પોરબંદરમાં અઢી મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવાન ઉપર તેના સાળા અને સાળાના ૨ મિત્રોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના ઝુરીબાગ શેરી નંબર ત્રણમાં રહેતા પવન નરેશભાઈ પરમાર(ઉવ ૨૨)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ પોતે અઢી મહિના પહેલા ખારવાવાડ માં રહેતા અશોક પ્રેમજી ગોહેલની પુત્રી ટીશા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પવનના બહેન પૂજાબેન અને બનેવી ભાવેશભાઈ ડાભી પણ એકાદ મહિનાથી તેની સાથે જ ઘરે રહેતા હતા. 31 ડિસેમ્બરે રાત્રે પવન તથા તેની પત્ની તથા માતા સુનિતાબેન અને બહેન બનેવી તથા પવન નો મિત્ર જલ્પેશ ભરતભાઈ મકવાણા બધા ઘરની બહાર બેસીને વાતચીત કરતા હતા. એ દરમિયાન ખારવાવાડમાં રહેતો ધ્રુવીક ભાદ્રેચા ,ટીશાનો ભાઈ રુદ્ર અશોક ગોહેલ તથા અન્ય એક અજાણ્યો સફેદ શર્ટ વાળો શખ્શ ત્યાં આવી અને ગાળો બોલવા લાગ્યા હતા.
આથી પવનને તેને ગાળો બોલવાની ના પાડતા ત્રણેય શખ્સો એ તેને મુક્કા મારી લોખંડની સ્ટીક વડે હુમલો કર્યો હતો. અને તેના તથા બનેવીના બાઈકમાં પણ નુકસાન કર્યું હતું. અને પૂજા તથા બનેવી ભાવેશને પણ માર્યો હતો. આજુબાજુના લોકો ભેગા થતાં ત્રણેય શખ્શો મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. પવન અને ભાવેશ ને માથાના ભાગે લોહી નીકળતું હોવાથી તાત્કાલિક સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અને સારવાર ચાલુ હતું ત્યારે તેનો મિત્ર નિખિલ મકવાણા પણ ખબર અંતર પૂછવા માટે આવ્યો. ત્યારે રુદ્ર હોસ્પિટલે પણ સ્ટીક લઈને આવી પહોંચ્યો હતો અને નિખિલના માથામાં પણ સ્ટીક વડે માર મારતા તેને પણ હોસ્પીટલે દાખલ કરવામાં આવ્યો હતો. હુમલા નું કારણ એવું જણાવ્યું છે કે અઢી મહિના પહેલા ટીશા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેનું મન દુઃખ રાખીને આ હુમલો થયો હતો. અને બન્ને વાહનો માં ૩૦૦૦ રૂ ની નુકશાની કરી હોવાનું પણ ફરિયાદ જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.