Thursday, February 6, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના શખ્સે યુકે માં કામ અપાવવાના બહાને ૩ લોકો સાથે કરી ૨૮ લાખ ની છેતરપિંડી:જાણો સમગ્ર વિગત

પોરબંદરના એક શખ્સે ભાણવડ પંથકના યુવાન સહિત ૩ લોકો ને કામધંધા માટે યુ.કે.મોકલવાની લાલચ આપી ૨૮ લાખ ૬૦ હજારની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ભાણવડના જશાપર ગામ નજીક વાડી વિસ્તારમાં રહેતા કરણ પરબત ખુંટી(ઉવ ૨૨)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ દોઢ વર્ષ પહેલા તેના જંબુસર ગામે રહેતા મિત્ર વિમલ હાજાભાઈ ઓડેદરા સાથે વાતચીત થઇ હતી કે,કરણને કામધંધા માટે વિદેશ જવું છે.આથી વિમલે એવું જણાવ્યું હતું કે,પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાસે આવેલી આવળ ડેરી પાછળ રહેતો તેનો મિત્ર રાજશી જીવા મોઢવાડિયા લોકોને કામધંધા માટે વિદેશ મોકલે છે.આથી સાત મહિના પહેલા વિમલે ફરીયાદી કરણની મુલાકાત રાજશી સાથે પોરબંદરમાં કરાવી ત્યારે યુ.કે.જવાની વાતચીત થતા ૨૨ લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું.આથી કરણે તેને હા પાડી હતી અને રાજશીને સાડા છ મહિના પહેલા જંબુસરના સરપંચ હાજાભાઈ રણમલભાઈ ઓડેદરાની હાજરીમાં ૧૦ લાખ રૂપિયા આપ્યા હતા.

ત્યારબાદ રાજશીએ કરણને ફોન કરીને એવું કહ્યું હતું કે,હાજાને વચ્ચેથી કાઢી નાખ તેને તારા રૂપિયા ખાઈ જવા છે.હું તને ૧૭ લાખમાં યુ.કે.મોકલી આપીશ.તું તારું પી.સી.સી.કમ્પ્લીટ કરાવી નાખજે. કરણે પોતાનું પી.સી.સી.કરાવી નાખ્યા બાદ છ મહિના પહેલા રાજશીએ ફોન કર્યો કે,તારે એક લાખ ચાલીસ હજાર રૂપિયા આપવાના છે.તેથી ફરીયાદીએ પોરબંદર આવીને તેને રકમ આપી હતી.ત્યારબાદ ૧૦ દિવસ પછી રાજશીએ ફોન કર્યો કે,અમદાવાદ વી.એફ.એસ.માં તારી ફાઈલ મુકવાની છે.હું ત્યાં સાથે આવીશ.તેથી કરણ અને રાજશી બન્ને વી.એફ.એસ.ઓફીસ બહાર મળ્યા ત્યારે સહીઓ કરાવીને ૧૦.૦૦૦ રૂપિયા રોકડા અને પાસપોર્ટ માંગતા આપી દીધા હતા.

ચારેક દિવસ પછી રાજશીએ ફોન કરીને કરણને કહ્યું હતું કે,એચ.ડી.એફ.સી.બેંકમાં ૨૦.૦૦૦ રૂપિયા ભરી ખાતું ખોલાવવું પડશે તેથી કરણ ફરી પોરબંદર આવ્યો હતો અને કાગળમાં સહી કરી રાજશીને ૨૦.૦૦૦ રોકડા આપી ચાલ્યો ગયો હતો.બે મહિના પહેલા ફરી રાજશીનો ફોન આવ્યો કે વિઝા કમ્પ્લીટ થઇ ગયા છે.સાડા ત્રણ લાખ રૂપિયા આપવાના છે.તેથી કરણે તેના બનેવી પ્રતાપભાઈ સરમણભાઈ દિવરાણીયા પાસેથી પૈસાની વ્યવસ્થા કરીને બે લાખ રોકડા અને દોઢ લાખ અજય ગોઢાણીયાના ખાતામાં આપ્યા હતા.ત્યારબાદ ૨૧.૧૨.૨૦૨૩ ના રાજશીએ ફરીયાદીને ફોન કર્યો હતો કે,બધું જ કમ્પ્લીટ થઇ ગયું છે.ટીકીટના ૮૦.૦૦૦ રૂપિયા આપવાના છે.તેથી ફરીયાદી પાસે પૈસા નહી હોવાથી તેના સબંધી મેરૂભાઈ દાસા પાસેથી રકમની વ્યવસ્થા કરી આંગડીયુ કરી આપ્યું હતું.તા.૨૫.૧૨ ના રાજશીએ ફોન કરી કરણને જણાવ્યું કે,તારી ફ્લાઈટની ટીકીટ તા.૮.૧.૨૦૨૪ ની મુંબઈથી બુક થઇ ગઈ છે અને આપડે તા.૬.૧.૨૦૨૪ ના નીકળવું પડશે.જેમાં તારે મને ૮૦.૦૦૦ રૂપિયા આપવાના રહેશે.૫૦.૦૦૦ રૂપિયા પાઉડના તથા ૩૦.૦૦૦ આ તમામ વ્યવસ્થા કરી આપવાની ફી આપવાની રહેશે.આથી ફરીયાદીએ ગુગલ-પે દ્વારા ૮૦.૦૦૦ ચુકવી આપ્યા હતા.

તા.૬.૧.૨૦૨૪ ના કરણને રાજશીએ પોરબંદર આવવાનું કહ્યું હતું.પરંતુ કરણે તેને સીધો જ રાજકોટ પહોચી જશે તેમ જણાવ્યું હતું.આથી કરણ રાજકોટ ગયો ત્યારે રાજશીએ તેને એક કારમાં બેસાડ્યો હતો અને કહ્યું હતું કે આપણે મુંબઈ જવાનું છે.હું પાછળ બીજી કારમાં આવું છુ.તું આ લોકો સાથે બેસી જા.તેથી કરણ કારમાં બેસી ગયો હતો.અને તેમાં ડ્રાઈવર તથા બે અજાણી વ્યક્તિઓ હતી.તેઓની સાથે વાતચિત થતા અન્ય બે વ્યક્તિઓ પૈકી એક રતનપર ગામના ભરત ભુરાભાઈ ઓડેદરા જ્યારે બીજો આદિત્યાણાનો નિલેષ કિશોર ખુંટી હોવાનું જણાવ્યું હતું.નિલેશે યુ.કે.જવા માટે ૧૫ લાખમાં નક્કી કર્યું હતું અને પાંચ લાખ આપ્યા હતા.જ્યારે ભરતે ૧૯ લાખમાં નક્કી કર્યું હતું,અને ૬ લાખ ૭૦ હજાર આપ્યા હતા.તેવી વાતચીત થઇ હતી.કરણની કાર વાપી પહોચી ત્યારે રાજશીએ ફોન કરીને ભરતને એવું જણાવ્યું હતું કે,બીજી છોકરીઓ તમારી સાથે યુ.કે.આવવાની હતી.તેનું એકસીડન્ટ થયું છે.તેથી તા.૮.૧.૨૦૨૪ ની ટીકીટ કેન્સલ કરી નાખીએ ૮ દિવસ પછી યુ.કે.જવાનું થશે.તેમ કહીને રાજશીએ સુરત ખાતે આશીર્વાદ હોટલમાં કરણ અને ભરતને રૂમ બુક કરાવી આપ્યો હતો.જ્યારે નિલેષ તેના સબંધીને ત્યાં રોકાયો હતો.

૭ દિવસ સુરતમાં રોકાયા બાદ તા.૧૫.૧.૨૦૨૪ ના રાજશીએ ભરત અને કરણને ફોન કરીને જણાવ્યું હતું કે,તા.૧૬.૧.૨૦૨૪ ની તમારા બન્નેની ટીકીટ બુક થઇ છે તેથી મુંબઈ આવી જાવ આથી કરણ અને ભરત બસ મારફતે મુંબઈ ગયા ત્યાં રાજશીએ ફોનમાં કહ્યું કે,તમારા ફોનમાં લોકેશન નાખ્યું છે.ત્યાં તમારા કાગળો છે તે લઈને એરપોર્ટ આવી જજો આથી એ લોકેશન ઉપર બન્ને ગયા ત્યારે ઓફીસ બંધ હતી.તેથી રાજશીએ તેઓને સીધા જ એરપોર્ટ પર આવી જવા જણાવ્યું હતું.આથી આ બન્ને યુવાનો મુંબઈ એરપોર્ટ ગેટ નં-૨ બહાર ઉભા હતા.ત્યાં નિલેષ પણ તેમને મળી ગયો હતો અને રાત્રે ૧:૦૦ વાગ્યા સુધી હમણાં કાગળ આવે છે કહીને ત્રણેયને એરપોર્ટ બહાર ઉભા રાખ્યા હતા.રાત્રે ૧:૦૦ વાગ્યા બાદ રાજશીનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો.આથી કરણ,ભરત અને નિલેષ એક દિવસ મુંબઈ રોકાયા અને કોશિશ કરવા છતાં ફોન નહી લાગતા અને પત્તો નહી મળતા ત્રણેય પોતપોતાના ઘરે આવી ગયા હતા.

રાજકોટથી સુરત ફોરવ્હીલમાં મુકવા આવેલ ડ્રાઈવર કે જેને પોતાનું નામ અજય પરમાર જણાવ્યું હતું.પરંતુ તેનું સાચું નામ ભાવેશ હોવાનું બહાર આવ્યું હતું.આથી તપાસ કરવા છતાં રાજશી વિષે કોઈ પત્તો નહી મળતા અંતે કમલાબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે જેમાં કરણ પરબત ખુંટીના ૧૬ લાખ ૯૦ હજાર,આદિત્યાણાના નિલેષ કિશોર ખુંટીના ૫ લાખ તેમજ રતનપરના ભરત ભુરા ઓડેદરા ના ૬ લાખ ૭૦ હજાર મળી કુલ રૂ.૨૮ લાખ ૬૦ હજારની છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ રાજશી જીવા મોઢવાડિયા સામે નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ ત્રણ સિવાય અન્ય લોકો પણ ભોગ બન્યા હોવાની ચર્ચાઓ થઇ રહી છે ત્યારે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો વધુ ભોગ બનનાર સામે આવશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે