પોરબંદર જિલ્લામાં આજ થી નવલા નોરતા ની શરુઆત થશે. અને ૨૫૯ સ્થળો એ પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ નું આયોજન કરાયું છે. પોલીસ અને તંત્ર દ્વારા પણ નવરાત્રી ને લઇ ને સુરક્ષા અને સારવાર સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
પોરબંદર માં આજ થી નવરાત્રી નું પાવન પર્વ શરુ થતા ૨૫૯ સ્થળો એ પ્રાચીન અર્વાચીન રાસોત્સવ નું આયોજન કરાયું છે. જેમાં ચોપાટી મેદાન ખાતે ખારવા સમાજ, મહેર સમાજ ઉપરાંત લિયો પાયોનીયર રાસોત્સવ યોજાયો છે. ઓશિયાનીક મેદાન ખાતે કોળી સમાજ દ્વારા નવરાત્રી નું આયોજન કરાયું છે. જયારે ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે રુમઝુમ રાસોત્સ્વ નું આયોજન કરાયું છે. જીલ્લા માં ૨૦૧ નાની ગરબી,૪૯ મોટી ગરબી અને ૯ પાર્ટી પ્લોટ ખાતે રાસગરબા નું આયોજન કરાયું છે.
લોહાણા મિત્ર મંડળ દ્વારા જ્ઞાતિજનો માટે ભદ્રકાળી રોડ પર આવેલ લોહાણા મહાજનવાડી ખાતે વૃંદાવન રાસોત્સવ નું આયોજન કરાયું છે. એ સિવાય ઠક્કર પ્લોટ ખાતે મોમાઈ ગરબી મંડળ,શીતલા ચોક ખાતે ગરબી મંડળ,વાડી પ્લોટ ખાતે સહીત અનેક જગ્યા એ પ્રાચીન ગરબી નું પણ આયોજન કરાયું છે. ઉપરાંત અનેક વિસ્તાર માં શેરી ગરબા ના માધ્યમ થી માં જગદંબા ની આરાધના કરવામાં આવશે. એ સિવાય ગ્રામ્ય પંથક માં બખરલા ગામે પણ ગામ સમસ્ત દ્વારા રાસોત્સવ નું આયોજન કરાયું છે. જ્યાં આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના લોકો પણ રાસગરબા ની રમઝટ બોલાવશે. રાણાવાવ અને કુતિયાણા શહેર ઉપરાંત વિવિધ ગ્રામ્ય વિસ્તારો માં પણ અનેક સ્થળો એ રાસગરબા નું આયોજન કરાયું છે.
પાર્ટી પ્લોટો ખાતે મેડીકલ સુવિધા ,સીસીટીવી ની વ્યવસ્થા
છેલ્લા કેટલાક સમયથી યુવાનોને હૃદય રોગનો હુમલો અને હૃદય સંબંધી બીમારીના કિસ્સાઓ જોવા મળ્યા છે. ગરબી દરમિયાન ગરબીના સ્થળે યુવાનોને ઇમર્જન્સીમાં સારવાર મળી રહે તે માટે તેમજ સિવિલ હોસ્પિટલમાં પણ આ અંગે આગોતરી વ્યવસ્થા કરાઈ છે.વિવિધ સ્થળો એ આયોજકો દ્વારા પણ મેડિકલ ટીમ તૈયાર રાખવામાં આવી છે.આયોજકોએ પાર્કિંગ, એન્ટ્રી પોઇન્ટ- એક્ઝિટ પોઇન્ટ તેમજ સીસીટીવી કેમેરા અને આગ જેવી ઘટના ન બને તે માટે ફાયર સેફટી ની વ્યવસ્થા પણ કરાઈ છે
મહિલા પોલીસ દ્વારા સાદા ડ્રેસ માં બંદોબસ્ત
એસપી ભગીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગરબીના સ્થળે મહિલાઓની છેડતી ન થાય તે માટે વિશેષ બંદોબસ્ત રાખવામાં આવશે. રોમિયોગીરી સામે કડક કાર્યવાહી કરવા મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં વોચ રાખશે. જો કોઇ વ્યક્તિ દારૂ પીધેલ જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત મહત્વ ના સ્થળો એ બ્રેથ એનેલાઇઝર સાથે પોલીસ તૈનાત રહીશે અને શંકાસ્પદ લોકો ની તપાસ કરશે લોકો શાંતિથી શક્તિની આરાધના કરી શકે અને તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પેટ્રોલિંગ અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવશે