પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય થી વેરો બાકી હોય તેવી વધુ ૫ કોમર્શીયલ મિલકત સીલ કરવામાં આવી છે.
પોરબંદર મહાનગરપાલિકા ના કમિશ્નર એચ કે પ્રજાપતિ ની સુચના અનુસાર હાઉસ ટેકસ વિભાગ દ્વારા આજે સોમવારે એમ.જી.રોડ તથા છાંયા વિસ્તારમાં લાંબા સમય થી વેરો બાકી હોય અને વારંવાર નોટીસ છતાં વેરો ભરવાની દરકારી કરી ન ઓય તેવી ૨૪ બિન-રહેણાંક મિલ્કતોમાં વસુલાત ઝુંબેશની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૧૯ આસામીઓ દ્વારા રૂા. ૧,૨૯,૦૨૭ સ્થળ ઉપર ભરપાઇ કરી આપ્યા હતા. જયારે બાકી રહેતી ૫ મિલ્કતોના રૂ. ૨,૪૬,૯૨૧ ભરવામાં ન આવતા તે મિલ્કત સીલ કરવામાં આવી હતી. હજુ પણ વેરા વસુલાત ની ઝુંબેશ કડક બનાવવામાં આવશે તેવું જણાવી કમિશનરે વહેલીતકે વેરો ભરી જવા અપીલ કરી છે.
મહાનગરપાલિકાને મળેલા નવા દરજ્જા બાદ વેરા વસૂલાતની કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકાનું આર્થિક સંકટ દૂર કરવા માટે અધિકારીઓ કોઈની શેહશરમ રાખ્યા વિના વસૂલાત કરી રહ્યા છે. આ કડક કાર્યવાહીને કારણે વેરો ન ભરનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
