Wednesday, July 3, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર છેલ્લા ૩ વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ૪૩૭૭ ખેડૂતોને ગાય નિભાવ માટે ૧૩.૪૪ કરોડનું ચૂકવણું કરાયું

પોરબંદર જીલ્લા માં છેલ્લા ૩ વર્ષ માં પ્રાકૃતિક ખેતી કરતા ૪૩૭૭ ખેડૂતો ને ગાય ના નિભાવ માટે રૂ ૧૩.૪૪ કરોડ નું ચુકવણું કરાયું છે.

પોરબંદર છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે ૧૩.૪૪ કરોડનું ચૂકવણું કરાયું છે. જેમાં પોરબંદરમાં ૩૦૮૩, કુતિયાણામાં ૮૮૪ અને રાણાવાવમાં ૪૧૦ સહિત જિલ્લામાં ૪૩૭૭ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે વર્ષે ૧૦૮૦૦ રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવાઇ છે. જમીનનો બગાડ થતો અટકાવવા, ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટાડવા, જંતુનાશક દવા અને કેમિકલ યુક્ત ખાતરથી ઉત્પાદિત થયેલ ખોરાકના બદલે શુદ્ધ સાત્વિક ખોરાક લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર સરાહનીય પ્રયાસ કરી રહી છે.

ગુજરાત રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ અંગે શિબીરોના માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી અને ગાયનું મહત્વ સમજાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પ્રેરણા આપી રહ્યા છે. સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરતા થાય તે માટે કરોડો રૂપિયાની સરકારની સહાયનો લાભ વિવિધ યોજનાના માધ્યમથી ખેડૂતોને આપવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં ગાયનું અનેરૂ મહત્વ છે.

પોરબંદર જિલ્લામાં આત્મા ગવર્નિંગ બોર્ડના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠકકરના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડી.ડી. ત્રાડાની ટીમ દ્વારા ખેડૂતોને તાલીમ યોજી પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકારની કલ્યાણકારી યોજનાથી ગાય નિભાવ માટે દર મહિને ૯૦૦ રૂપિયાનું ચુકવણું કરવામાં આવી રહ્યું છે.

ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થાય અને ખેતીલાયક જમીનનું સંવર્ધન થાય તેવા આશયથી શરૂ કરાયેલી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી માટે એક ગાયના નિભાવ ખર્ચની સહાય યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૩.૪૪ કરોડ રૂપિયાની સહાયનું ચુકવણું કરવામાં આવ્યું છે.

આ યોજના અંતર્ગત દર મહિને ખેડૂતોને ૯૦૦ રૂપિયા અને વાર્ષિક ૧૦,૮૦૦ રૂપિયાની એક ગાયના નિભાવ માટે સહાય અપાઇ છે. આજના યુગમાં રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાના છંટકાવને લીધે પાક પર થતી તેની પ્રતિકૂળ અસરથી લોક સ્વાસ્થ્યને બચાવવાનો આ યોજના પાછળનો સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. ખેતીલાયક જમીન, ફળદ્રુપ ઉપજાવ બને અને જમીન ખરાબ ન થાય તથા રાસાયણિક ખાતરને બદલે પ્રાકૃતિક ખેતીને લીધે જમીનમાં રહેલ સુક્ષ્મ જીવાણું ખાસ કરીને અળસિયા પાક માટે ખૂબ ખૂબ ઉપયોગી છે, તેનો બચાવ, સૂક્ષ્મ જીવાણુ અળસિયાની હાજરીમાં જમીન વધુ છિદ્રાળુ તથા વધુને વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. ખેતી કરતા ખેડૂતોને રાસાયણિક ખાતર, રાસાયણિક દવાને બદલે જીવામૃત, ઘનમૂળ સમાન ગાયનું ગોબર ગાયના મૂત્રનો ઉપયોગ કરી ખેડૂતોને ખેતીમાં કરવો પડતો અઢળક ખર્ચનો બચાવ પ્રાકૃતિક ખેતીથી થાય છે.

પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ માં ૩૭૭.૪૦ લાખ ૨૦૨૨-૨૩ માં ૪૮૮.૯૬ લાખ ૨૦૨૩-૨૪ માં ૪૭૮.૪૯ લાખની સહાયનું ચુકવણું ખેડૂતોને કરવામાં આવ્યું હતું. તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૩.૪૪ કરોડ રૂપિયાની સહાયનો લાભ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ માટે અપાયો છે.

કોને અને કેવી રીતે ખેડૂતોને ગાય નિભાવ માટે સહાય આપવામાં આવે છે

ખેડૂત પાસે ખેતીની જમીન હોવી જોઈએ. ખેડૂત પાસે દેશી ગાય હોવી જોઈએ. ખેડૂત પાસે દેશી ગાયને ટેગ મારેલ હોવું જોઈએ. ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા હોવા જોઈએ, તેવા ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. જરૂરી સાધનિક કાગળો કચેરી નાયબ ખેતી નિયામક (તાલીમ), ખેડુત તાલીમ કેન્દ્ર, સાંદિપની મંદિરની બાજુમાં, પ્રોજેક્ટ ડાયરેક્ટર, આત્મા પ્રોજેક્ટ પોરબંદર કચેરી ખાતે પહોંચતા કરવાના રહેશે, ખરાઈ કર્યા બાદ ખેડૂતોને લાભ આપવામાં આવે છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે