પોરબંદરની ફિશિંગ બોટને દ્વારકા નજીકના દરિયામાં અજાણી શીપે ઠોકર મારી દેતા બોટ ડુબી ગઈ હતી જો કે બોટ માં સવાર તમામ છ ખલાસીઓનો બચાવ થયો છે.બોટ ડૂબી જતા ૫૨ લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
મધદરિયે હીટ એન્ડ રન ની ઘટના બની છે જેમાં એક બોટ ને ઠોકર મારી મહાકાય શીપ દરિયામાં નાસી ગઈ હતી જે અંગે કોડીનારના કોટડા ગામે રહેતા હર્ષદ રાજાભાઈ ચાવડા (ઉવ ૨૪)એ પોલીસ ફરીયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે,તેઓ પોરબંદરના કેતનભાઈની ગજરાજ નામની ફિશિંગ બોટમાં ટંડેલ તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.તા.૧૪/૨ ના પોરબંદરના સુભાષનગરની ગોદીમાંથી તેઓ ગજરાજ બોટમાં માચ્છીમારી કરવા માટે સવારે સાતેક વાગ્યે નીકળ્યા હતા.અને ફરીયાદી હર્ષદ ચાવડા સાથે ખલાસી તરીકે ભરત રાજા ચાવડા,કમલેશ વિરજી વંશ,અજય ધનજી ચાવડા,કુલદીપ કમલેશ બારીયા અને રોહિત સામજી એમ છ વ્યક્તિઓ બોટ લઈને પોરબંદરથી દ્વારકા તરફ માચ્છીમારી માટે નીકળ્યા હતા.
તેમની ફિશિંગ બોટ દ્વારકાથી ૩૫ કિમી દુર હતી ત્યારે બોટના મશીનમાં ખામી સર્જાતા બોટમાં લંગર નાખી મશીનરૂમમાં મશીનનું સમારકામ કરતા હતા. રાત્રે ૧૧ વાગ્યે અચાનક જ એક વિશાળકદની બ્લુ રંગની કન્ટેનર ભરેલી શિપ ગજરાજ બોટને સાઈડમાં ઠોકર મારીને જતી રહી હતી.રાત્રીનો સમય હોવાથી અંધારામાં શિપનું નામ કે નંબર જોઈ શકયા ન હતા.બોટને સાઈડમાં ઠોકર લાગવાથી જમણી સાઈડ તુટી ગઈ હતી અને બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું. અચાનક ઠોકર લાગતા બે ખલાસીઓ કમલેશ વિરજી અને અજય ધનજી દરિયાના પાણીમાં ડૂબવા લાગ્યા હતા આથી ટંડેલ હર્ષદ અને અન્ય ખલાસીઓએ ડુબી રહેલા બન્ને ખલાસીઓને પાણીમાંથી બહાર કાઢીને બોટમાં ચડાવી દીધા હતા.અંધારામાં અફડાતફડી મચતા યુવા ટંડેલ હર્ષદ ચાવડાએ સમયસુચકતા વાપરીને વાયરલેશ મારફતે આજુબાજુમાં માચ્છીમારી કરતી અન્ય બોટોના ખલાસીઓને જાણ કરતા તેઓ તાત્કાલિક ત્યાં પહોચી ગયા હતા.
બોટમાં રહેલ લંગર અને માછલા પકડવાની ત્રણ જાર(ઓજા) જીજ્ઞેશભાઈની બોટમાં નાખી દીધા હતા અને તમામ રાશનપાણી સહિત તમામ સરસામાન દરિયામાં ડુબી ગયો હતો.આમ છતાં બોટને ડુબતી બચાવવા બીજી બે-ત્રણ બોટ સાથે ડૂબતી બોટને બાંધી દીધી હતી.અને પોરબંદર તરફ આવતા હતા ત્યારે રાત્રે ત્રણેક વાગ્યાના સુમારે ગજરાજ બોટનો છેડો છુટી જતા તેને દરિયામાં જળસમાધિ લઇ લીધી હતી.આથી તમામ છ ખલાસીઓ દીપકભાઈની મહાશક્તિ માલણઆઈ બોટમાં પોરબંદર આવી પહોચ્યા હતા અને બોટ માલિકને જાણ કરી હતી.ત્યારબાદ નવીબંદર મરીન પોલીસ ખાતે જઈને અજાણ્યા કન્ટેનર શીપના કેપ્ટન સામે બેફિકરાઈથી શિપ ચલાવીને અને ૫૨ લાખ રૂપિયાનું નુકશાન કરી મધદરિયે અકસ્માત સર્જ્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.