પોરબંદર ના ભડ ગામે થી પોલીસે બોગસ ડોક્ટર ને ઝડપી લઇ રૂ ૨૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે. જીલ્લા માં સતત બીજા દિવસે પોલીસે બોગસ ડોક્ટર ઝડપી લીધો છે છતાં આરોગ્ય વિભાગ હજુ પણ ઘોર નિંદ્રા માં હોય તેવું લાગી રહ્યું છે.
પોરબંદર ના નવી બંદર મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ એભાભાઈ ઓડેદરા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ભડ ગામના મંજુબેન પ્રફુલભાઈ કાઠી એ ગામ માં જ રહેતો રામદેવ નથુ મોડેદરા મેડિકલ સર્ટી વગર દવાખાનુ ખોલીને બોગસ ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી રહ્યો હોવાની અરજી આપી હતી. આથી આ અંગે તેઓએ પંચોને સાથે રાખી રામદેવ(ઉવ ૬૫)ના ઘરે જઈને તપાસ કરતા ટેબલ ઉપર તથા કબાટમાંથી દવાઓ તથા ઇન્જેક્શન મળી આવ્યા હતા.
આથી તેની પૂછપરછ કરતા પોતાની પાસે કોઈ ડોક્ટર તરીકેની કાયદેસરની ડિગ્રી નહીં હોવાનું જણાવ્યું હતું. અને છતાં મેડિકલ પ્રેક્ટિસ કરીને તે દવા આપતો હોવાનું જણાવતા પોલીસે તેની પાસે થી પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ, બે કાતર,સિંગલ યુઝ સિરીંજ, ઇન્જેક્શન,આંખના ટીપા, સોડિયમની જુદી જુદી ટેબલેટ સહિત રૂ 2112 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તેની ધરપકડ કરી હતી. જીલ્લા માં સતત બીજા દિવસે પોલીસે બોગસ ડોક્ટર ને ઝડપી લીધો છે. હજુ પણ ગ્રામ્ય પંથક માં અનેક સ્થળો એ આવા બોગસ તબીબો દવાખાના ખોલી દર્દીઓ ના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તેમ છતાં હજુ પણ આરોગ્ય વિભાગ ભર ઊંઘ માં હોય તેમ કોઈ ચેકિંગ કે કાર્યવાહી કરવામાં આવતી નથી.