેતી ૨૨ વર્ષીય પરિણીતા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે પિતાના ઘરે હતી. ત્યારે તા.૨૨/૩ ના રાત્રે ૧૨:૩૦ વાગ્યે ગામ માં જ રહેતો રાજુ કોડીયાતર નામનો શખ્શ ફ્રેન્ડશીપ કેળવીને મળવાના બહાના હેઠળ આવ્યો હતો. અને ઘરની બહાર બોલાવી હતી ત્યારબાદ ફોરવ્હીલમાં બેસાડીને સાથે આવવાનું કહ્યું હતું. આથી પરિણીતાએ સાથે જવાની ના પાડતા રાજુ એ “જો તું મારી સાથે નહીં આવે તો હું તને મારી નાખીશ અને હું પોતે પણ આત્મહત્યા કરી લઈશ” તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ રાજુ તેને કારમાં ગામ માં જ આવેલ મકાન ના રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં બળજબરીથી શારીરિક અડપલા કરીને કપડા ઉતારવાની કોશિશ કરી હતી.ત્યારબાદ તા.૨૩ ના તેને દ્વારકા લઇ ગયો હતો અને ભાડાના રૂમમાં તા.૨૪/૩ અને ૨૫/૩ ના એમ બે વખત રાત્રિના સમયે મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો અને વધુ એક વખત મારી નાખવાની તથા આપઘાત કરી લેવાની ધમકી આપી હતી.પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.