પોરબંદર જિલ્લાના ખેડૂતોને પાક નુકશાન પેટે ૩૫ કરોડ ૨૭ લાખની સહાય ચૂકવાઈ છે.
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી ભારે પાણીની આવક થતા ખેડૂતોને ચોમાસુ વાવેતરમાં નુકસાન થવા પામ્યુ હતું. જેને લઈને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ), જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર સહિતના અનેક આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ ખેડૂતોને પાક નિષ્ફળ જતા સહાય પેકેજ આપવા વિનંતી કરી હતી. જે સંદર્ભે રાજ્ય સરકારે પોરબંદર જિલ્લાના ૫૦,૨૮૦ ખેડૂતો માટે કુલ ૭૯ કરોડ ૭૬ લાખ રૂપિયાની સહાય મંજુર કરી હતી. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પોરબંદર જિલ્લાના ખેડૂતોને પાક નુકાસાન પેટે કુલ ૭૯ કરોડ ૭૬ લાખની સહાય મંજુર કરી હતી, તે પૈકી અત્યાર સુધી ૩૫ કરોડ ૨૭ લાખ રૂપિયાની સહાય ખેડૂતોને ચુકવી દેવામાં આવેલ છે. જ્યારે બાકીની રકમ દિવાળી પહેલા ખેડૂતોને ચુકવી દેવામાં આવશે.
ઘેડ વિસ્તાર, બરડા વિસ્તાર સહિત પોરબંદર જિલ્લામાં તમામ વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો અને લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. જેના કારણે ખેડૂતોના ચોમાસુ વાવેતર નિષ્ફળ ગયા હતા. જે બાબતે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને અન્ય આગેવાનોએ વારંવાર રાજ્ય સરકારમાં રજુઆત કરી હતી. આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ જ્યારે શ્રી હર્ષદ સાંસ્કૃતિક વનના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા હતા ત્યારે જિલ્લા સરકારી અધિકારીઓ અને આગેવાનો સાથે મુલાકાત કરીને ચર્ચા કરી હતી. ત્યારે પોરબંદરના આગેવાનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જિલ્લાના ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવા માટે રજુઆત કરી હતી. આ સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સુચનાથી કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પોરબંદર જિલ્લાના અમુક ગામોની મુલાકાત કરીને જાતે માહિતી મેળવી હતી, તેમજ અધિકારીઓને સર્વે કરવા માટે સુચના આપી હતી.
આ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની સુચના અપાઈ હતી. જે પૈકી પોરબંદર જિલ્લામાંથી ૫૦,૨૮૦ ખેડૂતોએ પાક નુકસાની પેટે વળતર માટે અરજી કરી હતી. ત્યાર બાદ અરજીઓની ચકાસણી અને સ્થળ મુલાકાત જિલ્લા કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ અરજી કરનાર ખેડૂતો પૈકી લગભગ ૯૯ ટકા ખેડૂતોની અરજીઓનો સ્વિકાર કરવામાં આવ્યો હતો. જ્યારે બાકીના એક ટકા જેટલા ખેડૂતો માટે પણ બાકી રહેલ આધાર પુરવા રજુ કરવા સમય આપવામાં આવ્યો છે અને આધાર પુરાવા રજુ થતા તેમની સહાય અરજીઓ પણ સ્વિકારવાની કાર્યવાહી કરવામાં આવશે. આ રીતે રાજ્ય સરકાર દ્વારા પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે ખુબ ઉદારતા ભર્યુ વલણ દાખવીને તમામ અરજીકર્તા ખેડૂતોની સહાય મંજુર કરી છે. સામાન્ય રીતે સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડ (એસડીઆરએફ)ના નિયમો મુજબ આ સહાયનું ધોરણ પ્રતિ હેક્ટર ૮ હજાર રૂપિયા (બે હેટરની મર્યાદામાં) રહે છે. પરંતુ રાજ્ય સરકારે વધારે ઉદારતા દાખવી પ્રતિ હેક્ટર ૮ હજાર રૂપિયા ઉપરાંત વધારાના ત્રણ હજાર રૂપિયા ઉમેરીને પ્રતિ હેક્ટર ૧૧ હજાર રૂપિયા (બે હેકટરની મર્યાદામાં) સહાય મુંજુર કરી હતી. એટલે કે દરેક ખેડૂતને બે હેક્ટરની મર્યાદામાં ૨૨ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થઈ છે. જેને લઈને પોરબંદર જિલ્લાના ખેડૂતોને ભારે વરસાદના કારણે ચોમાસુ પાકમાં થયેલ નુકસાન સામે સારી એવી રાહત થઈ છે અને ખેડૂતોની દિવાળી સુધરી છે. આ માટે પોરબંદર જિલ્લાના ખેડુતો રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટીના ચુંટાયેલ પ્રતિનિધીઓ તથા આગેવાનોનો આભાર માન્યો છે.