પોરબંદરમાં આગામી રવિવારે જીપીએસસીની પરીક્ષા યોજાશે. જેમાં શહેરમાં 11 પરીક્ષા કેન્દ્ર ખાતે 2459 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.તંત્ર એ પરીક્ષાને લઇ ને તૈયારીઓ પૂર્ણ કરી છે.
પોરબંદર ખાતે આગામી તા. 16 ઓક્ટોમ્બર ને રવિવારે સવારે 11 થી 1 દરમ્યાન જીપીએસસી ની નાયબ સેક્શન અધિકારી વર્ગ 3ની લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષા વ્યવસ્થા માટે તાજેતરમાં કલેકટર કચેરી ખાતે મિટિંગનું આયોજન કરાયું હતું. પરીક્ષા અંગે જરૂરી તમામ સ્ટાફની નિમણુંક કરવામાં આવી છે. દરેક બ્લોક સીસીટીવીથી સજજ કરવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસ બંદોબસ્ત તથા ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. પરીક્ષાર્થીઓએ પરીક્ષા સમયના અડધી કલાક વહેલા આવી જવા તેમજ હોલ ટિકિટ અને આધારપ્રૂફ સાથે લાવવા સુચના અપાઈ છે.
શહેરમાં 11 પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા યોજાશે. જેમાં કુલ 103 બ્લોક માં 2459 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષા કેન્દ્રોની આજુ બાજુના ૧૦૦ મીટરના ઘેરાવામાં પરીક્ષા દરમિયાન કોઈ પણ અનઅધિકૃત વ્યકિતઓએ એકત્રિત થવા પર કે હથિયાર, સરઘસો કાઢવા પર, સૂત્રો પોકારવા, પર કે લાઉડ સ્પીકર વગાડવા પર તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આજુ બાજુના ૨૦૦ મીટરના ધેરાવામાં અને પરીક્ષા સમયના એક કલાક પહેલાથી પરીક્ષા સમય દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે