વડાપ્રધાન મોદી ના “જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ”અંતર્ગત ભારત ની મુલાકાતે આવેલા પોલેન્ડના ૨૦ જેટલા યુવક-યુવતીઓએ પોરબંદર ખાતે ગાંધીજી ના જન્મસ્થળ ની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21-22 ઓગસ્ટ-24 ના રોજ પોલેન્ડની મુલાકાત દરમિયાન “જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ” નામની એક નવી પહેલની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે પોલેન્ડના 20 યુવા-યુવતીઓ તા 19 થી 27 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા છે. યુવાઓ એ આજે જામનગર ની મુલાકાત બાદ બપોર પછી ગાંધીભૂમિ પોરબંદર ખાતે આવ્યા હતા અને અહી પુ બાપુ ને શ્રધાસુમન અર્પણ કર્યા હતા.
કિર્તીમંદિર સંચાલન સમિતિ દ્વારા તેઓનું સ્વાગત કરાયું હતું ત્યાર બાદ તેઓએ ગાંધીજી ના ઘર માં સમય ગાળ્યો હતો. અને તમામ ઓરડાઓ ની મુલાકાત લઇ માહિતી મેળવી હતી અને અહી ની સ્વચ્છતા થી તેઓ પ્રભાવિત થયા હતા. અને અહી આવી પરમ શાંતિ નો અનુભવ થયો હોવાનું તેઓએ જણાવ્યું હતું. ત્યાર બાદ તેઓએ મ્યુઝીયમ ની પણ મુલાકાત લીધી હતી. સમગ્ર વિશ્વ ને અહિંસા અને શાંતિ નો સંદેશ આપનાર પુ બાપુ આજે પણ અહી સાક્ષાત હોય તેવી અનુભૂતિ થતી હોવાનું તેઓએ જણાવ્યું હતું. અને આ મુલાકાત સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપશે. અને બંને દેશો વચ્ચે લોકોના આદાનપ્રદાનને વધારશે. તેવું પણ જણાવ્યું હતું. કિર્તીમંદિર ની મુલાકાત બાદ યુવાઓ સાસણ તરફ રવાના થયા હતા. અને ત્યાંથી દીવ જશે તેવું જાણવા મળે છે.


