ગાંધીનગર ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં આજે તા.૧૨ મેના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) નાં લાભાર્થીઓ માટે રુ.૧,૯૪૬ કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું પોરબંદર જિલ્લામાં ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં સુચારુ આયોજન થાય તે માટે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કે. ડી. લાખાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાનાર કાર્યક્રમમાં જિલ્લાના ૫૦ લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહેશે. જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં વર્ચ્યુઅલી જોડાશે.
કલેક્ટર કે. ડી.લાખાણીએ ઉપસ્થિત અધિકારીઓને સમગ્ર કાર્યક્રમના આયોજન અંગે જરુરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમજ ગાંધીનગર ખાતે જઈ રહેલા લાભાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવા માટે પણ તેમણે સૂચના આપી હતી. જિલ્લામાં યોજાનારા કાર્યક્રમો પદાધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. જિલ્લાના ગ્રામ્ય સ્તરે ૧૬ ગામોમાં આ કાર્યક્રમ યોજાશે, જ્યારે શહેરી વિસ્તારમાં તમામ નગરપાલિકાઓ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવશે.કાર્યક્રમના દિવસે પ્રભાત ફેરી, વૃક્ષારોપણ, સ્વચ્છતા કાર્યક્રમ, જાહેર સ્થળોની સફાઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. આ ઉપરાંત પર્યાવરણને સુરક્ષિત રાખવાની પ્રતિજ્ઞા, રંગોળી, મકાનોને તોરણ બાંધવા, કળશ સ્થાપન સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવશે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, નિવાસી અધિક કલેકટર એમ.કે.જોશી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રેખાબા સરવૈયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

