રાણાવાવ ગામે પોલીસ સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતરના એરિયામાં એક જ રાત્રિમાં ત્રણ-ત્રણ મકાનોના તાળા તોડીને ચોરીના બનાવ બન્યા છે જેમાં ૧,૩૧,૫૦૦ ની મત્તાની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મુળ ધોરાજીના મોટી વાવડી ગામના તથા છેલ્લા છ વર્ષથી રાણાવાવ ખાતે રહેતા દિવ્યેશ કિશોરભાઈ કોરડીયા (ઉવ ૨૮)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ રાણાવાવના સ્ટેશન પ્લોટ ખાતે તે બજરંગ બેટરી નામની દુકાન ચલાવીને બેટરીનું વેચાણ કરીને વેપાર ધંધો ચલાવે છે. તા.૧૦/૩ ના સવારે ૭:૩૦ વાગ્યે દિવ્યેશ તથા તેની પત્ની બંસી બંને જણા તેમના વતન મોટી વાવડી ગામે ગયા હતા.ઘરે દરવાજાને તાળા મારીને ગયા હતા અને ઘરે પરત ફર્યા ત્યારે તપાસ કરતા દરવાજાનો અંડરગ્રાઉન્ડ લોક તથા આગડિયાનો નકુચો તુટેલા નજરે ચડ્યા હતા અને ઘરનો દરવાજો ખુલ્લો હતો ઘરમાં જઈને ઉપરના રૂમમાં જોતા માલ સામાન વેરવિખેર પડ્યો હતો અને કબાટના તમામ દરવાજાના લોક તોડી નાખવામાં આવ્યા હતા.
કબાટના ખાનામાં તપાસ કરતા એક લાખ રૂપિયાની રોકડ રાખેલી હતી. તે ચોરાઈ ગઈ હતી તે ઉપરાંત દસ હજાર રૂપિયાની કિંમતના ચાંદીના બે કડા અને ચાંદીના બે બ્રેસલેટની પણ ચોરી થઈ હતી. તે ઉપરાંત ૧૦૦૦ રૂપિયાની કિંમતની બે ઘડીયાળ પણ ચોરાઈ ગઈ હતી. આથી દિવ્યેશભાઈ એ પડોશમાં તપાસ કરતા આડોશ પાડોશના માણસો ભેગા થઈ ગયા હતા.જેમાં પાડોશમાં રહેતા મિલનભાઈ વિનોદભાઈ પુરોહિત પણ ત્યાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, તેમના ઘરમાં પણ ચોરી થઈ છે.જેમાં ચાંદીના બે સદરા, ચાંદીની બુટ્ટીની એક જોડી, ચાંદીની ગાય, તુલસી ક્યારો, બળદ ગાડું તથા રોકડ રૂ.૪૦૦૦ મળી અંદાજે રૂ.૯૦૦૦ નો મુદ્દામાલ મિલનભાઈ પુરોહિતના ઘરમાંથી પણ ચોરાયો છે.એ દરમિયાન તેમના જ પડોશમાં રહેતા અન્ય પડોશી જશુબેન ભોગેસરા પણ ત્યાં આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, તેમના ઘરના તાળા પણ તુટેલા હતા. જેમાંથી રૂ.૧૧.૦૦૦ ની રોકડ,૧૫૦૦ની કિંમતનો મોબાઇલ ફોન સહિત ૧૨૫૦૦ નો મુદ્દામાલ ચોરાયો છે.
આથી ત્રણે પાડોશીઓએ તેમના ઘરમાં જે પ્રકારની સ્થિતિ હતી. તે પ્રમાણે રહેવા દઈને પોલીસ મથક ખાતે આવ્યા હતા અને ત્રણેય પાડોશીઓના મકાનમાંથી તાળા તોડીને કુલ અંદાજે ૧,૧૫,૦૦૦ ની રોકડ ૧૪૦૦૦ ના ચાંદીના દાગીના ૧૫૦૦ નો એક મોબાઈલ અને ૧૦૦૦ ની કાંડા ઘડિયાળ સહિત ૧,૩૧,૫૦૦ મુદ્દામાલ ચોરાયો હોવાનો ગુનો દાખલ કરતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.