પોરબંદર પાલિકા દ્વારા લાંબા સમય થી વેરો બાકી હોય તેવી ૨ કોમર્શીયલ મિલ્કત સીલ કરાઈ છે.
પોરબંદર પાલિકા દ્વારા ૬ કરોડ થી વધુ રકમ નો બાકી વેરો વસુલવા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી ના આદેશ થી વેરા વસુલાત ઝુંબેશ શરુ કરાઈ છે. જે અંતર્ગત લાંબા સમય થી વેરો બાકી હોય અને વારંવાર નોટીસ આપવા છતાં વેરો ભરવાની દરકાર કરી ન હોય તેવી ૧ રહેણાંક અને ૬ કોમર્શીયલ મિલ્કત સીલ કરવા પાલિકા ના ટેક્સ ઇન્સ્પેકટર વિપુલભાઈ ભટ્ટ અને તેની ટીમ દોડી ગઈ હતી. જેમાં ૧ રહેણાંક અને ૪ કોમર્શીયલ મિલ્કત ધારકો એ બાકી નીકળતો રૂ ૧.૪૫ લાખ નો વેરો સ્થળ પર ભરી આપતા તેની મિલ્કત સીલ કરાઈ ન હતી.
જયારે બંગડી બજાર તથા પ્લાઝા સિનેમા સામે આવેલ ૧-૧ કોમર્શીયલ મિલ્કત ધારકો એ રૂ ૬૫ હજાર નો વેરો ભર્યો ન હોવાથી બન્ને મિલ્કત સીલ કરાઈ હતી. વેરા વસુલાત અંતર્ગત મિલ્કત સીલ કરવાની કામગીરી આગામી સમય માં પણ ચાલુ રહેશે. તેવું પાલિકા ના અધિકારી એ જણાવ્યું છે. અને લાંબા સમય થી વેરો બાકી હોય તો તાત્કાલિક ભરી જવા અપીલ કરી હતી.
પોરબંદર નગરપાલિકાને વેરા ભરવા માટે અખાડા કરનારા આસામીઓ સામે કડક હાથે કામ લેવા ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ આદેશ આપતા હાઉસટેક્સ ઇન્સપેકટર વિપુલભાઈ ભટ્ટ, કમલેશભાઇ અમલાણી, નિર્મલભાઈ ઓડેદરા, સુનીલભાઈ રામદત્તી, દેવ નિમાવત અને ચેતન હરિયાણી સહિતની ટીમે બુધવારે બપોરે શહેરના બોખીરા વિસ્તાર, પ્લાઝા વિસ્તાર, એસ.ટી. રોડ તથા કેદારેશ્વર રોડ નજીક લીબર્ટીવાળી ગલીમાં આસામીઓને ત્યાં સીલ મારવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.
વેરા ભરવામાં અખાડા કરનારાઓ સામે ઢીલી નીતિ દાખવાશે નહીં અને કામમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓને પણ શો કોઝ નોટીસ પાઠવવામાં આવી રહી છે. અને સીલ મારવા માટે પણ જરૂર જણાય ત્યાં પોલીસ બંદોબસ્તની જરૂરીયાત હોય ત્યાં સાથે આપવામાં આવશે. તેવું પાલિકા અધિકારી એ જણાવ્યુ હતુ કે છેલ્લા ચાર પાંચ વર્ષથી વેરો ભરવામાં અખાડા કરી રહેલા આસામીઓ સામે કડક કામગીરી થઇ રહી છે અને હજુ આ ઝુંબેશ યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત એમ પણ જણાવાયુ હતુ કે આજે ગુરુવારે સુતારવાડાના વેપારી વિસ્તારમાં પાલિકાની ટીમ ત્રાટકશે અને વેરા વસુલાત ઝુંબેશ આગળ ધપાવવામાં આવશે.
વધુ માં એવું પણ જણાવ્યું છે. પોરબંદરના અનેક મિલ્કત ધારકો વિદેશમાં વસવાટ કરી રહ્યા છે. કેન્યા, યુગાન્ડા, આફ્રિકા, લંડન ખાતે વસવાટ કરનારા અનેક આસામીઓએ પોતાના વેરા વારંવાર નોટીસ આપવા છતા ભર્યા નથી તેથી તેવા લોકો સામે પણ કડક કાર્યવાહીની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે અને જો તેઓ સમયસર વેરો નહી ભરે તો તેઓની મિલ્કતોને ટાંચમાં લેવા માટેની કામગીરી કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યુ છે.