પોરબંદર રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી અને રાજ્ય મેનેજીંગ કમિટીના સભ્ય અકબરભાઈ સોરઠીયાએ પોરબંદર રેડક્રોસને અવિરત સેવાની અડધી સદી પૂર્ણ કરી છે.
ઇ.સ. 1974માં તેઓ રેડક્રોસના સભ્ય તરીકે જોડાયા હતા અને ત્યારબાદ અવિરતપણે પોરબંદર રેડક્રોસની સેવાઓમાં સમર્પિત રહીને જુદાજુદા હોદ્દાઓ ઉપર નિસ્વાર્થ ઓનરરી સેવા આપી ઇ.સ.2024માં 50 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે પોરબંદર રેડક્રોસના ચેરમેન લાખણશી ગોરાણિયાએ એમની આ ઉમદા સેવાને બિરદાવી અભિનંદન આપ્યા હતા.
જ્યારે લોકોમાં રક્તદાન વિશે અનેક ગેરસમજો અને ગેરમાન્યતાઓ ફેલાયેલી હતી ત્યારે ખૂબ સંઘર્ષ કરીને પોરબંદરમાં રક્તદાન પ્રવૃત્તિને વેગ આપ્યો હતો. આ ઉપરાંત પણ પોરબંદર રેડક્રોસ દ્વારા થઈ રહેલી તમામ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાથમિક સારવાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ વર્ગોનુ સંચાલન, થેલેસેમિયા અવેરનેસ, ટીબી નાબુદી માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ વ્યવસ્થા, પુર અને કુદરતી આપત્તિઓ સમયે રાહત કામગીરીઓમાં પણ તેઓનું મહત્વનું યોગદાન રહ્યું છે, આ ઉપરાંત જેતે સમયે ભાવસિંહજી હોસ્પિટલમાં સ્ટાફ ભરતીનું મેનેજમેન્ટ, આ ઉપરાંત hiv પોઝિટિવ લોકો માટે કામ કરતી સંસ્થા જીવનદીપના ઇન્ચાર્જ તરીકે પણ સેવાઓ આપેલ હતી. માનવસેવાના સિદ્ધાંતો સાથે જીવતા અકબરભાઈ આ ઉપરાંત લેખન, વાંચન અને સંગીતના પણ એટલાજ શોખીન છે. તેઓની આ અવિરત સેવાના કાર્ય બદલ અનેક વખત મહાનુભાવોના હસ્તે સન્માન પણ થઈ થઈ ચૂક્યું છે.
આમ, આજના યુવાનોને માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવતા અકબરભાઈ હાલ પણ 74 વર્ષની ઉંમરે પોરબંદર રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી અને ગુજરાત રેડક્રોસની મેનેજીંગ કમિટીના મેમ્બર તરીકે અવિરત સેવા આપી રહ્યા છે, ત્યારે પોરબંદર રેડક્રોસના તમામ સભ્યોએ તેમના તંદુરસ્ત આરોગ્ય અને દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ પાઠવી અને પોરબંદર રેડક્રોસને આપેલ 50 વર્ષની સેવાને બિરદાવી હતી.



