પોરબંદર
પોરબંદર માં ભાજપ ના વોર્ડ નં ૧૦ ના મંત્રી અને સક્રિય કાર્યકર નું ભાજપ ના જ સુધરાઈ સભ્ય સહીત પાંચ શખ્સો અપહરણ કરી પાંડાવદર નજીક ફાર્મ હાઉસ ખાતે લઇ ગયા હતા.જ્યાં સુધરાઈ સભ્ય ઉપરાંત તેના પિતા કે જેઓ અગાઉ છાયા પાલિકા પ્રમુખ હતા.તે સહીત છ શખ્સો એ ઢોર માર માર્યો હતો.પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસે તેને મુક્ત કરી સારવાર માટે હોસ્પીટલે ખસેડ્યો હતો અને છ શખ્શો સામે ગુન્હો નોંધી પાંચ આરોપીઓ ની ધરપકડ પણ કરી છે.
પોરબંદર ના છાયા વિસ્તાર માં રહેતા અને ભાજપ ના વોર્ડ નં ૧૦ ના મંત્રી તરીકે કામગીરી કરતા ભરત ઉર્ફે આશિષ ઉદાભાઈ વાઘ (ઉવ ૩૦)નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેણે ગત તા ૧૨ ના રોજ તેના વિસ્તાર માં સફાઈ કરતી સફાઈ કામદાર બહેનો ને તેના મકાન ની બાજુ માંથી કચરો ઉપાડી લેવાનું કહ્યું હતું.જે અંગે બહેનો એ તે વિસ્તાર ના ભાજપ ના સુધરાઈ સભ્ય લાખાભાઈ ભોજાભાઈ ખુંટી ની ઓફિસે જઈ ને વાત કરી હતી આથી લાખાભાઈ એ તે દિવસે આશિષ ને ફોન કરી ને ઓફિસે બોલાવ્યો હતો.પરંતુ આશિષ કામ માં રોકાયો હોવાથી તેની ઓફિસે ગયો ન હતો.
જેનું મનદુઃખ રાખી તા ૧૫ ના રોજ બપોરે આશિષ તેના સબંધી બીમાર હોવાથી તેના માટે ટીફીન લેવા બાઈક પર ઘરે જઈ રહ્યો હતો.ત્યારે પાછળ થી કાર માં આવેલ લાખા ભોજા ખુંટી એ તેના બાઈક ને ઠોકર મારતા તે નીચે પડી ગયો હતો.ત્યાર બાદ કાર માં થી ઉતરેલા લાખા ઉપરાંત મનીષ ભીમા કડછા,દેવા પરબત કુછડીયા,વિશાલ રણમલ ઓડેદરા,રવી રાજશી ઓડેદરા વગેરે એ તેને ગાળો કાઢી માર માર્યો હતો.અને તલવાર બતાવી કાર માં અપહરણ કરી લાખા ભોજા ના પાંડાવદર ગામ ખાતે ના ફાર્મ હાઉસે લઇ ગયા હતા.જ્યાં તેને ગોંધી રાખી આ પાંચ શખ્સો ઉપરાંત ત્યાં રહેલા છાયા પાલિકા પૂર્વ પ્રમુખ ભોજાભાઈ ખુંટી વગેરે એ થપ્પડ,લાતો અને ધોકા થી માર માર્યો હતો.અપહરણ અંગે પોલીસ ને જાણ થતા પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી.
કમલાબાગ પોલીસ મથક ના ઇન્ચાર્જ પી આઈ એચ.બી.ધાંધલ્યા અને સર્વેલન્સ સ્ટાફની ટીમે આશિષ ને ત્યાંથી મુક્ત કરાવ્યો હતો.અને સારવાર માટે હોસ્પીટલે ખસેડ્યો હતો.ત્યાર બાદ આરોપીઓ પોલીસની ગાડી જોઇને સ્થળ પરથી ભાગતા પોલીસે બે થી ત્રણ કિલોમીટર સુધી દોડીને પીછો કરી પાંચ આરોપીઓ સુધરાઈ સભ્ય લાખા ભોજાભાઈ ખુંટી, વિશાલ રણમલભાઈ ઓડેદરા,મનિષ ભીમાભાઈ કડછા, દેવા પરબતભાઈ કુછડીયા તથા એક સગીર ને ઝડપી લીધા હતા અને ગુન્હામાં ઉપયોગ થયેલ વાહન તથા હથીયારો કબ્જે કર્યા હતા.
જુઓ આ વિડીયો