પોરબંદર પાલિકા ની જનરલ બોર્ડ ની બેઠક આજે શુક્રવારે યોજાશે જેમાં પાલિકા હસ્તક ના ચોપાટી પાર્ટી પ્લોટ,ચોપાટી પાર્કિંગ સહિતના પ્લોટ અને જગ્યાઓ ના ભાડા વધારવા સર્વાનુમતે ઠરાવ પસાર થશે. ઉપરાંત અન્ય ૩૧ ઠરાવો પણ પસાર કરવામાં આવશે.
પોરબંદર પાલિકા કચેરી ના સભાખંડ ખાતે આજે તા. ૨૫ના રોજ બપોરે ૧૨ વાગ્યે પાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાશે જેમાં ૩૧ ઠરાવો મંજૂર કરવામાં આવશે. જેમાં પાલિકા દ્વારા અમૃત ૨.૦ અંતર્ગત વોટરબોડી રીજીયુનેશન પ્રોજેકટ માટે છાયા રણ લેકની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ તે વેટલેન્ડ હોવાથી ત્યાં પાકું કન્સ્ટ્રકશન વર્ક થઇ શકે તેમ ન હોવાથી તે કામ રદ કરીને તેની જગ્યાએ સુકાળા તળાવને ડેવલપ કરવા માટે ગત તા. ૨૭-૯ ની જનરલ બોર્ડમાં ચર્ચા થઇ હતી. જે બાબતે ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા તરફથી પણ બાયપાસ નજીક આવેલ સુકાળા તળાવ ખૂબ જુનુ હોવાથી તેમાં ખુબજ ડીસીલ્ટેશન થઇ ગયું હોવાથી તે તળાવને ડીપનીંગ કરીને તેનો વિસ્તાર વધારી રાજકોટ અટલ સરોવરની જેમ વિશાળ બનાવી તેને અમૃત ૨.૦ પ્રોજેકટમાં સમાવેશ કરીને વિકસિત કરવા માટે જણાવ્યું હતું આથી આ અંગે નિર્ણય કરવામાં આવશે.
ઉપરાંત તા. ૧૬-૯ના રોજ અમદાવાદ ખાતે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને આવાસ યોજનાના ખાત મુહૂર્તો, લોકાર્પણના કાર્યક્રમમાં શહેરીજનોને અમદાવાદ ખાતે લઇ જવા માટે કલેકટર તરફથી ત્રણ બસો ફાળવવામાં આવી હતી જેમાં શહેરીજનોને લઇ જવા દરમ્યાન ચા-નાસ્તો, પાણી, જમવાની તથા અન્ય આનુસંગીક ખર્ચ કરવા માટે પ્રમુખે રૂા. ૯૦ હજારનો ખર્ચ મંજુર કર્યો હતો જે બહાલ રાખવા બાબતે નિર્ણય થશે ઉપરાંત શહેર માંથી ડુક્કરો પકડવા માટે વાર્ષિક ખર્ચ રૂા. ૧,૦૦,૦૦૦ મંજૂર કરવા બાબતે નિર્ણય થશે.સાંસદ ની ગ્રાન્ટ માંથી શહેર માં આર.સી.સી. બાકડા નાખવા માટે રૂા. ૫,૦૦,૦૦૦ નો ખર્ચ કરવામાં આવશે તે અંગે ખર્ચ મંજૂર કરાવવા બાબતે નિર્ણય થશે.ઉપરાંત નગરપાલિકા હસ્તકના ચોપાટી પાર્ટી પ્લોટ,ઓશીયોનીક ગ્રાઉન્ડ,ચોપાટી પાર્કિંગ ગ્રાઉંડ સહિતના ખુલ્લા પ્લોટ, ગ્રાઉન્ડ, જગ્યાઓના ભાડા માં વધારો કરવા દરખાસ્ત કરવામાં આવશે.
આવાસ યોજના પાસે સોલાર પ્લાન્ટ ઉભો કરાશે
બોખીરા આવાસ યોજના પાસે નગરપાલિકાની માલિકીની પડતર જમીન આવેલી છે. જ્યાં અવારનવાર લોકો દ્વારા પેશકદમી કરવામાં આવે છે જેથી પાલિકાએ વારંવાર પેશકદમી દૂર કરવાની કાર્યવાહી કરવી પડે છે. જેથી આ જમીનનો સદુપયોગ થાય તે હેતુથી તેમજ નગરપાલિકાને કુદરતી રીતે વીજળી મળી રહે અને આર્થિક ફાયદો થાય તે હેતુ હતી આ જમીન ઉપર સરકારની યોજનાકીય ગ્રાન્ટમાં સમાવેશ કરીને સોલાર પ્લાન્ટ ઉભો કરવાનો પ્રોજેકટ હાથ ધરવા માટે નિર્ણય
થશે.
રૂ।.૧૭.૬૬ કરોડની ગ્રાન્ટ મળતા વેસ્ટ પ્લાન્ટ નું નિર્માણ થશે
સ્વચ્છ ભારત મિશન ૨.૦ અંતર્ગત ડ્રાય વેસ્ટ પ્લાન્ટ તેમજ વેટ વેસ્ટ પ્લાન્ટ બનાવવા માટે રૂા. ૩.૫૬ કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી પરંતુ આ બાબતે વર્ગ -એ તથા બી ની નગરપાલિકાઓ માટે આજુબાજુના પાંચ કિ.મી.ની ત્રિજ્યામાં આવતા વિસ્તારનો સમાવેશ કરી ડ્રાય વેસ્ટ તેમજ વેટ વેસ્ટના નિકાલ માટે કુલ રૂા. ૧૪.૧૦ કરોડનો રીવાઇઝડ(વધારાની) ગ્રાન્ટ મળી કુલ રૂ।.૧૭.૬૬ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ બાબતે ડી.પી.આર. મુજબની કામગીરી તથા ગ્રાન્ટની શરતો ને હુકમને આધીન કામો કરાવવા બાબતે નિર્ણય થશે.
રખડતા ઢોરના નિયંત્રણ અંગેની ગ્રાન્ટનો લેવાશે નિર્ણય
ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રખડતા ઢોરના નિયંત્રણ અંગેની ગ્રાન્ટ રૂા. ૪૦ લાખ ફાળવવામાં આવી છે જે બાબતે હુકમની શરતોને આધિન ગ્રાન્ટ અન્વયે ખર્ચ કરવા બાબતે નિર્ણય થશે.
માણેકચોકના ઐતિહાસિક તાકના સમારકામ અને જાળવણી માટે ઠરાવ
ઇન્ડીયન નેશન ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજની રજૂઆત અન્વયે માણેકચોક વિસ્તારમાં આવેલ જુનવાણી દરવાજાવાળા ઉપરના તાકના ભાગના સમારકામ અને શહેરી નાગરિકોને લક્ષી સાંસ્કૃતિક કલા કામગીરી, વ્યાખ્યાનો, ટ્રેનિંગ અને ઐતિહાસિક પ્રવૃત્તિઓ માટે વાપરવા દેવાની મંજૂરી માગી છે. તેમજ આ બિલ્ડીંગના સમારકામની કામગીરી યોગદાન મેળવીને તેઓના ખર્ચે કરવા સંમતિ આપેલ હોવાથી તાકોની જાળવણી માટે સોંપવા માટે નિર્ણય લેવાશે.
ચોપાટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન તરીકે જાહેર કરવામાં આવશે
ચોપાટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન કરવા માટે ચોપાટીથી ૧૦૦ મીટરમાં આવેલ લારી ગલ્લાઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક તથા પ્લાસ્ટીકની બોટલો, પ્લાસ્ટીક પેકીંગમાં આવતી ખાદ્ય સામગ્રીઓ, પાન મસાલાની વસ્તુઓ વગેરે વસ્તુઓના ઉપર પ્રતિબંધ મુકવા અને તે અંગેનુ જાહેરનામુ બહાર પાડવા વગેરે બાબતની કાર્યવાહી કરવા નિર્ણય થશે.