પોરબંદરના વિસાવાડા ગામે યુવાનનું અપહરણ કરી ધોકા પાઈપ વડે ત્રણ શખ્સો તૂટી પડ્યા હતા, ફળિયામાં આવવાની ના પાડતા તેનું મનદુઃખ રાખીને આ બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.બન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના વિસાવાડા ગામે ચામુંડા માતાજીના મંદિર પાછળ રહેતા પુતીબેન સાજણ કેશવાલા (ઉવ ૫૦)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેના પતિ સાજણભાઈ જેસાભાઈ કેશવાલા પોલીસ કર્મચારી હતા અને સાતેક વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા,આથી પુતીબેન તેના દિકરા અનિલ ઉર્ફે ખોડા સાથે રહે છે અને તેનો પુત્ર અનિલ તેના મિત્ર નિમેષ કેશવાલાના ઘરે ગયો હતો ત્યારે કોઈએ ઘરનો દરવાજો નહી ખોલતા એ દરમિયાન નિમેષની બાજુમાં રહેતો કરશન કેશવાલા ત્યાં આવ્યો હતો અને અનિલ ઉર્ફે ખોડાને કહ્યું હતું કે,”તું અમારા ફળિયામાં શું કામ આવ્યો?”,કહેતા અનિલે તેને “ફળિયું તારા બાપનું છે” કહ્યું હતું,આથી કરશને તેને ગાળો દીધી હતી,તેથી અનિલ ઘરે આવ્યો હતો અને માતા પુતીબેનને બનાવની વાત કરી હતી.
ત્યારબાદ અનિલ ઉપરના માળે આવેલા રૂમમાં ટી.વી.જોતો હતો, ત્યારે રાત્રીના દસેક વાગ્યે કરશન કેશવાલા, તેનો દિકરો ભના ઉર્ફે ગીરનારી તેમજ ચોલીયાણા ગામે રહેતો કરશનનો જમાઈ લાકડાના ધોકા અને પાઈપ લઈને આવ્યા હતા અને દરવાજાને જોરથી ધક્કો મારી ફળિયામાં ઘુસીને “તારો દિકરો અનિલ ઉર્ફે ખોડો ક્યાં છે?તેમ કહેતા પુતીબેને તેનો પુત્ર ઉપર રૂમમાં હોવાનું જણાવતા ત્રણે ઉપર પહોચ્યા હતા અને અનિલને માર મારતા-મારતા બહાર લાવ્યા હતા તથા બુલેટ બાઈકમાં બેસાડીને ક્યાંક લઇ ગયા હતા.
થોડીવાર પછી ખોડિયાર માતાજીના મંદિરના પુજારી લખનબાપુનો પુતીબેનને ફોન આવ્યો હતો કે તમારો દિકરો અનિલ કરશનભાઈના ઘર સામે લોહીલુહાણ હાલતમાં પડ્યો છે અને ૧૦૮ ને ફોન કર્યો છે,જેથી પુતીબેને ગોરાણા ગામે રહેતા તેના ભાઈ રમેશભાઈ અરભમભાઈ ગોરાણીયાને ફોન કરીને બોલાવ્યા હતા
તે દરમિયાન અનિલને ૧૦૮ માં પોરબંદરની સિવિલ હોસ્પીટલે પહોચાડી દેવાયો હતો અને ત્યાં અનિલે માતા પુતીબેનને કહ્યું હતું કે,કરશન તેના પુત્ર ભના અને જમાઈએ કરશનના ઘર પાસે ફરીવાર માર માર્યો છે. ઈજાગ્રસ્ત અનિલને ગંભીર ઈજા થઇ હોવાથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો છે. અને ત્યાં તેના હાથ અને પગનું ઓપરેશન કરાવ્યું છે.
ઈજાગ્રસ્ત અનીલ સામે પણ અગાઉ પ્રોહીબીશન ,મારામારી સહિતના ગુન્હા નોંધાયેલા હોવાનું જાણવા મળે છે બીજી તરફ કરશનભાઈ માલદેભાઈ ઓડેદરા એ અનીલ ઉર્ફે ખોડા સામે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે અનિલે નીલેશ માંડણભાઈ કેશવાલા ના ઘર ની ડેલી માં લોખંડ નો પાઈપ મારતો હતો આથી કરશનભાઇ એ તેમ કરવાની ના પાડતા અનિલે તેઓને જેમ ફાવે તેમ ગાળો કાઢી જમણા પગ માં પાઈપ ના બે ઘા તથા ડાબા પગ માં એક ઘા મારી મૂઢ ઈજાઓ કરી હતી પોલીસે બન્ને પક્ષે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે