પોરબંદર ખાતે રામ કૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ મેમોરીયલ ની ૧૨૫ મી વર્ષગાંઠ ની ઉજવણી કરાઈ હતી.
પોરબંદર ખાતે આવેલ રામકૃષ્ણ મિશનની ૧૨૫ મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે પોરબંદરના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ આશ્રમના પ્રાંગણમાં જાહેર સભા યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજ્યના વન પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહાનુભાવો એ જ્યોતિબહેન થાનકી દ્વારા લિખિત ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરની ૨૫ વર્ષની વિકાસ ગાથા’ પુસ્તકનું વિમોચન કર્યું હતું.
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આ તકે સ્વામી વિવેકાનંદજીને યાદ કરીને કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ જીએ વિદેશથી પાછા ફરીને ‘શિવ જ્ઞાનથી જીવ સેવા’ ના આદર્શને મૂર્ત સ્વરૂપ આપવા અને ‘આત્મનો મોક્ષાર્થમ જગત હિતાયચ’ ના મંત્રને ચરિતાર્થ કરવા ૧ મે ૧૮૯૭ ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. છેલ્લા ૧૨૫ વર્ષથી રામકૃષ્ણ મિશન જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ચરિતાર્થ કરે છે. શિક્ષણ, આરોગ્ય, આપતિના સમયમાં મદદ સહિત જનસેવા કરવામાં આવે છે. મંત્રી એ વધુમાં કહ્યું કે,સ્વામી વિવેકાનંદજી ભારત ભ્રમણ દરમિયાન ગુજરાતમાં જે સ્થળે આવ્યા હતા ત્યાં મેમોરિયલ બનાવવા તથા કાર્યરત મેમોરિયલને અધતન બનાવવા ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટમાં પૂરતી રકમની જોગવાઈ કરી છે.
જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી એ કહ્યું કે, સ્વામી વિવેકાનંદજીનું નામ લેવાથી આપણી અંદર ચેતનાનો સંચાર થાય છે. આ તકે કલેક્ટરએ વિશ્વનો ઇતિહાસ તથા ભારતનો પ્રાચીન અને આધુનિક ઇતિહાસની વાત કરી સ્વતંત્રતા આંદોલનમાં રામકૃષ્ણ પરમહંસજી, સ્વામી વિવેકાનંદજી સહિત વિભૂતિઓના આધ્યાત્મિક વિચારો આઝાદી માટે પ્રેરકબળ બન્યા હતા તેમ જણાવી યુવાનોને સોશિયલ મીડિયાથી બહાર આવી લાયબ્રેરીમાં પુસ્તકો વાંચવા અપીલ પણ કરી હતી.
વારાણસીથી આવેલા સ્વામી વિશ્વાત્માનંદજી આશીર્વચનમા કહ્યું હતું કે, ૧૨૫ વર્ષમાં રામકૃષ્ણ મિશન એ ભારત વર્ષને અનેક શિક્ષકો, અધિકારીઓ, નેતાઓ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ સહિત સારા નાગરિકો આપ્યા છે. રામકૃષ્ણ મિશન છેલ્લા ૧૨૫ વર્ષથી જન સેવાનું કામ કરી રહ્યું છે.
સ્વામી નિખીલેશ્વરાનંદજીએ રામકૃષ્ણ મિશન પોરબંદરની સ્મૃતિઓ તાજી કરવાની સાથે સ્વામી વિવેકાનંદજીને યાદ કર્યા હતા. જ્યોતિબેન થાનકીએ રામકૃષ્ણ મિશનની ત્રણ ધારા જેમાં જ્ઞાનધારા, પ્રેમધારા તથા કર્મધારા વિશે વાત કરી પોરબંદર સ્થિત રામકૃષ્ણ મિશનના ઇતિહાસની વાતો કરી હતી.
સ્વામી આત્મદિપાનંદજીએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સ્વામી ચિરંતનાનંદજીએ આભાર દર્શન કર્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, નગરપાલિકાના પ્રમુખ સરજુભાઈ કારીયા, રમેશભાઈ ઓડેદરા તથા ગુજરાતની અલગ અલગ શાખાઓમાંથી સ્વામીજીઓ, વિધાર્થીઓ તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.




