Tuesday, September 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં વ્યાજખોરો ના ત્રાસ મામલે વધુ ૨ શખ્સો ની ધરપકડ

પોરબંદરમાં વ્યાજખોરોએ 15 લાખ રૂપિયાના ચક્રવૃદ્ધિ વ્યાજ પેટે એક કરોડ 45 લાખ રૂપિયા પડાવી લીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી એક પરિવારને ગામ મુકાવ્યું હતું. અને બળજબરીથી મકાનનો કબજો પણ લઈ લેવાતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે મામલે પોલીસે વધુ ૨ વ્યાજખોરો ની ધરપકડ કરી છે.

પોરબંદરની માધવાણી કોલેજ સામે ધનલક્ષ્મી રોડ પર રોયલ આર્કેડ પાસે રહેતા હર્ષાબેન કિશોર વારા નામના 40 વર્ષના મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના પતિ કિશોર ત્રીકમભાઈ વારા કન્સ્ટ્રક્શનનું કામ કરે છે અને બાર વર્ષ પહેલાં પતિને પૈસાની જરૂરિયાત પડતા પોરબંદરના કડિયા પ્લોટ માં રહેતા બાલુભા પોપટભા સોલંકી પાસેથી પૈસા વ્યાજે લીધા હતા. અને એ રકમ તથા વ્યાજની રકમ ચૂકવી દીધી હતી ત્યારબાદ ફરી જરૂર પડતા 20 લાખ રૂપિયા જેવી રકમ 3% વ્યાજે લીધી હતી જે પૈકી પાંચ લાખ વ્યાજ સહિત પરત આપ્યા હતા ત્યારબાદ 15 લાખ જેટલી રકમ અને તેનું વ્યાજ આપવાનું હતું. જેથી કિશોરે વર્ષ 2023 સુધીમાં બાલુભા સોલંકીને કટકે કટકે ૧૫ લાખના વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત એક કરોડ ૪૧ લાખ રૂપિયા જેવી રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં બાલુભા કિશોર પાસે અવારનવાર વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણી એક કરોડ જેટલી રકમ આપવાનું કહેતો હતો તથા ફોન કરીને તથા ઘરે આવીને ગાળો દઈ મારી નાખવાની ધમકી આપતો હતો.

આથી તેને રકમ ચૂકવવા માટે પાંચ વર્ષ પહેલા પોરબંદરની માધવાણી કોલેજ સામે પરેશ નગરમાં રહેતા દેવા ગરેજા પાસે 20 લાખ રૂપિયા જેવી રકમ 3% વ્યાજે તથા બોખીરા ના ભોજા ગોઢાણીયા પાસે 30 લાખ જેવી રકમ પાંચ ટકા વ્યાજે લીધી હતી તે ઉપરાંત સંબંધી કમલેશ ભગવાનજી ભરડવા અને યોગેશ ભગવાનજી ભરડવા તથા વિશાલ વલ્લભભાઈ ભરડવા પાસેથી પચાસેક લાખ રૂપિયા ભેગા કરીને આપ્યા હતા.
આમ છતાં આ ઈસમો ફરિયાદીના પતિ પાસે અવારનવાર રકમ અને ઊંચા વ્યાજની માગણી કરી પઠાણી ઉઘરાણી કરી અને ધાકધમકી આપતા હતા આથી આ લોકોના ત્રાસને કારણે કિશોરભાઈ ત્રીકમભાઈ વાળાએ જુલાઈ 2023 માં ઝેરી દવા પણ પીધી હતી.તેમ છતાં બાલુભા પોપટ સોલંકી, દેવા ગરેજા, ભોજા ગોઢાણીયા વગેરે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હતા અને હજુ પણ એ રીતે ઉઘરાણી કરવામાં આવી રહી છે.

એકાદ વર્ષ પહેલા કિશોરના મિત્ર જયપાલસિંહ જાડેજા ઘરે આવ્યા હતા આથી અગાઉ તેની પાસેથી વ્યાજે રકમ લીધી હતી તે પાછી આપી દીધી હોવાથી જયપાલસિંહ ને પૈસાની વાત કરતા 6 લાખ રૂપિયા જેવી રકમ પાંચ ટકા વ્યાજે આપી હતી ત્યાર પછી એ પણ પૈસાની ઉઘરાણી કરતો હતો. એક મહિના પહેલા જયપાલસિંહ જાડેજા અને તેનો ભત્રીજો યશપાલસિંહ જાડેજા બંને મહિલાના ઘરે આવ્યા હતા અને વાત કરી હતી કે પતિને 6 લાખ રૂપિયા આપ્યા છે હજુ સુધી વ્યાજ સહિત ચુકવેલ નથી તેથી તમારું મકાન ખાલી કરી અને અમોને ચાવી સોંપી દો આથી ફરિયાદીએ કહ્યું હતું કે તેના પતિ છેલ્લા બે મહિનાથી કન્સ્ટ્રક્શનના કામથી બહાર ગયા છે અને તેની સાથે તમારે જે કાંઈ લેતી દેતી હોય તો તેની સાથે વાત કરજો તેમ કહેતા જયપાલસિંહ ઉછેરાઈ ગયો હતો અને ગાળો દઈને બોલવા લાગ્યો હતો અને કહ્યું હતું કે કિશોર ને કહેજો મારા રૂપિયા વ્યાજ સહિત આપી દે અને જો પૈસા ના હોય તો મકાન ખાલી કરી દે હું એક મહિના પછી આવીશ કાં તો મારા પૈસા અથવા મકાન ખાલી કરી દેજો નહિતર કિશોરને જીવતો રહેવા નહીં દઉં તેમ ધમકી આપીને જતો રહ્યો હતો આથી આ બાબતે પતિને ફોન પર વાત પણ કરી હતી આથી આ બધા લોકોના ત્રાસને કારણે ત્રણ મહિના પહેલા મહિલાના પતિ કિશોર પોરબંદર શહેર છોડીને ગામ મૂકીને બહાર જતા રહ્યા હતા અને ત્યારથી આ મહિલા તેના પુત્ર સાથે એકલી રહેતી હતી.

દરમિયાનમાં પહેલી ઓગસ્ટે હર્ષાબેન અને તેનો 17 વર્ષનો દીકરો પુનિત બંને ઘરે હતા ત્યારે બપોરે 12 વાગ્યે જયપાલસિંહ જાડેજા તથા તેની પત્ની અને ભત્રીજો યશપાલસિંહ વગેરે ઉપરના રૂમમાં મા દીકરો હતા ત્યાં પહોંચી ગયા હતા. આથી હર્ષા બેને એવું કહ્યું હતું કે “કેમ આ રીતે અમારા ઘરની અંદર આવી ગયા છો?” તેમ પૂછતા જયપાલસિંહ અને તેના ભત્રીજાએ ઉંચા આવા જે કહ્યું હતું કે “એક મહિનો પૂરો થઈ ગયો છે હજુ સુધી તમે કે તમારા પતિએ વ્યાજે લીધેલ રૂપિયા છ લાખ તથા તેની પાંચ ટકા વ્યાજની રકમ પરત આપી નથી એટલે તમારે આ મકાન અમને સોંપવું પડશે તમે મકાનની બહાર નીકળી જાવ” મહિલા તેના પુત્ર સાથે એકલી જ રહેતી હતી અને અગાઉ પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી તેથી બીક લાગતા તેની સામે કશું બોલી શકી ન હતી અને જરૂરી સામાન બેગમાં પેક કરી પહેરેલે કપડે વર્ષાબેન અને તેનો દીકરો પુનિત ઘરની બહાર નીકળી ગયા હતા.

અને તેના મકાનની ચાવીઓ જયપાલસિંહ એ મેળવી લીધી હતી, તેની પત્ની સાથે હતી પરંતુ કશું બોલી ન હતી. આ પછી હર્ષાબેન તેના પતિ કિશોરને ફોન કરી સમગ્ર ઘટના જણાવી હતી અને અંતે મા દીકરાએ કમલાબાગ પોલીસ મથકે આવીને પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં ઊંચા વ્યાજે લીધેલી રકમની અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા અને ગાળો દઈ હત્યાની ધમકી આપતા અને બળજબરીથી મકાનનું તાળું મરાવી ચાવી મેળવી લઈ ધમકી આપનાર જયપાલસિંહ તથા તેના ભત્રીજા યશપાલસિંહ ઉપરાંત અગાઉ વ્યાજ પેટે 15 લાખના એક કરોડ 45 લાખ પડાવનાર બાલુભા પોપટબા સોલંકી અને દેવા ગરેજા, ભોજા ગોઢાણીયા વગેરે સામે નાણાં ધીરધાર અધિનિયમની કલમ હેઠળ હર્ષાબેન કિશોર વારાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અગાઉ ૨ વ્યાજખોરો જયપાલસિંહ અને યશપાલસિંહ ને ઝડપી લીધા બાદ વધુ ૨ વ્યાજખોરો દેવા ગરેજા, ભોજા ગોઢાણીયા ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે