Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરની યુવતીને યુકેમાં નર્સિંગ નું કામ અપાવવાના બહાને 28 લાખની છેતરપિંડી:યુકે રહેતા દંપતી સહીત ૪ સામે પોલીસ ફરિયાદ

પોરબંદરની યુવતીને યુકે ખાતે નર્સિંગ નું વર્ક અપાવવાના બહાને 28 લાખ 20 હજાર રૂપિયાની છેતરપિંડી કરવામાં આવતા યુકે રહેતા દંપતી સહીત ૪ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મૂળ કુતિયાણા તથા હાલ પોરબંદરના શીતલ કોમ્પલેક્ષમાં રહેતી મિતલ ભીમાભાઇ ભુતીયા(ઉવ ૨૩)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેણે વર્ષ 2021 માં પોરબંદરમાં જનરલ નર્સિંગ કોલેજમાં નર્સિંગ નો કોર્સ કર્યો છે. અને પાંચેક વર્ષ પહેલા કોર્ષ કરવા માટે પ્રવેશ મેળવ્યો ત્યારે એ સમયે સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં પ્રેક્ટીકલ કામ કરવા માટે જતી હતી. ત્યારે લેબ ટેક્નિશિયન તરીકે કામ કરતા રાણાવાવના અજય દિલીપ ચાવડા સાથે ઓળખાણ થઈ હતી અને અજય ત્યારે યુકે જતો રહ્યો હતો. ત્યારબાદ મિતલ તેના સંપર્કમાં હતી અને અજયને વાતચીત દરમિયાન યુકે નર્સિંગ ની નોકરી માટે જવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું એ દરમિયાન પોરબંદરમાં અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ નો અનુભવ પણ મિતલે મેળવ્યો હતો.

વર્ષ 2024માં મિતલે અજયને યુકે જવા માટે નર્સિંગની વર્ક વિઝા માટે એજન્ટ ધ્યાનમાં હોય તો જણાવવાનું કહેતા દિગ્મિતા  પટેલ કે જે યુકેમાં અજયની પાસે  જ રહે છે અને કેર હોમમાં કેરટેકર તરીકે જોબ કરે છે તેના સાથે વાત કરીને જાણ કરીશ તેમ કહ્યું હતું. અજયે તેઓના નંબર આપતા મુકેશ વીરદાસ પટેલ કે જે કાકાશિયા ગામે રહે છે અને તેની પુત્રી દિગ્મીતા પટેલ કે જે યુકે રહે છે એ પિતા પુત્રી લોકોને વિદેશ લઇ જવા માટે કામ કરે છે તેમ કહ્યું હતું આથી મીતલે મુકેશભાઈ પટેલને ફોન કર્યો હતો ત્યારે તેણે એવું જણાવ્યું હતું કે તેઓ લુણાવાડા પાસે ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે અને સાથે વિદેશ લઈ જવા માટે કામ પણ કરે છે તમારે યુકે જવું હોય તો વિઝા કરાવી આપીશ મારી દીકરી દિગ્મીતા અને જમાઈ ધર્મેશ પટેલ પણ યુકે રહે છે તેમ કહીને વિશ્વાસમાં લીધી હતી.

મિતલ એ ખર્ચ અંગે પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે 27 લાખ રૂપિયા એજન્ટ તરીકે તથા  એક લાખ વીસ હજાર વિઝા ફી વગેરે લાગશે તેમ જણાવ્યું હતું અને તેના ડોક્યુમેન્ટ પણ મિતલે  મોકલી આપ્યા હતા. અને ત્યારબાદ કટકે કટકે રૂપિયા પણ આપી દીધા હતા. તથા તે અંગે સ્પોન્સર જોબ લેટર માટે ડીટેલ માંગતા પાસપોર્ટ સહિત વિગતો આપી હતી. ત્યારબાદ મિતલ તેના પતિ સામત સાથે અમદાવાદ ગઈ હતી અને પોતાના ડોક્યુમેન્ટ સ્કેન કરાવી બાયોમેટ્રિકની પ્રોસેસ કરાવી 1,20,000 ની વિઝા ફી ની રિસિપ્ટ પણ મેળવી હતી તથા અસલ પાસપોર્ટ ત્યાં જમા કરાવ્યો હતો.

ત્યારબાદ દિગ્મીતા તેનો પતિ ધર્મેશ અને પિતા મુકેશભાઈ સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે હવે ચિંતા કરતા નહીં તમારું વર્ક વિઝાનું સબમીશન થઈ ગયું છે અને ટૂંક સમયમાં થઈ જશે અને તમારું કામ નહીં થાય તો પૈસા પરત આપી દેશું તેવો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ ફરિયાદીને તેનો પાસપોર્ટ કુરિયર મારફતે મળ્યો હતો પરંતુ તેમાં કોઈ વિઝા સ્ટેમ્પ લાગેલા ન હતા તેથી તેઓએ મુકેશભાઈ ને ફોન કરીને પૂછતા યુકે ગવર્મેન્ટ નો એક રેફયુઝર લેટર મોકલ્યો હતો જેમાં એક જ નોકરી માટે બે સ્પોન્સર લેટર મોકલેલ હોવાથી વિઝા નહીં મળવા પાત્ર છે તેમ જણાવ્યું હતું. આથી મિતલ એ અન્ય વર્ક વિઝાનું કામ કરતા એજન્ટોને પૂછતા એવું જાણવા મળ્યું હતું કે દિગ્મીતાએ મોકલેલ સ્પોન્સર લેટર બોગસ છે અને તેના કારણે જ વર્ક વિઝા મળ્યા નથી.

વર્ક વિઝા કેન્સલ થયાની .મિત્તલે અજય ચાવડાને વાત કરતા યુકેમાં વકીલ દ્વારા તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે ડોક્યુમેન્ટ સાચા હતા પરંતુ દિગ્મિતા તેના પતિ ધર્મેશ પટેલ અને મુકેશ પટેલ તરફથી યુકે વિઝા અને ઇમિગ્રેશન માટે રજૂ કરેલા સ્પોન્સર લેટરો બોગસ હોવાને કારણે વિઝા મળ્યા નથી અને યુકે ગવર્મેન્ટ તરફથી દસ વર્ષ સુધી યુકે જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આથી યુકેની કંપનીમાં તપાસ કરતા કંપનીએ પણ એવું જણાવ્યું હતું કે મિતલ ભૂતિયા નામની કોઈ વ્યક્તિના સ્પોન્સર લેટર ઇસ્યુ કર્યા નથી આથી છેતરપિંડી થયાની જાણ થતા મિતલ એ વારંવાર મુકેશ પટેલ સહિતના અને પૈસા પરત આપવા માંગ કરી હતી પરંતુ પૈસા આપવાને બદલે ગાળો આપીને હત્યાની ધમકી આપવામાં આવતી હતી.

એ દરમિયાન યુકેના કોઈ પીન્કેશ પટેલ નામના માણસે યુકે ના મોબાઈલ પરથી મિતલના પતિને ફોન કરીને હું ભારતમાં મોટો ગુંડો હતો અને હાલ યુકે રહું છું તેમ કહી પૈસા તો આપવા જ નથી જો હવે પૈસાની માગણી કરશો તો પોરબંદર શહેરમાંથી ઉઠાવડાવીને મરાવી  નાખશું તેવી ધમકી આપી હતી આમ 27 લાખ રૂપિયા મુકેશ પટેલ અને દિગ્મીતા તથા તેના પતિ ધર્મેશ એ પડાવી લીધા ના તથા અમદાવાદ વીએફએસ ગ્લોબલ સર્વિસ ખાતે વિઝા ફી પેટે 1,20,000 જેટલી રકમ જમા કરાવડાવી બોગસ લેટર તૈયાર કરીને છેતરપિંડી કરતા અંતે મિતલે મુકેશ વીરદાસ પટેલ નામના કાકાશિયાના ઈસમ ઉપરાંત યુકે રહેતી દિગ્મીતા ધર્મેશ પટેલ તેનો પતિ ધર્મેશ પટેલ અને ફોન કરનાર પિંકેશ પટેલ વગેરે તમામ સામે ગુનો નોંધાવ્યો છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે