પોરબંદર તાલુકાના ૧૫ ગામના ૪૩૪ કુટુંબોને ૨૧.૫૦ લાખની ઘરવખરી સહાય ચૂકવાઇ છે.ભારે વરસાદ ના કારણે થયેલ નુકશાન અંગે સર્વે બાદ સહાય ચુકવવાની કામગીરી હાથ ધરાઈ છે.
પોરબંદર તાલુકાના ૧૫ ગામના ૪૩૪ કુટુંબોને ૨૧.૫૦ લાખની ઘરવખરી સહાય ચૂકવાઇ છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારીની ટીમે સર્વેની કામગીરી કરી જરૂરીયાત મંદ પરિવારોને સરકારની સહાયનો લાભ આપ્યો છે.
પોરબંદર જિલ્લામાં જુલાઈ માસ અને ઓગસ્ટ માસ દરમિયાન વરસાદ પડ્યો હતો. જિલ્લામાં પડેલ વરસાદના કારણે મોટાભાગના ગ્રામ્ય પંથકમાં લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા હતા, અને આશ્રય સ્થાનમાં અસરગ્રસ્તોનું સ્થળાંતર કરી ભોજન તથા આરોગ્યની તકેદારી લેવામાં આવી હતી. ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ તેઓ માટે ભોજન અને આરોગ્ય સહિતની સુવિધાઓ પૂરી પાડવા સૂચના આપી હતી. અને વરસાદે વિરામ લીધો હતો, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરીયાત મંદ પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે ઘરની ઘરવખરી પાણીમાં પલળી જતા તેઓને થયેલ નુકસાનીની સહાય આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેથી જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠકકર અને તાલુકા વિકાસ અધિકારી આર પી મકવાણાની ટીમ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. પોરબંદર તાલુકામાં અસરગ્રસ્ત ગામોમાં સર્વે કરાયો હતો. ૧૫ જેટલા ગામોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે સર્વે કરી ૪૩૪ કુટુંબોને સહાય ચૂકવવામાં આવી છે. વર્ષાઋતુ ૨૦૨૪ અંતર્ગત પોરબંદર તાલુકાના ૧૫ ગામોમાં ઘરવખરીની ૨૧.૫૦ લાખ રૂપિયાની સહાયનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું.
કયા ગામોમાં કેટલા કુટુંબોને સહાયનું ચૂકવણું કરાયું
પોરબંદર તાલુકામાં સિકાસામાં ૨, મૂળ માધવપુરમાં ૩, કોલીખડામાં ૨૮, બોરીચામાં ૧૪, કુછડીમાં ૭૯, દેગામમાં ૭૫, રાતડીમાં ૪૯, મજીવાણામાં ૬, મોરાણામાં ૩૭, ગરેજમાં ૩૪, કેશોદ લૂશાળામાં ૩૬, એરડામાં ૩૩, ટુકડા ગોસામાં ૧૬, અને મિત્રાળામાં ૧૬ સહિત જિલ્લામાં ૪૩૪ કુટુંબોને ઘરવખરી સહાયનું ચૂકવણું કરાયું છે.
પોરબંદર જિલ્લામાં તાજેતરમાં પડેલ અતિ ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી જવાથી ઘરની ઘરવખરી પાણીમાં પલળી ગઈ હતી. જેના કારણે લોકોને નુકસાન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને સહાય ચૂકવવામાં આવી છે. જરૂરિયાતમંદ પરિવારોને લાભ મળતા તેઓમાં આનંદની લાગણી પ્રસરી છે. આ અંગે પોરબંદર તાલુકાના ગોસાબારા ગામના લાભાર્થી પુનાભાઈ સુમારે સરકારનો આભાર વ્યક્ત કરતો તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અતિ ભારે વરસાદ પડ્યો હોવાથી ઘરમાં પાણી ઘૂસી જવાના કારણે અમારું સ્થળાંતર કર્યું હતું. અને પાણી ઓસરિયા બાદ અમે પરત ઘરે આવ્યા તો પાણી ઘરમાં ઘૂસી જવાથી ઘરની ઘરવખરી પાણીમાં પલાળી ગઈ હતી અને મોટું નુકસાન થયું હતું. સરકારે સર્વે કરી અમને પાંચ-પાંચ હજાર રૂપિયાની સહાય કરી હોવાથી અમે ફરીથી ઘરની ઘરવખરીની ખરીદી કરી છે જેથી સરકારનો આભાર લાભાર્થે એ વ્યક્ત કર્યો હતો.
પોરબંદર જિલ્લામાં તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુશી જવાથી ઘરની ઘરવખરીને થયેલ નુકસાનીની સહાય સરકારે ચૂકવી હોવાથી જરૂરીયાત મંદ પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ અંગે ઓડદર ગામના લાભાર્થી જયાબેન મૂળજીભાઈ સાંચિયાએ સરકારનો આભાર વ્યક્ત કરતા તેમનો પ્રતિભાવ આવ્યો હતો અને જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલ વરસાદ અને ઉપરવાસના વિસ્તારોના ડેમો માંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. પાંચ દિવસ સુધી સગા વહાલાના ઘરે સ્થળાંતર કરી ત્યાં રહ્યા હતા. સરપંચ અને તલાટી મંત્રીની સૂચનાથી પાણી ઓસર્યા બાદ પરત ઘરે આવ્યા હતા. ઘરે જોયું તો ઘરની તમામ ઘરવખરી પાણીમાં પલળી ગઈ હતી. અનાજ અને ખોરાકમાં ઉપયોગમાં તમામ ઘરવખરી પલળી જતા તેમનો નિકાલ કર્યો હતો. આવી કપરી પરિસ્થિતિમાં સરકારે અમોને પાંચ હજાર રૂપિયાની સહાય આપી છે. અમારો જીવન નિર્વાહ ચલાવવા માટે આ પાંચ હજાર રૂપિયાની રકમ અમને ખૂબ જ મદદરૂપ થઈ છે. વિકટ પરિસ્થિતિમાં સરકાર અમારી વ્હારે આવી હોવાથી અમો વહીવટી તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.