પોરબંદરના સુભાષનગર વિસ્તાર માં આઈપીએલનો વોટ્સેપ ગ્રુપ મારફત નવતર જુગાર ઝડપાયા બાદ પોલીસે વધુ બે સ્થળો એ થી આઈપીએલ નો જુગાર ઝડપી લીધો છે. જેમાં વાડી પ્લોટ માં સુલભ શૌચાલય પાસે આઈપીએલની મેચ પર જુગાર રમતા બે શખ્સો ને અને છાયા જમાતખાના પાસે થી પણ બે શખ્સો ને ઝડપી લીધા છે.
પોરબંદર માં આઈપીએલ ટુર્નામેન્ટ શરુ થતા જ સટોડિયા પણ સક્રિય થયા હતા. ત્યારે પોલીસ દ્વારા પણ તેઓને ઝડપી લેવા અવારનવાર દરોડા પાડવામાં આવે છે. પોરબંદરની પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાડી પ્લોટના શાક માર્કેટ સામે આવેલા સુલભ શૌચાલય પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં હોવાથી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં એસટી રોડ પર ગોઢાણીયા હોસ્પિટલ ની બાજુમાં રહેતો હાર્દિક રોહિત સોનિગ્રા(ઉવ ૩૫) અને કડિયા પ્લોટમાં નાગદાદાના મંદિરની સામે શેરી નંબર ૩ માં રહેતો વિવેક કાંતિલાલ સોલંકી(ઉવ ૨૭)નામના બન્ને શખ્સો હાલમાં ચાલી રહેલા આઇ.પી.એલ.ની 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સ તથા રોયલ ચેલેન્જર બેંગ્લોર ના મેચ ઉપર રનફેરનો હાર જીતનો જુગાર રમતા હતા. આથી પોલીસે તેની પાસે થી રૂ 8320 ની રોકડ તથા ૨ મોબાઈલ મળી કુલ 12,320 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય એક દરોડા માં કમલાબાગ પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો. ત્યારે ફરતા ફરતા છાંયા જમાતખાના પાસે પહોંચતા ત્યાં બે શખ્સો મોબાઇલ જોતા હતા અને બોલપેન અને ચીઠઠી હાથમાં હતી. જે પોલીસને જોઈને આડા અવળા થવા લાગતા પોલીસ ને તેની ઉપર શંકા જતાં બન્નેને રોકી ચેક કરતા બન્ને પાસેના મોબાઇલ તથા ચીઠ્ઠી ઓમાં જોતા હાલમાં ચાલતા ૨૦-૨૦ ઓવરના આઈ. પી.એલ.-૨૦૨૪ ટુર્નામેંટમાં મુંબઇ ઇન્ડીયન તથા દિલ્હી કેપીટલ ની ટીમ ના ક્રિકેટ મેચ ઉપર ખેલાડીઓના રનફેર ઉપર હારજીતનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે બન્ને ના નામ પૂછતા માલદે ઉર્ફે પપ્પુ પ્રવિણભાઈ પરમાર (ઉ.વ.૩૨ રહે. છાંયા નવાપરા રામનાથ સોસાયટી) તથા રાજન મહેન્દ્રભાઈ મુળયાસીયા (ઉ.વ.૨૯ રહે.છાંયા જમાતખાના મહાલક્ષ્મી પાનવાળી ગલીમાં)હોવાનું જણાવ્યું હતું.
બન્ને પાસે રહેલ મોબાઇલમાં જોતા મુંબઈ ઇન્ડીયન્સની બેટીંગ ચાલતી હોય અને દિલ્હી કેપીટલની બોલીંગ ચાલતી હોય અને બન્ને પાસે રહેલ ચિઠ્ઠી ઓમાં જોતા તે ક્રીકેટ મેચ ઉપર ખેલાડીઓના રનફેર અંગેના આંકડાઓ લખેલ ચિઠ્ઠીઓ હતી આથી બન્ને ને આ બાબતે પુછતા મોબાઇલમાં મેચ જોઈ હારજીતનો જુગાર રમતા હોવાનુ જણાવ્યું હતું આથી પોલીસે બન્ને ની ધરપકડ કરી બન્ને પાસે થી રૂ ૪ હજાર ની કીમત ના ૨ મોબાઈલ અને ૩૮૭૦ ની રોકડ મળી રૂ ૭૮૭૦ નો મુદામાલ કબ્જે કરી બન્ને ની વધુ પુછપરછ હાથ ધરી છે.