પોરબંદરમાં એક મહિલા સાથે તેના જમાઇએ છેતરપીંડી કરીને તેને ચલાવવા આપેલી કારના બોગસ દસ્તાવેજ બનાવી અન્ય વ્યક્તિ ને આપી દીધા બાદ જમાઇ ગુમ થઇ જતા મહિલા એ જમાઈ તથા કાર ના કબજેદાર સામે સાત માસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે જમાઈ ની ધરપકડ કરી છે.
પોરબંદરના જ્યુબેલી મહારાજબાગ રોડ ઉપર રહેતા જ્યોતિબેન મહેશકુમાર રાયકુંડલીયા નામના મહિલાએ સાત માસ પહેલા ઉદ્યોગનગર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેની નાની પુત્રી ભૂમિકાએ ઇ.સ.૨૦૧૮ની સાલમાં ઝુરીબાગ વિસ્તારમાં રહેતા અમર અનિલભાઈ બારચ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. અને એ સમયે તે બિરલા ફેકટરીમાં કામ ઉપર જતો હતો. અને લગ્નબાદ તેણે નોકરી મૂકી દેતા બેકાર ફરતો હતો. આથી જ્યોતિબેને જમાઇ અમરને કોઇ કામધંધો ગોઠવી આપવા ૨૦૧૯ માં પોણા છ લાખ ની કીમત ની કાર લઇ આપી હતી.
જેમાં જેમાં સવા લાખ રોકડા અને બાકીના સાડાચાર લાખની લોન લીધી હતી. ત્યારબાદ અમરે કાર વરધીમાં ચલાવી છ હપ્તા ભર્યા હતા ગત તા.૧૭-૯-૨૦૨૧ના અમર ભૂમિકાને મૂકી કાર લઇ ગુમ થઇ જતા પોલીસ ને જાણ કરી હતી. પરંતુ તેની ભાળ મળી ન હતી. ત્યાર બાદ સાતેક માસ પૂર્વે જ્યોતિબેન ને એવું જાણવા મળ્યું હતું કે તેની કાર જુની કોર્ટ કમ્પાઉન્ડમાં રહેતા ગંભીરસિંહ જેઠવા પાસે છે. આથી તેની પાસેથી ગાડી પરત મેળવવા માટે અરજી કરી હતી. પરંતુ ગંભીરસિંહે તા. ૧૦-૮- ૨૧નું સ્ટેમ્પ પેપરમાં ફોરવ્હીલ ખરીદવેચાણનું લખાણ રજુ કર્યું હતું. જેના ટી ટી.ઓ.ફોર્મ અને વેચાણ કરારમાં જ્યોતિબેન ની ખોટી સહી કરી હતી. આથી જમાઈ અમર ઉપરાંત ગંભીરસિંહ જેઠવા સામે કાર નો ખોટો દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી જ્યોતિબેન સાથે ૫,૭૫,૦૦૦ની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ત્યાર બાદ જમાઈ અમર સાત માસ થી નાસતો ફરતો હતો હતો એલસીબી ને બાતમી મળી હતી કે અમર ચૌટા નજીક આવ્યો છે. આથી પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી લીધો છે. અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. હાલ તે રાજકોટના હીરાસર એરપોર્ટ નજીક ઝૂંપડામાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.