કુતિયાણા નજીકથી પોલીસે ઘાતક હથિયારો સાથે ધાડ પાડવા આવેલા ભુજ પંથકના છ શખ્સોને ઝડપી લઇ તેની પાસે થી ૩ લાખ ૩૪ હજાર નો મુદામાલ કબ્જે કર્યો છે અને આ શખ્સો ને બોલાવનાર પોરબંદરના શખ્શ સામે પણ ગુન્હો નોંધાયો છે.
કુતિયાણા પોલીસમથકના કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગજીતસિંહ ઝાલાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ પીઆઈ વી.પી. પરમાર અને સ્ટાફ સાથે તેઓ પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા ત્યારે બાતમી મળી હતી કે દેવંગી સર્કલ પાસેથી બ્લુ કલરની કારમાં કેટલાક શખ્સો પ્રાણઘાતક હથિયારો સાથે ગુન્હો કરવાના ઇરાદે પસાર થવાના છે તેથી પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી કાર અટકાવતા તેમાં છ શખ્સો હતા અને કારની તલાશી લેતા તેમાંથી લોખંડનો પાઈપ, બેઝબોલનો ધોકો, છરી, લોખંડનું પ્લાસ્ટિકની ગ્રીપવાળુ મોટુ કેબલ કટર, લોખંડ કાપવાની ત્રણ હેકસો અને આઠ હેકસો બ્લેડ જેવા ઘાતક હથિયારો મળી આવ્યા હતા આથી તેઓ કોઇ જગ્યાએ ધાડ પાડવાની તૈયારીમાં હોય તેવું જણાતા પોલીસે તમામની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરતા કાર ચાલક ભુજના ભોજરડો ગામનો કરતા જુમા મીઠન ઠેબા ઉ.વ.૩૧ હોવાનુ,તેની બાજુની સીટમાં બેસેલ શખ્શ ભુજના નાનાવરનોરા ગામનો અસ્લમ સુમાર ત્રાયા ઉ.વ. ૨૫,કારની પાછળ બેસેલા ચાર શખ્સો નાનાવરનોરાનો સુલ્તાન સુમાર મેર ઉ.વ. ૨૪ ભુજના ભીડ ગેઈટ વિસ્તારમાં રહેતો અબ્બાસ અલિમામદ કકલ ઉ.વ. ૩૧, નાના વરનોરાનો સધામ સુલેમાન મમણ ઉ.વ. ૨૦ અને નાના વરનોરાનો જેડ જુસબ ગગડા ઉ.વ. ૨૦ હોવાનું જણાવ્યુ હતુ પોલીસે ૨૦ રૂા.નો પાઈપ, ૫૦ રૂા.નો બેઝબોલનો ધોકો, ૨૫ રૂા.ની છરી, ૫૦૦ રૂા.નુકેબલ કટર, ૧૫૦ રૂા.ની ત્રણ હેકસો અને ૮૦ રૂા.ની ૮ હેકસો બ્લેડ તથા ૩ લાખ રૂા.ની કાર અને ૩૪ હજાર રૂા.ના છ મોબાઇલ મળી કુલ રૂા. ૩ લાખ ૩૪ હજાર ૮૨૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
લુંટ કરવા આવ્યા હોવાની કરી કબુલાત
પોલીસે તમામ ની આકરી પૂછપરછ કરતા અબ્બાસ કકલે જણાવ્યુ હતુ કે ત્રણ મહિના પહેલા જખૌ પોલીસ સ્ટેશનના પાંચ કેબલચોરીના ગુન્હામાં તેને કચ્છની પાલારા જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો ત્યારે પોરબંદરનો સુભાષ રાણા રાતીયા પણ કોઇ ગુન્હા અનુસંધાને જેલમાં હતો ત્યારે તેની સાથે પરિચય થયો હતો. અને મોબાઈલ નંબરની આપ-લે કરી હતી અને સુભાષે ‘તમારે પોરબંદર બાજુ ચોરી કે લૂંટફાટ કરવા આવવુ હોય તો મને મોબાઈલ કરજો. હું તમને જગ્યાઓ બતાવીશ.’ તેમ કહેતા બન્ને મોબાઇલ મારફતે સંપર્કમાં હતા થોડા દિવસો પહેલા સુભાષે ફોન કરીને થોડા માણસોને સાથે લઇને લૂંટફાટ આવવા માટે પોરબંદર આવવા નિમંત્રણ પાઠવ્યુ હતુ તેથી તેઓ પોરબંદરમાં લૂંટફાટ કરવાના ઇરાદે આવતા હતા.અને કોઈ જગ્યાએ ધાડ પાડવાની તૈયારી સાથે એકત્ર થયા હતા.તેવી કબુલાત આપતા પોલીસે સુભાષ સામે પણ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
પકડાયેલા શખ્શો ધરાવે છે ગંભીર ગુન્હાહિત ઇતિહાસ
પોલીસ દ્વારા ઝડપાયેલા શખ્શોના ગુન્હાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવતા અસ્લમ સુમાર ત્રાયા સામે નલીયા અને નિરોણા પોલીસ સ્ટેશનમાં એક-એક ગુન્હો,સુલ્તાન સુમાર મેર સામે નવ ગુન્હાઓ નોંધાયાનું સામે આવ્યુ છે જેમાં ગઢશીશા, સામખીયાળી, પધર, ભુજ સીટી એ ડીવીઝનમાં બે ગુન્હા, ખાવડાપોલીસ સ્ટેશનમાં બે ગુન્હા,નિરોણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો તથા માધાપર પોલીસસ્ટેશનમાં તેમની સામે ગુન્હા નોંધાયા છે . જેમાં મોટાભાગના ગુન્હા લુંટ,ધાડ ચોરી ના છે.અબ્બાસ દ કકલ વિરુધ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક ગુન્હો, જખૌ પોલીસ સ્ટેશનમાં ચાર ગુન્હા, જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં એક ગુન્હો, નખત્રાણા પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા અને જોડીયા પોલીસ સ્ટેશનમાં એક ગુન્હો નોંધાયો હોવાનું સામે આવ્યું છે


