પોરબંદર માં ૩ વ્યાજખોરો એ ૩૦ ટકા વ્યાજ વસુલ્યા બાદ પણ ધાકધમકી આપી પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના રામટેકરી વિસ્તારમાં સન્યાસી આશ્રમ પાસે રહેતા મેહુલ શશીકાંતભાઈ ગોરખીયા(ઉવ ૪૪)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ માણેકચોકમાં તેની કલશ કિચનવેર નામની દુકાન આવેલી છે.જ્યાં કુકર,મિક્સચર રીપેરીંગ અને નવા વાસણ વેચવાનો ધંધો કરે છે. એક વર્ષ પહેલા તેની દુકાન બરાબર ચાલતી નહી હોવાથી આર્થિક પરિસ્થિતિ નબળી થઇ જતા રૂપિયાની જરૂરીયાત ઉભી થઇ હતી. તેથી લીમડાચોક સામે રામેશ્વર સોડા નામની લારી ધરાવતા હિતેષ વિનોદરાય જોગિયા કે જેને પોતે પાંચ વર્ષથી ઓળખે છે અને સારી એવી મિત્રતા હોવાથી પોતાને એક લાખ રૂપિયાની જરૂર છે. તેમ જણાવ્યું હતું.
હિતેષે એવું જણાવ્યું કે ભાવેશ ભનાભાઈ બાપોદરા વ્યાજે પૈસા આપે છે. અને તેની પાસેથી પૈસાની વ્યવસ્થા થઇ જશે આથી ભાવેશને સોડાની રેકડીએ બોલાવતા એક લાખ રૂપિયા માસિક ૩૦% વ્યાજે એટલે કે દરરોજ ૧૦૦૦ રૂપિયા વ્યાજ ચુકવવાનું નક્કી થયું હતું.આથી એ એક લાખ રૂપિયા ભાવેશ પાસેથી લીધા બાદ પાંચ-છ મહિનામાં પૈસાની સગવડ થઇ જતા એક લાખ રૂપિયાના વ્યાજ સહિત ચાર લાખ રૂપિયા ચુકવીને હિસાબ ફાઈનલ કરાવ્યો હતો.
નવેમ્બર-૨૦૨૩ માં દિવાળી પહેલા ફરીયાદીને ફરી પૈસાની જરૂરીયાત ઉભી થતા રામેશ્વર સોડાવાળા હિતેષભાઈને વચ્ચે રાખીને ૫૦.૦૦૦ રૂપિયા લીધા હતા અને તેનું દરરોજનું ૫૦૦ રૂપિયા વ્યાજ નક્કી કર્યું હતું.દોઢ મહિના દરમિયાન દરરોજના ૫૦૦ લેખે સાડા બાવીસ હજાર રૂપિયા ચુકવાયા હતા.અને વધુ ૩૦.૦૦૦ રૂપિયાની જરૂર પડતા હિતેષને વાત કરી હતી.હિતેષે એવું જણાવ્યું હતું કે,ભાવેશ પાસેથી પૈસા લીધા છે તેથી તે વધુ રકમ આપશે નહી,પણ તેનો મોટોભાઈ વિજય બાપોદરાને હું વાત કરીને પૈસા લેવડાવી દઈશ.તેમ કહીને તા.૧૮.૧૧.૨૦૨૩ ના હિતેષ જોગિયાએ ૩૦.૦૦૦ જેટલી રકમ દરરોજ ૩૦૦ રૂપિયા એટલે કે માસિક ૩૦% વ્યાજે આપવાનું કહીને બે મહિનામાં ૩૦.૦૦૦ રૂપિયાનું વિજયને ૧૫.૦૦૦ રૂપિયા વ્યાજ ચુકવ્યું હતુ.ત્યારબાદ ડીસેમ્બર-૨૦૨૩ માં ભાવેશે ફરીયાદીને તેની ઓફિસે બોલાવ્યો હતો.જેથી ફરીયાદી મેહુલ તેના નાના ભાઈ સંદીપ સાથે હિતેષ જોગીયાને લઈને ભાવેશની ઓફિસે ગયા હતા.ભાવેશે વ્યાજે આપેલ પચાસ હજાર રૂપિયાની મુળ મુદલ રકમ અને વ્યાજ તાત્કાલિક ચુકવવા જણાવ્યું હતું.પરંતુ ફરીયાદી પાસે પૈસા નહી હોવાથી બે દિવસમાં રકમ ચુકવવા જણાવાયું હતું.આથી એ સમયે બે કોરા ચેક આપવાનું કહેતા સંદીપે માણેકચોકની એસ.બી.આઈ.બેંકના બે કોરા ચેક ભાવેશને આપવા હિતેષ જોગીયાને આપ્યા હતા.
બે દિવસ પછી ફરીયાદી ભાવેશની ઓફિસે ગયો ત્યારે ભાવેશ બહારગામ હોવાથી તેના ભાઈ વિજયને ૫૦.૦૦૦ મુદલ અને ૩૦.૦૦૦ વ્યાજ સહિત ૮૦.૦૦૦ રોકડા આપી દીધા હતા.અને કોરા ચેક પરત માંગતા બે દિવસમાં આપી દેશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ મેહુલ ફરીથી ભાવેશની ઓફિસે ચેક લેવા ગયો ત્યારે ભાવેશે એવું જણાવ્યું કે,તમારે હજી મને ૮૦.૦૦૦ આપવાના છે.એ આપો પછી ચેક આપીશ.આથી ફરીયાદીએ તેને કહ્યું કે,મુદલ અને વ્યાજ ચુકવાઈ ગયા છે.આથી ભાવેશ ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યો હતો અને “તમારા ચેકમાં હું મોટી રકમ ભરીને ખાતામાં જમા કરાવીશ.”જો તું આજે મને ૮૦.૦૦૦ નહી આપે તો હું તને જીવતો નહી રહેવા દઉ હું માથાભારે માણસ છુ તું મને ઓળખતો નથી”તેમ કહેતા ફરીયાદી બીકના લીધે પોતાના ઘરે ચાલ્યો ગયો હતો.
ત્યારબાદ હિતેષ,ભાવેશ અને વિજય અવારનવાર દુકાને અને ફોન ઉપર ગાળો દેતા હતા.આથી ફરીયાદીએ ગુગલ-પે માંથી તા.૨૭/૧૨ થી તા.૧૦/૧ સુધીમાં ૬૦.૦૦૦ રૂપિયા હિતેષને ગુગલ-પે માં ચૂકવ્યા હતા.તથા વિજય બાપોદરાને તા.૯ અને ૧૦/૧ ના ૭૫.૦૦૦ રૂપિયા ચુકવ્યા હતા.તેમ છતાં ધમકી અપાતી હતી.૫૦.૦૦૦ રૂપિયાના એક લાખ સતર હજાર પાંચસો અને ૩૦.૦૦૦ રૂપિયાના ૧ લાખ ૩૫ હજાર ચુકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી આ ત્રણે શખ્સો સામે અંતે નાણા ધીરધાર અધિનિયમની કલમ મુજબ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.