પોરબંદર જિલ્લામાં ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનો ૧૫ બહેનોને લાભ આપવામાં આવ્યો છે. ગંગા સ્વરૂપામાં પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત રૂપિયા ૫૦,૦૦૦ની સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેમાં ૨૫,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય પુનઃલગ્ન કરનાર મહિલાના ખાતામાં ડીબીટી મારફતે જમા કરાયા બાદ ૨૫,૦૦૦ રૂપિયાની રકમના રાષ્ટ્રીય બચત પત્રની સહાય આપવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના કાર્યરત છે.મહિલાઓને પુનઃલગ્ન પરત્વે સામાજિક માનસિકતામાં પરિવર્તન આવે તેમજ પુનઃલગ્નનો સમાજ દ્વારા સ્વીકાર થાય તે વાસ્તવિક અર્થમાં ચરિતાર્થ કરવાનો સરકારનો ઉદ્દેશ છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાથી મહિલાઓના દરજ્જા અને ભૂમિકાના વિભિન્ન આયોમોમાં વ્યવહારિક પરિવર્તન સુનિશ્ચિત થાય તેમજ સમાજમાં મહિલાઓના પુનઃ લગ્નનો સ્વીકાર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. અને મહિલાઓ પરત્વે સામાજિક માનસિકતામાં પરિવર્તન લઈ આવવું અને પુનઃલગ્ન કરવા ઈચ્છુક બહેનોને સમાજના સાંપ્રત પ્રવાહોમાં પુનઃસ્થાપિત કરવાના હેતુથી સરકારએ આ કલ્યાણકારી યોજના કાર્યરત કરી છે.
જેમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવનાર ૧૮ થી ૫૦ વર્ષની ઉંમરની પુનઃલગ્ન કરનાર મહિલા આ યોજનાનો લાભ લઇ શકે છે, અને પુનઃ લગ્ન કરીએથી ૬ માસની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહે છે. આ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં રાજ્ય સરકારની આ કલ્યાણકારી યોજનાનો લાભ ૧૫ મહિલાઓને આપવામાં આવ્યો છે.
ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?
ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાનું અરજીપત્રક મહિલા અને બાળ અધિકારીની કચેરી, મામલતદારશ્રીની કચેરી, ઈ-ગ્રામ સેન્ટર પર વિના મૂલ્યે ઉપલબ્ધ થશે. લાભાર્થી દંપતી જરૂરી આધાર પુરાવા સહિત નિયત નમુનામાં અરજી મહિલા અને બાળ અધિકારીની કચેરી, મામલતદારશ્રીની કચેરી, ઈ-ગ્રામ ખાતેથી ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે. ઈ-ગ્રામ સેન્ટર ખાતે ઓનલાઈન અરજી કરવા માટે સરકાર દ્વારા નિયત થયેલ ફી અરજદારએ ચુકવવાની હોય, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના માટેના અરજી પત્રકો મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબ સાઈટhttps://wcd.gujarat.gov.in/પર ઉપલબ્ધ છે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે અરજી ફોર્મ સાથે અરજદારે ક્યાં આધાર પુરાવા રજૂ કરવાના?
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગેનો મંજૂરી આદેશ, પુનઃલગ્નની નોંધણી અંગેનું પ્રમાણપત્ર,જે વ્યક્તિ સાથે પુનઃલગ્ન થયેલ છે તેના સરનામા અંગેનો પુરાવો, પુનઃલગ્ન પરત્વે દંપતિના સંયુકત પાસપોર્ટ સાઈઝનાં ફોટા, લાભાર્થી જે બચત ખાતામાં સહાય લેવા માંગતા હોય તે ખાતાની પ્રથમ પાનની સ્વપ્રમાણિત નકલ સહિતના આધાર પુરાવા રજુ કરવાના હોય છે તેવું મહિલા અને બાળ વિકાસની કચેરીના અધિકારી શ્રી હંસાબેન ટાઢાણી દ્વારા જણાવવામાં આવ્યું છે.