પોરબંદર
પોરબંદરમાં અનેક બહુમાળી બિલ્ડીંગો માં ફાયર સેફટીના સાધનો વસાવવામાં આવ્યા નથી.આથી પાલિકા ના ફાયર વિભાગ દ્વારા આવા બિલ્ડીંગ માલિકો ને નોટિસો પાઠવવામાં આવી હતી.તેમ છતાં જરૂરી ફાયર સેફટી ની સુવિધા ઉભી ન કરતા આજે બે ઈમારતો ના પાર્કિંગ સીલ કરાયા છે.
પોરબંદર છાયા પાલિકા દ્વારા હાઈકોર્ટ ના આદેશ ના પગલે બહુમાળી બિલ્ડીંગો જેવીકે શૈક્ષણિક સંસ્થા,હોસ્પિટલ, હોટલ, શોપીંગ સેન્ટર,એપાર્ટમેન્ટ વગેરે માં ફાયર સેફટીની વ્યવસ્થા અંગે સર્વે હાથ ધરાયો હતો.જે સર્વે બાદ ૧૦૦ ઈમારતો ને જરૂરી ફાયર સેફટી ના સાધનો વસાવી લેવા અને ફાયર એનઓસી મેળવી લેવા નોટીસ આપવામાં આવી હતી.તેમ છતાં મોટા ભાગ ની ઈમારતો માં જરૂરી કાર્યવાહી ન થતા રાજકોટ ખાતે ની રીજનલ ફાયર કચેરી દ્વારા આવી ઈમારતો સીલ કરવા સુચના અપાઈ છે.
જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા ના ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમાર ની આગેવાની માં ફાયર બ્રિગેડ ની ટીમ પોરબંદર ખાતે આવી હતી.અને સ્થાનિક ફાયર બ્રિગેડ ના સ્ટાફ ને સાથે રાખી રેલ્વે સ્ટેશન નજીક આવેલ કુબેર કષ્ટભંજન નામનો કોમર્શીયલ કોમ્પ્લેક્ષ અને વાડી પ્લોટ માં આવેલ સ્કાય હાઈટ્સ નામના એપાર્ટમેન્ટ નું પાર્કિંગ સીલ કરવામાં આવ્યું હતું.આ કામગીરી હજુ પણ ચાલુ રાખવામાં આવશે તેવું ફાયર વિભાગ ના અધિકારી એ જણાવ્યું હતું. ઉપરાંત હજુ ૬૦ બહુમાળી બિલ્ડિંગો ને ફાયર સેફટી ના સાધનો વસાવવા નોટીસ પાઠવવામાં આવશે.તેવું પણ તેઓએ જણાવ્યું હતું.