અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માં હાજરી ન આપવાનો કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા નિર્ણય લેવાયો છે. જેને પોરબંદર ના ધારાસભ્ય એ વખોડી આવા રાજકીય નિર્ણય ન લેવા ટ્વીટ કરી જણાવ્યું છે.
કોંગ્રેસ ના મહાસચિવ જયરામ રમેશે એક નિવેદન જાહેર કરી ને જણાવ્યું છે કે ગયા મહિને કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને 22 જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું. આપણા દેશમાં લાખો લોકો ભગવાન રામની પૂજા કરે છે. ધર્મ એ અંગત બાબત છે. પરંતુ આર એસ એસ /બીજેપી એ લાંબા સમયથી અયોધ્યામાં મંદિરને એક રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધું છે.
તેમણે વધુમાં કહ્યું કે, અધૂરા મંદિરનું ઉદ્ઘાટન સ્પષ્ટપણે ભાજપ અને આર એસ એસ ના નેતાઓ દ્વારા ચૂંટણીમાં ફાયદા માટે કરવામાં આવી રહ્યું છે. 2019 ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને અનુસરીને મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને આદર આપતા લાખો લોકોની ભાવનાઓને માન આપીને અર એસ એસ /બીજેપી તરફથી આ કાર્યક્રમના આમંત્રણને સ્પષ્ટ અને આદરપૂર્વક નકારી કાઢ્યું છે. જો કે આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદર ના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભગવાનશ્રી રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે અને કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયથી દુર રહેવું જોઇતું હતું. કોંગી નેતા ના આ ટ્વિટથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
રામ મંદિર મુદ્દે કોંગ્રેસમાં જ બે ફાંટા પડી જતાં કોંગ્રેસની પણ મુશ્કેલભરી સ્થિતી ઉભી થઇ છે. અર્જુન મોઢવાડિયા બાદ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર અને પક્ષ ના મુખ્ય પ્રવક્તા હેમાંગ રાવલે પણ ટ્વીટ કરી કેન્દ્રીય નેતાગીરી ના નિર્ણય નો વિરોધ કર્યો છે. હાઇકમાન્ડના નિર્ણય અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓની પોસ્ટથી પક્ષમાં ચકચાર મચી ગઇ છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાને તૂટતી બચાવવા અથાક પ્રયત્નો કરી રહી છે રામ મંદિર આમંત્રણના મુદ્દે રામ નામ જપતા આ નેતાઓ ક્યાંક કોંગ્રેસને જ રામ રામ ન કરી દે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.