બગવદર પોલીસે કાર માં ચાલતા હરતા ફરતા દવાખાના માંથી બોગસ તબીબ ને ઝડપી લઇ તેની પાસે થી કાર,દવાઓ, મેડિકલના સાધનો મળી રૂ.૭૬૫૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બગવદર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિપુલભાઈ કમલેશભાઈ ધુધલે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓને બાતમી મળી હતી કે બગવદરથી ભારવાડા જતા રસ્તે હાઇવે પર ડેરીની સામે લીમડાના વૃક્ષની નીચે કાળા કલરની કારમાં કોઈ શખ્શ કોઈપણ જાતની લાયકાત વગર ડોક્ટર તરીકેની મેડિકલ પ્રેક્ટિસ કરીને દર્દીઓને સારવાર આપી રહ્યો છે. આથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને કાર માં દર્દીઓની સારવાર કરતા શખ્શ ને રંગે હાથ ઝડપી લીધો હતો.
અને તેની પુછપરછ કરતા પોતા નું નામ દેવાજી ઉર્ફે દેવું ઈશ્વરજી ઠાકોર (ઉવ ૪૯)હોવાનું તથા પોતે મૂળ સાબરકાંઠાના વડાલી તાલુકાના મહોર ગામનો તથા છેલ્લા કેટલાક વર્ષોથી કલ્યાણપુરના કેનેડી ગામે રહેતો હોવાનું જણાવ્યું હતું પોલીસે કારની અંદર તપાસ કરતા આયુર્વેદિક પ્રોડક્ટની આડમાં એક પ્લાસ્ટિકની પેટીમાં મેડિકલના સાધનો, ઇન્જેક્શનનો વગેરે મળી આવ્યા હતા. તેની પાસે ડોક્ટર તરીકેની કાયદેસરની કોઈ ડીગ્રી હોય તો રજુ કરવાનું પોલીસે કહ્યું હતું પરંતુ માન્ય યુનિવર્સિટીની કોઈ ડીગ્રી નહીં હોવાનું જણાવ્યું હતું.
આથી પોલીસે તેની ધરપકડ કરી ૧૮ પ્રકાર ની દવા અને ઇન્જેકશનો મળી રૂ ૧૫૪૦ નો મુદામાલ તથા ૭૫ હજારની કાર મળી કુલ રૂપિયા ૭૬૫૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ શખ્શે કારમાં આયુર્વેદિક પ્રોડક્ટનું વેચાણ થતું હોવાના બેનરો લગાડ્યા હતા. જેથી દર્દીઓ આયુર્વેદિક દવાનું વેચાણ થતું હશે. તેમ માનીને તેની પાસે જતા હતા,પરંતુ આ શખ્સ દર્દીઓ ને ઇન્જેક્શનનો પણ મારતો હોવાનું સામે આવ્યું છે. અને આ શખ્સ માત્ર બગવદર ગામે જ સારવાર માટે આવતો હતો. કે અન્ય કોઈ ગામ તે સહિતની તપાસ હાથ ધરી છે.