Monday, October 13, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના ૪ વ્યાજખોરો એ યુવાન પાસેથી ૨૩ લાખ ના ૧.૧૮ કરોડ વસુલ્યા:પોલીસ ફરિયાદ

કલ્યાણપુર ના નગડીયા ગામના યુવાને જુદા જુદા સમયે ૨૩ લાખ વ્યાજે લીધા બાદ ૧ કરોડ થી વધુ વસુલ્યા હતા તેમ છતાં ચાર શખ્સો એ અપહરણ કરવાની ધમકી આપીને બળજબરી થી ચેક લખાવી કોર્ટ માં ફરિયાદ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મૂળ પોરબંદરના દેગામ નજીક નાગાર્જુનના પાટીયા પાસે રહેતા અને હાલ નગડીયા ગામે સિધ્ધેશ્વર મંદિર પાસે રહેતા કેશુ અરભમ સુંડાવદરા નામના ૩૧ વર્ષના યુવાને વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ હતુ કે વર્ષ ૨૦૧૯માં દેગામ ગામે ખેતીની જમીનમાં સુધારો કરાવવા માટે પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને વ્યાજવટાવનો ધંધો કરતા સંજય કટારા પાસેથી તા.૧૮-૧૧- ૨૦૧૯ના દસ લાખ રૂપિયા માસિક ૧૦%ના વ્યાજે લીધા હતા. વ્યાજે લીધેલ રૂપિયાનો સમયગાળો તા. ૧૮-૫-૨૦૨૦ના પૂર્ણ થતા સંજય કટારા અને તેની સાથે કામ કરતા ઇન્દુબાપુએ વ્યાજના ૬ લાખની ચુકવણી કરવા દબાણ કર્યુ હતુ આથી ફરિયાદીએ તેના સાળા મહેશ મસરી મોઢવાડીયા પાસેથી ૪ લાખ રૂપિયા હાથ ઉછીના અને બે લાખ રૂપિયા ખેતીની ઉપજના મળી તા.૧૮-૫-૨૦૨૦ના સંજય કટારાને છ મહિનાના ૬ લાખ રૂપિયા વ્યાજની ચુકવણી કરી હતી.

પોલીસ ફરિયાદમાં વધુ જણાવાયુ છે કે બીજા છ મહિનાના એટલે કે તા.૨૦-૧૧-૨૦૨૦ સુધીના પૂર્ણ થતા વ્યાજના છ લાખ રૂપિયા ચુકવવા સંજય કટારા અને ઇન્દુબાપુ ફોન ઉપર અને રૂબરૂ દબાણ કરતા હતા આથી ફરિયાદીએ તેના મિત્ર સરમણ પોલાભાઈ ચાવડા પાસેથી ૩ લાખ હાથ ઉછીના અને ૩ લાખ ખેતીની ઉપજના મળી ૬ લાખ રૂપિયા ભેગા કરીને વ્યાજ ચૂકવી દીધુ હતુ.

વર્ષ ૨૦૨૧માં ફરીયાદીની માલિકીની ઈનોવા કારને દ્વારકા તરફ અકસ્માત થતા મોટી નુકશાની થઇ હતી. જેથી ૮ લાખ રૂપિયાની જરૂરિયાત ઉભી થતા સંજય કટારા પાસેથી ફરીથી ૮ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધા હતા. કુલ ૧૮ લાખનું માસિક ૧૦ ટકા લેખે વ્યાજ ચડતુ હતુ. તા. ૨૦-૧૧-૨૧થી તા. ૨૦-૭-૨૨ સુધીનું આઠ મહિનાનું ૧૪ લાખ ૪૦ હજાર વ્યાજ ચુકવવા સંજય કટારા અને તેની સાથે કામ કરતો ઇન્દુબાપુ ફોન પર અને રૂબરૂ ધમકી આપીને ફરિયાદી અને તેના પરિવારજનોનું અપહરણ કરવા ધમકાવતો હતો. તેઓની ધમકીના કારણે ફરિયાદીએ મિત્ર સરમણ ચાવડા પાસેથી પાંચ લાખ, સાળા મહેશ મોઢવાડીયા પાસેથી ૪ લાખ ૪૦ હજાર હાથ ઉછીના લીધા હતા અને કિસ્મત મોરી નામના ઇસમ પાસેથી ૧૫ ટકા લેખે પાંચ લાખ વ્યાજે લઈ કુલ રૂા. ૧૪ લાખ ૪૦ હજાર ભેગા કરીને ૨૦-૭-૨૨ના વ્યાજની ચુકવણી કરી હતી.

ત્યારબાદ સંજય કટારાને વ્યાજની કે મૂળ રકમની ચુકવણી થઇ શકે તેમ નહી હોવાથી તેઓ ધમકાવતા હતા. તેમની બીકના કારણે દેગામની સીમમાં આવેલ ખેતીની જમીનનું વેચાણ કરીને તેમાંથી મળેલ રકમ પૈકી તા. ૨૦-૭-૨૨થી તા.૨૦-૩-૨૩ સુધીનું આઠ મહિનાનું ૧૪ લાખ ૪૦ હજાર વ્યાજ સંજય કટારાને ચુકવ્યુ હતુ. ત્યાર પછી પણ મૂળ રકમ આઠ લાખની ચુકવણી માટે ધમકીઓ મળતી હતી. જેથી જમીન વેચાણના રૂપિયામાંથી વધુ છ લાખ રૂપિયા વ્યાજના સંજયને ચુકવ્યા હતા. ત્યારબાદ પણ મૂળ રકમ અને વ્યાજના દસ લાખની ચુકવણી માટે ધમકી અપાતા ૨૦-૩-૨૦૨૪ના સંજય કટારાને ૧૬ લાખ રૂપિયા ચુકવી દીધા હતા.

પેનલ્ટી સહિત વ્યાજની રકમ ચુકવાઈ હોવા છતાં સંજય અને ઇન્દુબાપુ અવારનવાર ધમકી આપતા હતા આથી ફરિયાદીના મિત્ર દિલીપ પરબતભાઈ કરથીયાને વાત કરતા સમાધાન કરાવવા અંગે નકકી થયુ હતુ જેમાં વ્યાજખોરોએ એવી શરત મૂકી હતી કે જામીનગીરી સ્વરૂપે દિલીપભાઈ તેમના પ્લોટની ફાઇલ અને બે ચેક ગીરવે મૂકશે. મિત્રને બચાવવા દિલીપે ફાઇલ અને ચેક ગીરવે મૂક્યા હતા. તેમજ સંજય કટારાએ ફરિયાદીની ઇનોવાકાર અને બાઇક પણ ગિરવે લઇ લીધા હતા.

સંજય કટારાને વ્યાજની ચુકવણી કરવા માટે છાયા પંચાયત ચોકી પાસે રહેતા કિસ્મત મોરી પાસેથી પાંચ લાખ રૂપિયા માસિક ૧૫ ટકા વ્યાજે લીધા હતા. તા. ૧૫-૧૨-૨૦૨૦ના રોજ લીધેલા આ રૂપિયાની ચુકવણી નહી થતા કિસ્મત મોરી અને તેની સાથે કામ કરતા અર્જુન મકવાણાએ અવારનવાર ધાક ધમકીઓ આપી હતી તેથી મિત્ર સરમણ પાસેથી ૪ લાખ અને સાળા મહેશ પાસેથી પાંચ લાખ મળી નવ લાખ રૂપિયાનું વ્યાજ તા. ૧૫-૧૨-૨૧ના રોજ ચુકવ્યુ હતુ. ત્યારબાદ છ મહીનાનું વ્યાજ સાડા ચાર લાખ થઇ જતા ફરિયાદીએ તેના મિત્ર સરમણ પાસેથી સાડાચાર લાખ હાથ ઉછીના લઇને ૧૫ જુન ૨૦૨૨ના કિસ્મત મોરીને ચુકવ્યા હતા. ત્યારબાદ વ્યાજનું વિષચક્ર વધી જતા દાગીના મુથુટ ફાઇનાન્સ અને આઇ.આઈ. એફ.એલ. ગોલ્ડલોન બેન્કમાંથી લોન લઇને ચુકવણી કરી હતી. ત્યારબાદ ૧૫-૧૨-૨૨ થી ૧૫-૧૨-૨૩ સુધીનું ૧૮ લાખ રૂપિયા વ્યાજ બાર મહિનાનું ચુકવવા માટે ધાકધમકી અપાતી હતી તેથી સાડા મહેશ મોઢવાડીયા પાસેથી પાંચ લાખ અને મિત્ર સરમણ પાસેથી પાંચ લાખ મળી ૧૦ લાખ રૂપિયા તા. ૧૫-૧૨-૨૩ના વ્યાજના ચુકવ્યા હતા.

વ્યાજની રકમ ચુકવવા કિસ્મત મોરી અને અર્જુન મકવાણા ધાકધમકી આપતા હતા તેથી સમાધાન માટે છાયાચોકી પાસે આવેલી ઓફિસે ગયા હતા અને ફરિયાદીના મિત્ર જીત બોખીરીયા અને ભીમભાઇએ નબળી સ્થિતિ અંગે વાત કરીને રકમ અને વ્યાજ ચુકવી દેશે તેવી બાહેધરી અપાવી હતી. ત્યારબાદ ફરીયાદી અને તેના સબંધી બચુભાઈ સુંડાવદરા કમલાબાગ પાસે નીકળ્યા ત્યારે અપહરણ કરવાનો પ્રયાસ થયો હતો. ફરીયાદી પાસે રૂપિયા ન હતા અને જમીન વેચાણના રૂપિયા આવવાના હતા તે આવ જતા તા.૨૦-૧૨-૨૦૨૪ના વ્યાજ અને મુળરકમ પેટે ૨૧ લાખ કિસ્મત મોરીને ચુકવ્યા હતા તેમ છતા વધુ રકમ માટે થઇને દબાણ કરીને ડરાવી ધમકાવી ચેક અંગેનું લખાણ લખાવી કારની બુક આર.સી. બુક લઇ ગયા હતા અને ચેકરીટર્નનો ખોટો કેસ પણ કોર્ટમાં કરાવ્યો હતો.

આ રીતે સંજય કટારા પાસેથી ૧૮ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા બાદ ૭૨ લાખ ૫૦ હજાર અત્યાર સુધીમાં વસુલ્યા હતા. તો બીજી બાજુ કિસ્મત મોરી અને અર્જુન મકવાણાએ ૧૦ લાખના ૪૬ લાખ ૩૦ હજારની રકમ વસુલી હતી. આમ, ચારેય વ્યાજખોરોએ ૨૮ લાખના કુલ ૧ કરોડ ૧૮ લાખ ૮૦ હજાર વસુલ્યા હતા છતાં ધમકી આપતા હતા તેથી અંતે આ ચારેય ઇસમો સામે ગુન્હો દાખલ કરાવ્યો છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે