પોરબંદરમાં એક માસ દરમ્યાન જાહેરમાં ગંદકી કરનારા અને ઘાસ વેચનારા ઉપરાંત પાતળી ઝબલા થેલી રાખનારા ૬૧ લોકો ને મનપા એ રૂ ૨૫ હજાર નો દંડ ફટકાર્યો છે.
પોરબંદર ના મ્યુનિસિપલ કમિશ્નર એચ કે પ્રજાપતિ ની સૂચનાથી ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર જગદીશભાઈ ઢાંકી તથા જુદા-જુદા વોર્ડના સેનીટરી સબ ઇન્સ્પેકટરો દ્વારા ફેબ્રુઆરી માસ મહિના દરમિયાન પ્લાસ્ટીકની એજન્સી ધરાવતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરતા ૧૨૦ માઇક્રોનથી ઓછી માઈક્રોનવાળી બેગ વેચતા હોય તેવા ૫ વેપારીઓને ત્યાં વહીવટી ચાર્જ રૂા. ૧૦,૦૦૦ વસુલ કરી પ્રતિબંધિત ૭૫૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. તથા જાહેરમાં ઘાસ તથા જાહેરમાં ગંદકી કરનાર ૬૧ લોકોને રૂા. ૧૪,૯૦૦નો દંડ કરવામાં આવ્યો છે.લોકોને સ્વચ્છતા અંગે જાગૃત થવા તથા કચરાને ડસ્ટબીનમાં એકઠો કરી નગરપાલિકાના ડોર ટુ ડોર વાહનમાં નાખવા અપીલ કરાઈ છે અન્યથા મહાનગરપાલિકાના ઉપનિયમો મુજબ રૂા. ૧૦૦ થી લઇ રૂા. ૫૦૦૦ સુધીનો દંડ કરવામાં આવશે તેવી ચીમકી પણ અપાઈ છે.
જો કે મહાનગરપાલિકા બન્યા પછી શહેર માં સફાઈ ની કામગીરી સાવ ખડે ગઈ હોય તેમ અનેક વિસ્તાર માંથી સફાઈ કામદારો નિયમિત ન આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે મહાનગરપાલિકા ના તંત્ર એ દંડ વસુલવાની સાથે સાથે તે અંગે પણ ધ્યાન આપવાની જરૂર છે તેવું લોકો જણાવી રહ્યા છે.