જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન ખાપટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પોરબંદર ખાતે ૧૮મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી. જેમા કૃષિ યુનિવર્સિટી જુનાગઢના કુલપતિ ડો. વી.પી. ચોવટીયા સહિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને યુનિવર્સિટીના નિષ્ણાંતો તથા અધિકારીઓ હાજર રહ્યા હતા. સમિતિની બેઠકમાં ગયા વર્ષે થયેલ પ્રવૃતિઓ તથા લક્ષ્યાંક, ચાલુ વર્ષે થનાર પ્રવૃતિ અંગે મંથન કરવાની સાથે ટાર્ગેટ નક્કી કરાયા હતા. તથા ખેડૂતો અને જિલ્લાને ઉપયોગી બને તે રીતે એકશન પ્લાન તૈયાર કરાયો હતો.
આ તકે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. એચ.આર. વદરે ગયા વર્ષનો પ્રગતિ અહેવાલ રજુ કર્યો હતો. તથા ૨૦૨૩નો એકશન પ્લાનનુ પ્રેઝન્ટેશન કર્યુ હતું. જેમા ખેડૂતોને તાલીમ આપવી, બીજામૃત, જીવામૃત, સોઇલ- વોટર ટેસ્ટીંગ, મેરા ગાવ મેરા ગૌરવ કાર્યક્રમ હેઠળ ગ્રામીણ વિસ્તારોની મુલાકાત, ખેડૂત કલ્યાણલક્ષી વર્કશોપ-સેમીનાર, પ્રાકૃતિક ખેતી, કીચન ગાર્ડન તાલીમ વગેરે મુદાઓ અંગે વિસ્તારથી એકશન પ્લાન રજુ કર્યો હતો.
આ પ્રસંગે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી.પી. ચોવટીયાએ વિશેષ માર્ગદર્શન તથા સુચનો રજુ કર્યા હતા. કુલપતિશ્રીએ કહ્યુ કે, ખેડૂતોના ખેતીલક્ષી પ્રશ્નોનુ નિરાકરણ લાવવુ, તેઓને યોગ્ય તાલીમ આપવાની સાથે અનુકુળ બિયારણો અંગે જાણકારી આપવી, ખેડૂતોમાં ખેતીલક્ષી જાગૃતતા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે દિશામાં કાર્યરત રહેવુ, પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે તાલીમો યોજવાની સાથે પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવવા તથા ખેડૂતોનુ જીવન ધોરણ ઊંચુ આવે તે માટે ખેતીલક્ષી તાલીમો અને જાણકારી આપવા જણાવ્યુ હતુ. વાતાવરણના બદલાવથી પાકમાં આવતી જીવાત, રોગથી પાકને બચાવવા તકેદારી રાખવા યોગ્ય માર્ગદર્શન આપવું સહિત જાણકારી આપી હતી.
આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એચ.એમ ગાજીપરાએ જમીન ચકાસણી અને પાણી ચકાસણી વધુમાં વધુ થાય, ખેડૂતો તાલીમ મેળવી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવે તે માટે પ્રયાસો કરવા સહિત સુચનો કર્યા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના આર.આર ટીલવાએ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ તરફ વાળવા સહિતના સુચનો આપ્યા હતા. નાયબ પશુપાલન નિયામક ગેહલોતે પ્રાકૃતિક ખેતીની સાથે સાથે પ્રાકૃતિક પશુપાલન પર પ્રકાશ પાડ્યો હતો.
જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ. ત્રિવેદીએ અમૃત મહોત્સવના ભાગરૂપે દરેક ગામમાથી ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે દિશામાં ફોકસ કરવા સહિત સુચનો આપ્યા હતા.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો. વી.એમ. સાવલીયાએ કાર્યક્રમનું સંચાલન કરવાની સાથે એકશન પ્લાનના અલગ અલગ વિષયને અનુરૂપ જાણકારી આપી હતી. સમિતિની બેઠકમાં અધિકારીઓ, અધ્યાપકશ્રીઓ સહિત પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા.
